37
સ્વપ્નદ્રષ્ટા યૂસફ
1 યાકૂબ જે પ્રદેશમાં એના પિતા આવીને વસ્યા હતાં તે દેશમાં એટલે કે, કનાન દેશમાં રહ્યો.
2 યાકૂબના પરિવારની આ કથા છે.
યૂસફ 17 વર્ષનો યુવાન હતો. તેનું કામ ઘેટાંબકરાંને ચરાવવાનું અને તેમની દેખભાળ રાખવાનું હતું. યૂસફ આ કામ પોતાના ભાઈઓ એટલે કે, બિલ્હાહ તથા ઝિલ્પાહના પુત્રોની સાથે કરતો હતો. (બિલ્હાહ અને ઝિલ્પાહ તેના પિતાની પત્નીઓ હતી.)
3 યૂસફ પોતાના ભાઈઓના દુકૃત્યો વિષે તેના પિતાને જાણ કરતો હતો. તેના પિતા ઇસ્રાએલ વૃદ્વ હતાં ત્યારે યૂસફનો જન્મ થયો હતો. તેથી ઇસ્રાએલ બીજા પુત્રો કરતા વધારે પ્રેમ યૂસફને કરતો હતો; અને તેણે યૂસફ માંટે એક લાંબી બાંયનો રંગીન ઝભ્ભો પણ સિવડાવ્યો હતો.
4 બીજા પુત્રો કરતા પિતાને યૂસફ પર વિશેષ પ્રેમ છે તેના ભાઈઓએ જોતા તેઓ તેના ભાઇ યૂસફને ઘૃણા કરવા લાગ્યા અને તેઓ તેની સાથે મૈત્રીભાવથી વાત કરી શકતા નહોતા.
5 એક વખત યૂસફે એક વિચિત્ર સ્વપ્ન જોયું. અને પછી યૂસફે આ સ્વપ્નની બાબતમાં પોતાના ભાઈઓને વાત કરી. તેથી તેના ભાઈઓ તેને પહેલા કરતાં વધુ ઘૃણા કરવા લાગ્યા.
6 યૂસફે કહ્યું, “સાંભળો, મેં એક સ્વપ્ન જોયું છે.
7 આપણે બધા ખેતરમાં ઘઉંના પૂળા બાંધતા હતા. એવામાં માંરો પૂળો ટટાર ઊભો રહ્યો અને તમાંરા પૂળાએ તેની આસપાસ ભેગા થઈને માંરા પૂળાને પ્રણામ કર્યા.”
8 તેના ભાઈઓએ કહ્યું, “શું તું એમ માંને છે કે, આનો અર્થ એ છે કે, તું રાજા થઈને અમાંરા પર શાસન કરીશ?” આ સ્વપ્ન વિષે યૂસફે જે વાત કરી તેને કારણે તેઓ તેના પર પહેલાં કરતાં વધારે ઘૃણા કરતા થયાં.
9 પછી યૂસફને બીજું સ્વપ્ન આવ્યું, તે તેણે પોતાના ભાઈઓને કહ્યું. “મેં બીજા સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર અને અગિયાર નક્ષત્રોને મને વંદન કરતા જોયા.”
10 જ્યારે યૂસફે પિતાને તેનાં સ્વપ્ન વિષે કહ્યું ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું, “તારા આ સ્વપ્નનો અર્થ શો? શું તું એમ સમજે છે કે, હું તારી માંતા તથા તારા ભાઈઓ તને સાષ્ટાંગ પ્રણામ કરીશુ?”
11 તેના ભાઈઓ તો તેની ઈર્ષ્યા કરતાં રહ્યાં. પણ તેના પિતા આ બાબતનો ગંભીરતાથી વિચાર કરવા લાગ્યા.
12 એક વખત યૂસફના ભાઈઓ પિતાના ઘેટાંબકરાં ચરાવવા માંટે શખેમ ગયા.
13 પછી ઇસ્રાએલે યૂસફને કહ્યું, “શખેમ જા, તારા ભાઈઓ શખેમમાં ઘેટાં બકરાં ચરાવે છે. ચાલ, હું તને તેમની પાસે મોકલું છું.”
યૂસફે કહ્યું, “હું જઈશ, હું તૈયાર છું.”
14 યૂસફના પિતાએ કહ્યું, “જા અને તપાસ કર. તારા ભાઇઓ અને ઘેટાં બકરાં કુશળ છે કે, કેમ? જોઈ આવ ને મને કહે.” એમ કહીને તેણે તેને હેબ્રોનની ખીણમાં થઈ શખેમ જવા મોકલ્યો.
15 યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”
16 યૂસફે જવાબ આપ્યો, “હું માંરા ભાઈઓને શોધું છું; શું તમે બતાવી શકો છો કે, તેઓ કઈ જગ્યાએ ઘેટાંબકરાં ચરાવે છે?”
17 પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા.
યૂસફનું ગુલામી માંટે વેંચાઈ જવું
18 યૂસફના ભાઈઓએ તેને દૂરથી આવતાં જોયો અને એ તેમની પાસે આવી પહોંચે તે પહેલાં જ એને માંરી નાખવા માંટેનું ષડયંત્ર તેમણે રચ્યું.
19 ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્ન જોવાવાળો યૂસફ આવે છે!
20 ચાલો તક મળતાં આપણે તેને માંરી નાખીએ અને કોઈ હવડ કૂવામાં નાખી દઈએ. અને આપણે આપણા પિતાને કહીશું કે, તેને કોઈ જંગલી જાનવર ખાઈ ગયું છે. પછી આપણે જોઈશું કે, એના સ્વપ્નોનું શું થાય છે?”
21 પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ.
22 રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી.
23 યૂસફ તેના ભાઈઓની પાસે આવ્યો ત્યારે એણે પેલો લાંબી બાંયનો સુંદર ડગલો પહેર્યો હતો, તેને ફાડીને ઉતારી લીધો.
24 પછી તેઓએ એને લઈ જઈને હવડ કૂવામાં ફેંકી દીધો. કૂવામાં પાણી નહોતું.
25 પછી યૂસફના ભાઈઓ ખાવા બેઠા. તેમણે નજર કરી, તો ઇશ્માંએલીઓનો એક સંઘ ગિલઆદથી આવતો હતો; અને તેઓ ઊંટ પર અનેક સુગંધીઓ તથા લોબાન તથા બોળ લાદીને મિસર લઈ જતા હતા.
26 યહૂદાએ પોતાના ભાઈઓને કહ્યું, “આપણે આપણા ભાઈની હત્યા કરીએ અને તેનું રકત છુપાવી દઈએ તેથી શો ફાયદો?
27 ચાલો, આપણે તેને ઇશ્માંએલીઓને વેચી દઈએ, અને તેને કોઈ ઈજા ન કરીએ, કારણ તે આપણો ભાઈ છે તથા આપણું જ લોહી છે.” અને તેના ભાઈઓ તેની સાથે સંમત થયા.
28 તે સમયે ત્યાંથી કેટલાક મિદ્યાની વેપારીઓ પસાર થતાં હતા; તેથી ભાઈઓએ યૂસફને કૂવામાંથી બહાર કાઢયો અને 20 રૂપામહોરમાં વેપારીઓને વેચી દીધો. તેથી તેઓ યૂસફને મિસર લઈ ગયા.
29 રૂબેન કૂવા પાસે પાછો આવ્યો; જોયું તો કૂવામાં યૂસફ ન હતો; શોકના માંર્યા તેણે પોતાનાં લૂંગડાં ફાડયાં.
30 પછી તેણે પોતાના ભાઈઓ પાસે પાછા આવીને કહ્યું, “અરે! છોકરો તો નથી; હવે હું શું કરું?”
31 પછી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, અને બકરાંને કાપીને તેના રકતમાં તે ઝભ્ભો બોળી કાઢયો.
32 અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.”
33 તે ઓળખ્યો, ને કહ્યું, “આ તો માંરા પુત્રનો ઝભ્ભો છે; કોઈ જંગલી પશુએ તેને ફાડી ખાધો છે; જરૂર યૂસફને ફાડી ખાધો છે.”
34 પછી યાકૂબે પોતાનાં વસ્રો ફાડી નાંખ્યાં અને ઢીલો ઝભ્ભો પહેર્યો અને ધણા દિવસ સુધી તેણે પુત્રના મરણનો શોક પાળ્યો.
35 અને એના બધા પુત્ર-પુત્રીઓએ તેને દિલાસો આપવાનો પ્રયત્ન કર્યો; પણ તે શાંત થયો નહિ અને તેણે કહ્યું, “માંરા મરવાના દિવસ સુધી હું શોક કર્યા કરીશ.” આમ તેના પિતાએ વિલાપ કર્યો.
36 તે સમય દરમ્યાન પેલા મિધાનીઓએ યૂસફને મિસરમાં ફારુનના એક અમલદાર, અંગરક્ષકોના અધિકારી પોટીફારને વેચી દીધો.