6
દાર્યાવેશનો વટહુકમ
1 એ પછી દાર્યાવેશ રાજાએ બાબિલના ભંડારોના કાર્યાલયમાં તપાસ કરવાનો હુકમ કર્યો.
2 ત્યારે માદાય પ્રાંતના “એકબાતાના” કિલ્લામાંથી એક લેખ મળી આવ્યો;
એમાં આ ટીપ્પણી હતી:
3 રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું.
તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી.
4 ભીંતોમાં મોટા પથ્થરના ત્રણ થર અને નવા લાકડાનો એક થર રાખવો. તમામ ખર્ચ રાજભંડારમાંથી કરવો.
5 તદુપરાંત યરૂશાલેમના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર જે સોના ચાંદીના વાસણો બાબિલ લઇ આવ્યો હતો તે પાછાં સોંપી દેવા, તે બધાં પાછા યરૂશાલેમના દેવના મંદિરમાં લઇ જઇ ત્યાં તેના મૂળસ્થાને ફરી ગોઠવી દેવાં.
6 ત્યારબાદ દાર્યાવેશે આ મુજબ હુકમ બહાર પાડ્યો:
ફ્રાંતની પશ્ચિમે આવેલા પ્રદેશના સૂબા તાત્તનાય, શથાર-બોઝનાય અને તેમના સાથી અમલદારો જોગ. તેઓએ ત્યાથી દૂર રહેવું.
7 દેવના મંદિરના બાંધકામમાં તમારે વિઘ્નો ન નાખવા, યહૂદાના પ્રશાસક અને યહૂદીયાઓના આગેવાનો દેવનું મંદિર એના અસલ સ્થાને ફરીથી બાંધે.
8 યહૂદીયાઓના વડીલોને દેવનું મંદિર બાંધવામાં તમારે મદદ કરવી એવું મારું ફરમાન છે: એનો સમગ્ર ખચોર્ ફ્રાત પારના પ્રદેશના મહેસૂલમાંથી થતી રાજ્યની આવકમાંથી અચૂક ચૂકવી દેવો. જેથી કામ અટકી પડે નહિ.
9 આકાશના દેવને દહનાર્પણો અર્પવા માટે યરૂશાલેમના યાજકોને જુવાન વાછરડાં, બકરા, ઘેટાં, હલવાનો, તથા ઘઉં, મીઠું, દ્રાક્ષારસ અને તેલ તેઓ જે કઇં માગે તે બધું અચૂક દરરોજ પૂરું પાડવું.
10 જેથી તેઓ આકાશના દેવને પ્રસન્ન કરવા માટે સુવાસિત દહનાર્પણો કરે, અને રાજાના તથા તેના પુત્રોના દીર્ધાયુષ્ય માટે પ્રાર્થના કરે.
11 વળી એવો હુકમ પણ કર્યો છે કે, “જે કોઇ આ હુકમનું ઉલ્લંઘન કરે તેના ઘરનો એક મોભ ખેંચી કાઢવામાં આવશે. અને તેનું ઘર કચરાનો ઢગલો કરી નાખવું.
12 જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના દેવના મંદિરનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ભલે દેવ વિનાશ કરે.”
હું દાર્યાવેશ તમને આ હુકમ કરું છું. તેનું સંપૂર્ણ વફાદારીથી પાલન કરવામાં આવે.
મંદિરની પ્રાણપ્રતિષ્ઠા
13 ત્યારપછી ફ્રાંતની પશ્ચિમના પ્રદેશના સૂબા તાત્તનાયએ, શથાર-બોઝનાયે અને તેમના સાથીઓએ રાજા દર્યાવેશે મોકલેલી આજ્ઞાનું અક્ષરશ: પાલન કર્યુ.
14 યહૂદીયાઓના વડીલોએ પણ પ્રબોધકો હાગ્ગાય અને ઇદ્દોના પુત્ર ઝખાર્યાના વચનોથી પ્રેરાઇને મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યુ અને તેમનું ઉદેશ્ય પુરું કર્યુ. તેઓએ ઇસ્રાએલના દેવના ફરમાન મુજબ તથા કોરેશ, દાર્યાવેશ અને આર્તાહશાસ્તા અને ઇરાનના રાજાઓના ફરમાન મુજબ બાંધકામને પૂરું કર્યુ.
15 તે મંદિર રાજા દાર્યાવેશના રાજ્યના છઠ્ઠા વષેર્ અદાર મહિનાના ત્રીજે દિવસે પૂર્ણ થયું હતું.
16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.
17 તેમણે 100 બળદો, 200 ઘેટાં, 400 હલવાન, અને બાર બકરાની આખા ઇસ્રાએલ માટેની પાપાર્થાપણની બલી આપી.
18 ત્યારબાદ તેમણે મૂસાના ગ્રંથમા લખ્યા મુજબ, યાજકોને અને લેવીઓને દેવનાં મંદિરની સેવા કરવા ટૂકડીવાર ફરીથી નીમી દીધા.
પાસ્ખાપર્વ
19 દેશવટેથી પાછા ફરેલા માણસોએ પહેલા મહિનાના ચૌદમા દિવસે પાસ્ખાનું પર્વ ઊજવ્યું.
20 બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો.
21 ઇસ્રાએલી જેઓ દેશવટેથી પાછા આવ્યા હતા તેઓએ પાસ્ખા ખાધું, કેટલાક બીજાઓએ ઇસ્રાએલના દેવ યહોવાને શોધવા પોતાને પ્રજાની અશુદ્ધિઓથી જુદા કર્યા અને ઇસ્રાએલના દેવ યહોવા પાસે આવ્યા. તેઓએ તેમની સાથે ખાધું પણ ખરું.
22 સાત દિવસ સુધી તેમણે આનંદભેર બેખમીર રોટલીનું પર્વ ઊજવ્યું. તેઓ ખૂબ આનંદમાં હતા કારણકે યહોવાએ આશ્શૂરના રાજાના હૃદયમાં ઇસ્રાએલીઓ પ્રત્યે સદ્ભાવ જગાડી તેમના દેવ યહોવાના મંદિરના કામમાં તેમને મદદ કરવા પ્રેર્યાં હતાં.