31
યાકૂબ અને તેનો પરિવાર ભાગ્યો
એક દિવસ યાકૂબે લાબાનના પુત્રોને વાતો કરતાં સાંભળ્યા, તેઓએ કહ્યું કે, “યાકૂબે અમાંરા પિતાજીનું સર્વસ્વ લઈ લીધું છે. તે ધનવાન બની ગયો છે અને તેણે અમાંરા પિતાની બધી મિલકત લઇ લીધી છે.” યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી. યહોવાએ યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓની ભૂમિમાં તારી જન્મભૂમિમાં પાછો ચાલ્યો જા. હું તારી સાથે રહીશ.”
તેથી યાકૂબે રાહેલ અને લેઆહને, જે ખેતરમાં ઘેટાંબકરાં હતાં ત્યાં મળવા માંટે આવવા કહેવડાવ્યું. યાકૂબે રાહેલ અને લેઆહને કહ્યું, “હું જાણું છું કે, તમાંરા પિતાજી માંરા પ્રત્યે રોષે ભરાયેલ છે, તેમનો માંરા પ્રત્યે પહેલા જેવો મૈત્રી ભાવ નથી. પણ માંરા પિતાનો દેવ માંરી સાથે છે. તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે. પરંતુ તમાંરા પિતાએ માંરી સાથે દગો કર્યો. દશ વખત તો માંરી મજૂરીના દરમાં ફેરફાર કર્યો છે. છતાં બધાં જ સમયે દેવે મને લાબાનના પ્રપંચમાંથી બચાવ્યો છે.
“એક વખત લાબાને મને કહ્યું, ‘તારી મજૂરીના બદલામાં બધી જ ટપકાંવાળી બકરીઓ રાખી શકે છે.’ એણે આમ કહ્યું ત્યારથી બધાં જ ઘેટાંબકરાંને ટપકાંવાળાં બચ્ચાં જ જનમતાં. આ પ્રકારનાં બધાં જ પ્રાણીઓ માંરા હતાં. પરંતુ પછી લાબાને કહ્યું, ‘હું ટપકાંવાળાં પ્રાણીઓ રાખીશ, તું ચટાપટાવાળાં રાખી શકે છે. તે તારી મજૂરી ગણાશે.’ તેના એમ કહ્યા પછી બધાં જ પ્રાણીઓને ચટાપટાવાળાં જ બચ્ચાં જનમતાં, આ રીતે દેવે તમાંરા પિતાના ઢોર લઈને મને આપ્યાં છે.
10 “જે સમયે ઘેટાંબકરાં ગર્ભધારણ કરવા મળી રહ્યા હતા ત્યારે મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે, ગર્ભધારણ કરાવનારા નર જાતિનાં ઢોર ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરાં હતાં. 11 પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’
“એટલે મેં કહ્યું, ‘જી!’
12 “દેવના દૂતે કહ્યું, ‘જો, ગર્ભધારણ કરનારાં ટોળામાં નર ઢોર બધાં જ ચટાપટાવાળા, ટપકાવાળાં અને કાબરચીતરા છે; હું આમ કહી રહ્યો છું કારણ કે લાબાનનો તારી સાથે દુર્વ્યવહાર મેં જોયો છે. 13 હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.’ ”
14 ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?” 15 “તેણે અમાંરી સાથે એક અજાણ્યા વ્યકિત જેવું વર્તન કર્યુ છે. તેણે અમને તમાંરી પાસે વેચી દીધા છે અને બધા પૈસા ખચીર્ નાખ્યાં છે જે અમાંરા હોવા જોઇએ. 16 દેવે તે બધી જ સંપત્તિ અમાંરા પિતા પાસેથી લઈ લીધી છે, તે બધી અમાંરી છે, અને અમાંરાં બાળકોની છે; માંટે દેવે જે કરવા માંટે કહ્યું છે તે જ તમે કરો.”
17 તેથી યાકૂબે મુસાફરીની તૈયારી કરી. તેણે પોતાની પત્નીઓ અને પુત્રોને ઊંટ પર બેસાડયાં. 18 પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હાંકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.
19 તે સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાપવા ગયો હતો. તે દરમ્યાન રાહેલે તેના ઘરમાં ધૂસી જઈને પોતાના પિતાના કુળદેવતા ચોરી લાવી.
20 યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે. 21 યાકૂબે પોતાનો પરિવાર અને બધી જ મિલકત જલદી જલદી લઈ લીધી અને પછી નદી (ફાત) ઓળંગીને ગિલઆદના પહાડી પ્રદેશ તરફ ચાલવા માંડયું.
22 ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે, યાકૂબ ભાગી ગયો છે. 23 તેથી તેણે પોતાના માંણસોને સાથે લીધા અને સાત દિવસ સુધી તેનો પીછો કયો, છેવટે યાકૂબ ગિલઆદના પહાડી પ્રદેશમાં પકડાઈ ગયો. 24 પણ તે રાત્રે દેવે લાબાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબને જે કાંઈ કહો તેના એક-એક શબ્દ માંટે સાવચેત રહેજો, યાકૂબને સારું કે, માંઠું કાંઈ કહીશ નહિ.”
ચોરાયેલ દેવતાઓની શોધ
25 જયારે યાકૂબને લાબાને પકડી પાડયો, ત્યારે તેણે પહાડી પ્રદેશમાં મુકામ કયો હતો. તેથી તેના માંણસોએ એ જ પહાડી પ્રદેશમાં મુકામ કયો.
26 લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?” 27 તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીને વાજતેગાજતે વિદાય આપી હોત. 28 તેં મને માંરાં પૌત્રપૌત્રીઓને તથા માંરી પુત્રીઓને છેલ્લી વાર ભેટવા તથા ચુંબન કરવા દીધા નહિ, તેં આમ કરીને બહુ મૂર્ખામીભર્યુ વર્તન કર્યુ છે. 29 તને નુકસાન કરવું એ તો માંરા ડાબા હાથની વાત છે. પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના દેવે મને સ્વપ્નમાં આવીને ચેતવણી આપીને કહ્યું, “ખબરદાર, યાકૂબને જરા પણ સારું કે, માંઠું કહીશ નહિ. 30 મને ખબર છે કે, તું તારે ઘેર જવા ઘણો આતુર છે, એટલે તું ચાલી નીકળ્યો, એ તો જાણે સમજયા, પરંતુ તેં માંરા ઘરમાંથી દેવોને શા માંટે ચોરી લીધા?”
31 યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો. 32 પરંતુ મેં તમાંરા દેવોની ચોરી કરી નથી. અહીં માંરા કોઈ પણ માંણસ પાસેથી જો તમાંરા દેવો નીકળે તો હું તેને માંરી નાખીશ. તમાંરા માંણસો જે માંરા સાક્ષી બનશે. આપણા માંણસોના દેખતાં માંરી પાસે તમાંરું જે કંઈ હોય તે ઓળખી બતાવો અને લઈ જાઓ.” હવે, યાકૂબને તો ખબર જ નહોતી કે, રાહેલે લાબાનને ઘરેથી દેવો ચોર્યા છે.
33 તેથી લાબાન યાકૂબના તંબુમાં ગયો. તેણે ત્યાં શોધ શરૂ કરી. લેઆહના તંબુમાં પણ ગયો અને બે દાસીઓના તંબુમાં પણ ગયો. પણ તેને દેવ મળ્યાં નહિ, પછી તે લેઆહના તંબુમાંથી નીકળી રાહેલના તંબુમાં પ્રવેશ્યો. 34 રાહેલે ઊંટના જીનમાં દેવતાઓને સંતાડી દીધા હતા. અને તે તેના પર બેઠી હતી. લાબાને આખા તંબુમાં તપાસ કરી પણ દેવો મળ્યા નહિ.
35 પછી રાહેલે તેણીના પિતાને કહ્યું, “પિતાજી, માંરા પર ગુસ્સો ન કરતા. હું તમાંરી સામે ઊભી રહેવા માંટે પણ અસમર્થ છું. આ સમયે માંરો માંસિકધર્મ ચાલી રહ્યો છે.” તેથી લાબાને આખા તંબુમાં દેવોની તપાસ કરી, પરંતુ તે તેઓને શોધી શકયો નહિ.
36 પછી યાકૂબ બહુ જ ગુસ્સે થયો, યાકૂબે કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે? મેં કયા નિયમનો ભંગ કરીને પાપ કર્યુ છે? તમે માંરી પાછળ શા માંટે પડયા છો? 37 માંરું જે કાંઈ છે તે બધું તેં તપાસ્યું છતાં તારા ઘરની કોઈ ચીજ તારા હાથમાં આવી ખરી? જો તારા હાથમાં કોઈ ચીજ આવી હોય તો તારા માંણસો અને માંરા માંણસો આગળ રજૂ કર. એ આપણા બંન્નેનો ન્યાય કરે. 38 મેં તમાંરા માંટે વીસ વર્ષ સુધી કામ કર્યુ છે. તે બધાં જ સમય દરમ્યાન કોઈ પણ બચ્ચું ઘેટીઓનું જન્મ થતી વખતે મૃત્યુ પામ્યું નથી અને ઘેટી પણ મૃત્યુ પામી નથી. મેં તારાં ઘેટાં-બકરાંનાં ટોળામાંથી એક પણ ઢોર ખાધું નથી. 39 જો કોઈ જંગલી પ્રાણીઓએ કોઈ ઘેટાને ફાડી નાખ્યું હોય તો મેં તેને તારી આગળ રજૂ કર્યા નથી! એ નુકસાન મેં પોતે ભરપાઈ કર્યુ છે. દિવસે કે, રાતે જે કાંઈ ચોરાઈ જતું તે બધું તમે માંરી પાસે વસૂલ કરતા. 40 દિવસના સખત તાપથી અને રાતની સખત ઠંડીથી હું થાકી ગયો હતો. તેથી કાતિલ ઠંડી રાત્રિઓને લીધે હું સૂઇ શકતો નહોતો. 41 મેં માંરા જીવનનાં વીસ વર્ષ એક ગુલામની જેમ તમાંરા ઘરમાં વિતાવ્યાં છે. પહેલાંના ચૌદ વરસ તમાંરી બે પુત્રીઓને પરણીને મેળવવા માંટે અને છેલ્લા છ વર્ષ મેં તમાંરાં ઘેટાં-બકરાંને સંભાળ્યાં છે, અને તે દરમ્યાન તમે દશ વાર માંરી મજૂરીનાં દરમાં ફેરફાર કર્યો છે. 42 પરંતુ જો માંરા પૂર્વજોના દેવ, ઇબ્રાહિમના દેવ અને દેવ જેની ઈસહાક ઉપાસના કરે છે* તે દેવ માંરા પક્ષમાં ના હોત તો તમે મને ખાલી હાથે કાઢી મૂકયો હોત. પરંતુ દેવે માંરી વેદના અને માંરા કામને ધ્યાનમાં લીધાં. અને ગઇ રાતે દેવે સાબિત કર્યુ કે, હું સાચો છું.”
યાકૂબ-લાબાનની સમજૂતી
43 લાબાને યાકૂબને કહ્યું, “આ છોકરીઓ તો માંરી પુત્રીઓ છે. તેમનાં બાળકો માંરાં છે. આ ઘેટાંબકરાં માંરાં છે, અને જે બધું તમે અહીં જુઓ છો તે માંરું છે. પરંતુ હું માંરી પુત્રીઓ અને તેનાં બાળકોને રાખવા માંટે કશું જ કરી શકતો નથી. 44 એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”
45 પછી યાકૂબે એક મોટો પથ્થર કરારના સ્માંરકસ્તંભ તરીકે ઉભો કર્યો કે, જેથી તે પુરવાર કરે કે, તેમણે કરાર કર્યો હતો. 46 પછી તેણે પોતાના માંણસોને પથ્થરા ભેગા કરવા માંટે કહ્યું. તેમણે પથ્થરા ભેગા કરીને એક ઢગલો કર્યો. અને તે ઢગલા પાસે બેસીને તેમણે ભોજન કર્યુ. 47 એ જગ્યાનું નામ લાબાને યગાર-સાહદૂથા રાખ્યું અને યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.
48 લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.
49 એટલે લાબાને કહ્યું, “યહોવા આપણા ‘બે’ જુદા થવાના સાક્ષી રહે, અને તે આપણા ઉપર નજર રાખે.” માંટે એ જગ્યાનું બીજું નામ મિસ્પાહ રાખ્યું.
50 પછી લાબાને કહ્યું. “જો તમે માંરી પુત્રીઓને દુ:ખ આપશો અથવા બીજી સ્ત્રીઓને પરણશો તો દેવ તમને સજા કરશે, અહીં આપણા વચ્ચે કરારનો કોઇ સાક્ષી નથી. અને છતાં, યાદ રાખજો કે, દેવ તમાંરી અને માંરી વચ્ચે સાક્ષી છે.” 51 પછી લાબાને કહ્યું, “તારી અને માંરી વચ્ચે આ ઢગલો અને આ સ્માંરકસ્તંભ મેં ઊભો કર્યો છે તે આપણને તેનું સ્મરણ કરાવશે કે, આપણે કરાર કર્યો છે. તેનું ધ્યાન રાખજે. 52 આ પથ્થરનો ઢગલો અને આ સ્માંરકસ્તંભ પણ સાક્ષી છે, તે આપણને આપણા કરારનું સ્મરણ કરાવવામાં મદદરૂપ થશે કે, આ ઢગલાને ઓળંગી માંરે તારી પાસે અથવા આ ઢગલાને અને થાંભલાને ઓળંગીને તારે માંરી પાસે લડવા માંટે કે નુકશાન કરવા આવવાનું નથી. 53 જો આપણાંમાંથી કોઇ પણ આ કરારનો ભંગ કરે તો ઇબ્રાહિમના દેવ અને નાહોરના દેવ આપણો ન્યાય કરો.”
આથી યાકૂબે પોતાના પિતા ઇસહાક જેની ઉપાસના કરતા હતા તે દેવના સમ ખાધા. 54 પછી યાકૂબે એક પશુનો વધ કરી અને પહાડ પર યજ્ઞના રૂપમાં ભેટ ધરીને પોતાના માંણસોને ભોજન કરવા માંટે બોલાવ્યા. ભોજન કર્યા પછી તેઓએ પહાડ પર રાત વિતાવી. 55 બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.
* 31:42 ઈસહાક ઉપાસના કરે છે મૂળ પ્રમાણે: ઇસહાકનો ભય અથવા દેવનું એક નામ.