6
એકબીજાને મદદરૂપ બનો
1 ભાઈઓ અને બહેનો, તમારા સમૂહમાંની કોઈ એક વ્યક્તિ કંઈક અપરાધ કરે તો તમે લોકો આધ્યાત્મિક હોવાને નાતે જે વ્યક્તિ અપરાધ કરે છે તેની પાસે જાઓ. તેને ફરીથી સન્નિષ્ટ બનાવવામાં મદદરૂપ બનવું જોઈએ. તમારે આ વિનમ્રતાથી કરવું જોઈએ. પરંતુ સાવધ રહેજો! તમે પોતે પણ પાપ કરવા પરીક્ષણમાં પડો.
2 તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.
3 જ્યારે એક વ્યક્તિ વિચારે કે તે પોતે મહત્તમ છે પરંતુ તે ખરેખર ન હોય, ત્યારે તે વ્યક્તિ પોતાને જ મૂર્ખ બનાવે છે.
4 કોઈ પણ વ્યક્તિએ પોતાની જાતને બીજા લોકો સાથે સરખામણી ના કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાના કૃત્યની પોતે તપાસ કરવી જોઈએ. ત્યાર પછી જ પોતે જે કઈ કર્યુ છે તે વિષે તે ગર્વ લઈ શકે.
5 દરેક વ્યક્તિએ પોતાની જવાજદારીનો સ્વીકાર કરવો જોઈએ.
જીવન ખેતરમાં કરેલી રોપણી જેવું છે
6 જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.
7 ભૂલો મા; દેવની મશ્કરી કરાય નહિ. વ્યક્તિ જે વાવે છે તે જ તે લણે છે.
8 જો કોઈ વ્યક્તિ પોતાની પાપી જાતને સંતોષવાના હેતુથી રોપણી કરશે, તો તેની તે પાપમય જાત તેનું મૃત્યુ લાવશે. પરંતુ આત્માને પ્રસન્ન કરવા જો કોઈ વ્યક્તિ રોપણી કરશે, તો તે વ્યક્તિ આત્માથી અનંતજીવન પ્રાપ્ત કરશે.
9 સત્કર્મ કરતાં આપણે થાકવું નહિ. યોગ્ય સમયે આપણાને અનંતજીવન દ્વારા પુરષ્કૃત કરવામાં આવશે. કારણ કે કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ.
10 જ્યારે અન્યના લાભાર્થે કાંઈક કરવાની આપણને તક હોય, ત્યારે તેમ કરવું જોઈએ. પરંતુ વિશ્વાસીઓના પરિવાર માટે આપણે વધારે ખાસ ધ્યાન આપવું જોઈએ.
પાઉલના પત્રની પૂર્ણહૂતિ
11 હું પોતે આ લખી રહ્યો છું. મેં જે ઘણા મોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના પ્રત્યે ધ્યાન આપો.
12 કેટલાએક લોકો તમને સુન્નત માટે દબાણ કરે છે. તેઓ આમ કરે છે કે જેથી અન્ય લોકો તેઓને અપનાવે તે માણસોને ભય છે કે જો તેઓ માત્ર ખ્રિસ્તના વધસ્તંભને જ અનુસરશે તો તેઓ ઉપર જૂલમ ગુજારવામાં આવશે.
13 પરંતુ ખરેખર તો જેઓની સુન્નત કરાવે છે તે પોતે જાતે જ નિયમને અનુસરતા નથી. પરંતુ તમે સુન્નત કરાવો તેવો આગ્રહ તેઓ રાખે છે. જેથી પછી તેઓ તમને જે કરવાની ફરજ તેઓ પાડી શક્યા તે વિષે તેઓ બડાઈ મારી શકે.
14 હું આશા રાખું છું કે આવી બાબત માટે હું પોતે કદી બડાઈખોર ના બનું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ તે એક જ મારે માટે અભિમાનનું કારણ છે. ઈસુના વધસ્તંભ ઉપરના મૃત્યુના પરિણામે મારે માટે આ દુનિયા મરી ચૂકી છે; અને દુનિયા માટે હું મરી ચૂક્યો છું.
15 એક વ્યક્તિએ સુન્નત કરાવી છે કે નથી કરાવી તે બિલકુલ મહત્વનું નથી. દેવે સર્જયા છે તેવા નૂતન લોકો થવું તે મહત્વનું છે.
16 જેઓ આ નિયમનું પાલન કરે છે. તે સર્વને શાંતિ અને કૃપા હો. અને દેવના સર્વ લોકોને પણ.
17 તેથી હવે વધુ તસ્દી ન પહોંચાડશો. મારા શરીર ઉપર ઘણા ઘાનાં ચિહનો છે. અને આ ધાના ચિહનો બતાવે છે કે હું ઈસુ ખ્રિસ્તનો છું.
18 મારા ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે આપણા પ્રભુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે હો. આમીન.