17
ઇસ્રાએલ તથા અરામનું પતન
દમસ્કને લગતી દેવવાણી
 
“જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે,
તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.
અરામના નગરો કાયમને માટે ઉજ્જડ બની જશે,
ત્યાં ઘેટાં-બકરાંનાં ટોળાં નિરાંતે આવીને બેસશે,
અને કોઇ તેમને હાંકી કાઢશે નહિ.
ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે;
વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ
તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,”
સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.
 
“તે દિવસે ઇસ્રાએલમાંથી યાકૂબની જાહોજલાલી જતી રહેશે
અને ગરીબી આવી પડશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે,
 
“એ લણીને અનાજ ભેગું કરી લીધેલાં ખાલી ખેતર જેવું, થઇ જશે. તે રફાઇમની ખીણમાંના અનાજના ડૂંડા લણી લીધેલા કોઇ ખેતર જેવું થઈ જશે.
“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.
આખરે તેઓ પોતાના ઉત્પન્નકર્તા દેવનું સ્મરણ કરશે અને ઇસ્રાએલના પવિત્ર યહોવાનો આદરસત્કાર કરશે. તે દિવસે તેઓ મદદ માટે મૂર્તિઓ આગળ વિનંતી કરશે નહિ તથા તેઓ પોતાના જ હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરશે નહિ ત્યારે તેમને અશેરા સ્તંભ અને ધૂપ વેદીઓ માટે માન રહેશે નહિ. તે દિવસે તેમનાં કિલ્લેબંદીવાળાં શહેરો, ઇસ્રાએલીઓ આવતાં હિવ્વીઓ અને અમોરીઓએ તજી દીધેલાં સ્થાનો જેવાં થઇ ગયાં હતાં તેવા થઇ જશે; બધું વેરાન થઇ જશે.
10 હે ઇસ્રાએલના લોકો, તમે તમારા ઉદ્ધારક દેવને, ખડકની જેમ તમારું રક્ષણ કરનારને ભૂલી જઇને બીજા દેવની પૂજા માટે બગીચા બનાવો છો. 11 પણ તમે રોપો તે જ દિવસે તેને ફણગાં ફૂટે અને વાવો તે જ સવારે તેને ફૂલ બેસે, તોયે શોકના અને અસાધ્ય વેદનાના દિવસ આવે ત્યારે એનો ફાલ અલોપ થઇ જશે.
 
12 અરે, સમુદ્રની ગર્જના જેવી ગર્જના કરતાંય મોટી માનવમેદનીની ગર્જના સંભળાય છે.
વળી લોકોના ઘોંઘાટ!
પ્રચંડ જલરાશિના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
13 લોકો સાગરનાં મોજાંના ઘુઘવાટની જેમ ઘુઘવાટા કરે છે.
પણ દેવ તેઓને ઠપકો આપશે, ને તેઓ ભાગી જશે,
જાણે પર્વત ઉપર પવનથી ઊડી જતી ધૂળ;
જાણે વંટોળિયા આગળ ઘુમરાતી ધૂળ.
14 જુઓ, સવાર થતા પહેલાં તેઓ નષ્ટ થશે;
જોકે સંધ્યાકાળે તો તેઓ કેર વર્તાવતા હતા!
આ છે આપણને લૂંટનારાઓનું ભાગ્ય.
અને અમારી ધનસંપત્તિનું હરણ કરનારની દશા.