3
યહૂદીઓના વિનાશ માટે હામાનની યોજના
1 ત્યારબાદ થોડા સમય પછી અહાશ્વેરોશ રાજાએ અગાગી હામ્મદાથાના પુત્ર હામાનને ઊંચી પદવીએ ચઢાવ્યો. તેને બધા અમલદારોથીં ઉંચી પદવી આપવામાં આવી.
2 અને રાજાની આજ્ઞાથી રાજાના બધા સેવકો રાજાના દરવાજે હામાનને નીચા નમીને પ્રણામ કરવા લાગ્યા; પરંતુ મોર્દખાયે તેમ કર્યુ નહિ અને માન આપવાની ના પાડી.
3 તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછયું; “તું શા માટે રાજાની આજ્ઞાનો ભંગ કરે છે?”
4 આ રીતે તેઓ રોજ તેને પૂછતા હતા અને તે તેમની વાત સાંભળતો નહોતો, તેણે તેઓને એટલું જ કહ્યું કે, “હું એક યહૂદી છું.” તે લોકોએ આ બાબતની જાણ હામાનને કરી, એ જાણવા માટે કે, તે મોર્દખાયની વર્તણૂંક સહન કરે છે કે કેમ.
5 જ્યારે હામાને જોયું કે, મોર્દખાય તેની આગળ નીચો નમતો નથી કે તેને માન આપતો નથી, ત્યારે તે ખૂબજ ગુસ્સે થયો,
6 અને મોર્દખાય યહૂદી છે એવી જાણ થતાં ફકત મોર્દખાયનો જીવ લઇને સંતોષ માનવાને બદલે તેણે આખા સામ્રાજ્યમાંથી એકેએક યહૂદીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો.
7 રાજા અહાશ્વેરોશના અમલના બારમા વર્ષ પહેલા એટલે કે નીસાન મહિનામાં હામાને ફાંસીનો દિવસ નક્કી કરવા ચિઠ્ઠીઓ નાંખી. બારમો મહિનો એટલે કે અદાર મહિનો અને તેરમો દિવસ પસંદ થયો.a
8 ત્યારે હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાંની બીજી પ્રજાઓ વચ્ચે એક પ્રજાના લોકો પ્રસરેલા છે; બીજા બધા લોકો કરતાં તેમના રીત રિવાજો જુદા છે અને તેઓ આપ નામદારના કાનૂનો સુદ્ધાં માનતા નથી. તેમને નભાવી લેવા તે તમારા હિતમાં નથી.
9 “માટે જો આપને યોગ્ય લાગે તો એમનો નાશ કરવાની આજ્ઞા ફરમાવો, તો જેઓ આજ્ઞાનું પાલન કરશે, તેઓને હું દશ હજાર ચાંદીના સિક્કાઓ રાજભંડારમાં લઇ જવા માટે આપીશ.”
10 એ સાંભળીને રાજાએ પોતાની આંગળી ઉપરથી રાજમુદ્રા કાઢીને યહૂદીઓના દુશ્મન અગાગી હામાન કે જે હામ્મદાથાનો પુત્ર હતો તેને આપી.
11 અને રાજાએ હામાનને કહ્યું કે, “એ નાણાં અને એ લોકો પણ છો તારા હાથમાં રહેતાં, તારે જેમ કરવું હોય તેમ કર.”
12 ત્યારબાદ પહેલા મહિનાને તેરમે દિવસે રાજાના મંત્રીઓને બોલાવવામાં આવ્યા; અને હામોનની આજ્ઞાઓ પ્રમાણે અમલદારો પર, દરેક પ્રાંતના સૂબાઓ પર, તથા દરેક પ્રજાના આગેવાનો પર, અર્થાત્ પ્રત્યેક પ્રાંતની લિપિમાં અને પ્રત્યેક પ્રાંતની ભાષામાં અને અહાશ્વેરોશ રાજાને નામે તે આદેશો લખાયા અને રાજાની મુદ્રિકાથી તેના પર મહોર મારવામાં આવી.
13 સંદેશાવાહકો મારફત એ પત્રો રાજાના બધા પ્રાંતોમાં મોકલવામાં આવ્યા જેમાં આજ્ઞા હતી કે, બારમા એટલે કે અદાર મહિનાના તેરમા દિવસે એક જ દિવસમાં બધાં જ યહૂદી જુવાન અને વૃદ્ધો સ્ત્રી-પુરુષો સહિતની હત્યા કરવામાં આવે અને તેમને સાફ કરી નાખવામાં આવે, તેમની માલમિલકત લૂંટાઇ જવી જોઇએ.
14 આ આદેશની નકલને બધાં પ્રાંતોમાં નિયમ તરીકે વહેચવી તેને જાહેરમાં પ્રગટ કરવી જેથી નિર્ધારિત સમયે રાજ્યનાં બધાં લોકો તે દિવસ માટે તૈયાર જ રહે.
15 સંદેશાવાહકોએ આ હુકમનામાની જાહેરાત સૌપ્રથમ સૂસાનાં પાટનગરમાં કરી. પછી સંદેશવાહકો આ આદેશપત્રોને દરેક પ્રાંતમાં આપવા ગયા. સૂસાનું સમગ્ર નગર ભયભીત થઇ ગયું અને મુંઝવણમાં મૂકાઇ ગયું. પણ રાજા અને હામાન દ્રાક્ષારસ માણી રહ્યાં હતાં.