39
યાજકો માંટેના પોષાક
1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.
એફોદ
2 તેમણે એફોદ સોનાનું તથા જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન અને ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
3 સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
4 એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા. જેથી તે બાંધી શકાય.
5 એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો.
6 પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં.
7 અને પછી તેઓએ તેને એફોદના ખભાના પટ્ટા સાથે, દેવને ઇસ્રાએલીઓની યાદી તરીકે જોડી દીધા. યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે કરવામાં આવ્યું હતું.
ન્યાયકરણનું ઉરપત્ર
8 તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો.
9 તે એક સમચોરસ બેવડ વાળેલું એક વેંત લાંબું અને એક વેંત પહોળું હતું.
10 એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા.
11 બીજી હારમાં લીલમ, નીલમ અને હીરા.
12 ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત
13 અને ચોથી હારમાં ગોમેદ, પિરોજ અને યાસપિસની, એ બધાં સોનાનાં નકશીકામવાળા ચોકઠામાં જડેલા હતા.
14 આ રીતે તેમાં બાર નંગો હતા અને તેના પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરેલાં હતાં. પ્રત્યેક નંગ પર ઇસ્રાએલના એક વંશનું નામ કળાથી કોતરેલું હતું.
15 તેમણે ન્યાયકરણ ઉરપત્ર માંટે શુદ્ધ સોનાની ગૂંથેલી દોરી જેવી સાંકળીઓ બનાવી.
16 તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી.
17 પછી ન્યાયકરણ ઉરપત્રના છેડા પર મૂકેલી કડીઓમાં સોનાની સાંકળીઓ જોડી દીધી.
18 એ સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દીધાં અને એ રીતે એ ચોકઠાં ન્યાયકોથળીની સ્કંધપટીઓના આગળના ભાગ પર જોડી દીધાં.
19 તે પછી સોનાની બીજી બે કડીઓ બનાવી એફોદની નજીકના ન્યાયકરણ ઉરપત્રની અંદરની બાજુના નીચલા ખૂણાએ મૂકી.
20 ત્યારબાદ બીજી બે સોનાની કડીઓ બનાવીને એફોદના ખભાના બે પટાના સામેના નીચેના છેડે સાંધા નજીક અને સુંદર ગૂંથેલા કમરપટાની ઉપરના ભાગમાં લગાવી દીધી.
21 ન્યાયકરણ ઉરપત્રના નીચલા છેડાને ભૂરી દોરી વડે એફોદની કડીઓ સાથે બાંધી દીધો, જેથી યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ ન્યાયકરણ ઉરપત્ર કરમપટા ઉપર રહે અને છૂટ્ટુ ન પડી જાય.
યાજકોના અન્ય વસ્ત્રો
22 અફોદ પરનો જામો આખો ભૂરા રંગના કાપડનો એક કુશળ કારીગરે બનાવ્યો હતો.
23 તેમણે જામાંની વચ્ચે એક કાણું પાડ્યું અને તેની કિનાર સીવી લીધી. તેની કિનાર ફાટી ન જાય તે માંટે સીવવામાં આવી હતી.
24 જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
25 તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી.
26 એ જ રીતે ઝભ્ભાની નીચેની બાજુએ વારાફરતી દાડમ અને ઘૂઘરી આવતાં હતાં. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાંણે હારુન યહોવાની સેવા કરતી વખતે આ ઝભ્ભો પહેરતો હતો.
27 તેમણે હારુન અને તેના પુત્રો માંટે ઝીણા કાંતેલા શણના અંગરખાં બનાવ્યાં,
28 વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા.
29 તથા યહોવાની આજ્ઞા મુજબ ભૂરા, કિરમજી, અને લાલ ઊનનો ભરત ભરેલો ઝીણા કાંતેલા શણનો કમરપટો બનાવ્યો.
30 અંતે તેમણે શુદ્ધ સોનામાંથી એક તકતી બનાવી જેની પર પવિત્ર શબ્દો કોતરેલા હતા, “યહોવા પવિત્રતા” તે મુગટ ઉપર જડેલી હતી.
31 એ ભુરા રંગની પટ્ટી સાથે બાંધેલી હતી, જે પાઘડી ઉપર બંધાએલી હતી.
મૂસા દ્વારા પવિત્રમંડપનું નિરીક્ષણ
32 આ રીતે યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધુંજ ઇસ્રાએલીઓએ આજ્ઞા મુજબ કર્યું.
33 પછી તેઓએ પવિત્રમંડપ, તેનો તંબુ અને તેનું બધું રાચરચીલું, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલીઓ અને કૂભીઓ,
34 તેઓએ તેને સુકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના ઢાંકણ અને ઝીણા ચામડામાંથી બનાવેલા ઢાંકણ અને અત્યંત પવિત્રજગ્યાનાં પ્રવેશ દ્વારનો પડદો બનાવ્યો.
35 કરારકોશ, તેના દાંડા, તેનું ઢાંકણ,
36 મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી,
37 શુદ્ધ સોનાનું દીપવૃક્ષ-તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, અને તેનાં બધાં સાધનો, અને પૂરવાનું તેલ,
38 સોનાની વેદી, અભિષેક માંટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાત મંડપના પ્રવેશદ્વારનો પડદો,
39 કાંસાની વેદી, તેની કાંસાની બનાવેલી જાળી, તેના દાંડા, અને તેનાં બધાં સાધનો કૂડી અને તેની ધોડી,
40 આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો.
41 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.
42 યહોવાએ મૂસાને જણાવ્યા મુજબ બધું જ કામ ઇસ્રાએલીઓએ પૂર્ણ કર્યું હતું.
43 પછી મૂસાએ બધું જ તપાસી લીધું અને યહોવાએ જણાવ્યા મુજબ બનાવ્યુ છે એની ખાતરી કરી લીધી અને પછી મૂસાએ તેમને આશીર્વાદ આપ્યા.