8
મૂર્તિપૂજાથી ઇસ્રાએલનો વિનાશ
1 યહોવા કહે છે: “રણશિંગડું મોઢે માંડો! શત્રુઓ આવી રહ્યા છે, તેઓ ગરૂડની જેમ યહોવાના લોકો ઉપર ઘસી આવે છે, કારણકે તેઓએ મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમો વિરૂદ્ધ બંડ કર્યું છે.
2 હવે ઇસ્રાએલ મને આજીજી કરે છે અને કહે છે, ‘હે ઇસ્રાએલના દેવ, અમે તને જાણીએ છીએ.’
3 પણ જે સારું છે તેનો ઇસ્રાએલે ત્યાગ કર્યો છે; તેણે તિરસ્કારથી પોતાની તક ખોઇ છે માટે હવે તેના શત્રુઓ તેની પાછળ પડશે.
4 તેણે રાજાઓ અને નેતાઓની નિમણૂંક કરી છે, પણ તેમાં મારી સલાહ લીધી નથી, તેઓના પોતાના વિનાશ માટે સોનારૂપાની મૂર્તિઓ બનાવી છે. મારી મદદ તેઓને મળી શકે તેમ નથી.
5 હે સમરૂન! યહોવાએ તારા વાછરડાને અસ્વીકાર કર્યુ છે. દેવ ઇસ્રાએલીઓને કહે છે કે, હું તમારા ઉપર બહું કોપાયમાન છું. ક્યાં સુધી તમે પાપો કરતા રહેશો.
6 હા, હે ઇસ્રાએલ, તારા કારીગરોએ મૂર્તિઓ બનાવી, પણ તેઓ દેવ નથી. તેના કારણે સમરૂનના વાછરડાના ટુકડે ટુકડા થઇ જશે.
7 તે લોકોએ પવન વાવ્યો છે, તેથી વંટોળિયો જ લણશે, પાકને કણસલા જ ન બેઠા હોય તો દાણા ન જ મળે, જો તેમાં થોડા ઘણા હશે તો તેને વિદેશીઓ હડપ કરી જશે.
8 “ઇસ્રાએલ હડપ થઇ ગયું છે.
વિદેશીઓમાં આજે
તેની કિંમત ફૂટેલાં વાસણ જેવી છે.
9 તે એકલા રખડતાં જંગલી ગધેડા જેવો છે.
મદદ માટે તે આશ્શૂર પાસે દોડી ગયો છે.
તેઓ ભેટસોગાદ અને પૈસા આપીને
બીજી પ્રજાઓનો સાથ મેળવે છે;
10 જો કે ઇસ્રાએલ રાષ્ટો વચ્ચે
તેણીના ‘પ્રેમીઓ’ પાસે ગઇ હતી,
હવે હું તેમને સાથે ભેગા કરીશ.
તેઓ પ્રચંડ રાજાના ત્રાસ હેઠળ પીડા ભોગવવાનુ શરુ કરશે.
ઇસ્રાએલનું દેવને ભૂલવું અને મૂર્તિઓને પૂજવું
11 “કારણ એફ્રાઇમે અનેક વેદીઓ બાંધી,
તેઓ પાપ કરવાની વેદીઓ બની ગઇ હતી.
એ તો પાપની વેદીઓ છે!
12 હું તેમને માટે નિયમશાસ્ત્રમાં દશહજાર વિધિઓ
આપું તો પણ તે કહેશે, તે મારા માટે નથી.
તે વિધિઓ તો દૂરની બીજી પ્રજાઓ માટે છે.
13 એ લોકો બલિ ચઢાવી;
તેનો પ્રસાદ ખાય છે,
પણ હું એથી પ્રસન્ન થતો નથી.
હવે હું એમના ગુના સંભારીને
એમને સજા કરીશ.
એમને પાછા મિસર જવું પડશે.
14 ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે
અને એમણે મંદિરો ચણાવ્યઁ છે.
યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે.
પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ.
અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”