9
બિનયહૂદીઓ સાથેના લગ્ન-વિરૂદ્ધ એઝરાનો બોધ
1 પરંતુ આ બધું પૂરું થયા પછી કેટલાક આગેવાનો મારી પાસે આવ્યા ને કહ્યું, “ઇસ્રાએલના લોકો, યાજકો અને લેવીઓએ પોતાની જાતને દેશમાં રહેતા વિદેશી લોકોથી જુદી પાડી નથી. તેઓએ કનાનીઓ, હિત્તીઓ, પરિઝિઝઓ, યબૂસીઓ, આમ્મોનીઓ, મોઆબીઓ, મિસરવાસીઓ અને અમોરીઓના ઘૃણાપાત્ર રીત રિવાજો અને માગોર્ અપનાવ્યા છે.
2 તેમણે આ લોકોની સ્ત્રીઓને પોતાની અને પોતાના પુત્રોની પત્ની તરીકે સ્વીકારી છે; આમ પવિત્ર લોકોની પ્રદેશના લોકો સાથે ભેળસેળ થઇ ગઇ છે. આ પાપ કરવાવાળામાં આગેવાનો અને અમલદારો જ પહેલા છે.”
3 મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢયાં અને હું અતિશય સ્તબ્ધ થઇ બેસી ગયો.
4 આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇસ્રાએલના દેવના વચનોથી જેઓ ધૂજતા હતા. તે સર્વ મારી પાસે ભેગા થયા; સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઇને બેસી રહ્યો.
5 સાંજના અર્પણનો સમય થતાં હું શોકમગ્ન થઇને બેઠો હતો ત્યાંથી ઊઠયો અને મારાં ફાટેલા ઝભ્ભા અને ઉપરણાં સાથે જ ઘૂંટણિયે પડી, મારા દેવ યહોવા તરફ હાથ લંબાવી હું બોલ્યો,
6 “હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.
7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.
8 “પરંતુ ટૂંકા સમય માટે તમે, અમારા દેવે અમારા પર કૃપા કરીને અમારામાંથી કેટલાંકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રયસ્થાન આપ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તમે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે:
9 કારણ, અમે તો ગુલામ છીએ; તેમ છતાં અમારી ગુલામ દશામાં પણ તમે અમને ભૂલી નથી ગયા, અને તમે ઇરાનના રાજાના હૃદયમાં અમારા માટે દયા જગાડી છે અને તેમણે અમને જીવતદાન તો આપ્યું જ છે, ઉપરાંત અમારા દેવના મંદિરનો જીણોર્દ્ધાર કરી ફરી બાંધવાની પરવાનગી આપી છે, અને યહૂદામાં અને યરૂશાલેમમાં અમને દીવાલ આપી છે.
10 “હવે, હે અમારા દેવ, અમે તમને શું કહીએ? કારણકે અમે ફરીથી તમારી આજ્ઞાઓ પાળી નથી અને તમારાથી દૂર ભટકી ગયા છીએ.
11 દેવે, તેમના સેવકો પ્રબોધકો મારફત અમને ચેતવ્યા હતા કે, જે ભૂમિ અમને વારસામા મળવાની છે તે ત્યાંના રહેવાસીઓના ભયંકર રીતરિવાજને લીધે તદૃન અશુદ્ધ થયેલી છે અને એક છેડાથી બીજા છેડા સુધી તેમાં વ્યાપેલી અશુદ્ધિઓને લીધે ષ્ટ થયેલી છે.
12 માટે તમારી પુત્રીઓને તેમના પુત્રો સાથે પરણાવશો નહિ. તેઓએ અમને કહ્યું હતું, અને તમારા પુત્રોને તેમની પુત્રીઓ સાથે પરણાવશો નહિ; અને એ લોકોની સુખ સમૃદ્ધિ માટે કશું કરશો નહિ. તો જ તમે બળવાન બનશો, એ ભૂમિની ઉત્તમ ઉપજને માણી શકશો, અને તમારા વંશજોને એ સદાકાળ માટે વારસામાં આપતા જશો.
13 “અમારાઁ દુષ્ટ કમોર્ને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.
14 છતાં અમે તમારા હુકમોનો અનાદર કરીને ફરી આ ધિક્કારપાત્ર કૃત્યો કરનાર લોકોની સાથે આંતરવિવાહ કરીશું? તો પછી શું તું અમારા પર કોપાયમાન થઇને અમારો એવો વિનાશ નહિ કરશે કે કઇ પણ અથવા કોઇ પણ ન બચે?
15 “હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”