31
“યરૂશાલેમની રક્ષા યહોવા કરશે”
1 તેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે, ને ઘોડાઓ પર આધાર રાખે છે; અને રથો પુષ્કળ હોવાથી તેમના પર ભરોસો રાખે છે, ને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે; પણ તેઓ યહોવા પર, ઇસ્રાએલના પરમપવિત્ર દેવ તરફ તેઓ ષ્ટિ કરતા નથી, કે તેની મદદ માંગતા નથી,
2 તેમ છતાં યહોવા બધું સમજે છે અને આફત લાવે છે, ને પોતાની ધમકી ફોક થવા દેતા નથી. તે દુષ્ટોનાં સંતાનોને અને તેમને મદદ કરનારાઓને સજા કરશે.
3 મિસરીઓ પણ માણસ છે, તેઓ દેવ નથી; તેમના ઘોડા પણ માંસના બનેલા છે, અમર નથી. જ્યારે યહોવા હાથ ઉગામશે ત્યારે મદદ કરનાર ઠોકર ખાશે અને મદદ લેનાર પડી જશે, અને તેઓ બધા જ એકી સાથે સમાપ્ત થઇ જશે.
4 કેમ કે, યહોવાએ મને એમ કહ્યું છે કે, “જેમ કોઇ સિંહ શિકાર પર ઊભો રહીને ધૂરકે છે, અને ભરવાડોનું ટોળું તેની સામે આવે છે, તોયે તેમની બૂમરાણથી તે ગભરાતો નથી કે નથી તેમના હાકોટાથી ભાગી જતો.”
તેમ હું સૈન્યોનો દેવ યહોવા, સિયોનના પર્વત પર તેને પક્ષે લડવા ઊતરી આવીશ અને મને કોઇ રોકી શકશે નહિ.
5 જે રીતે પક્ષી પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માળા પર પાંખો પ્રસારે તેમ હું સૈન્યોનો દેવ યહોવા યરૂશાલેમનું રક્ષણ કરીશ અને તેનો મોક્ષ કરીશ.
6 હે ઇસ્રાએલના લોકો, તમે જેનો ભારે અપરાધ કર્યો છે તેની પાસે પાછા આવો.
7 કારણ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે તમારાંમાંનો દરેક જણ તમારા પોતાના પાપી હાથે બનાવેલી ચાંદીની અને સોનાની મૂર્તિને ફગાવી દેશે.
8 માણસની નહિ એવી તરવારથી આશ્શૂરનું પતન થશે, માણસની નહિ હોય તેવી તરવારથી તેનો સંહાર થશે. તે રણસંગ્રામમાંથી ભાગી જશે, અને તેના જુવાનજોધ યોદ્ધાઓને મજૂરીએ વળગાળવામાં આવશે;
9 તેનો રાજા ભયને લીધે ભાગી જશે અને તેના સરદારો એવા તો બીશે કે ધ્વજને છોડીને નાસી જશે.
આ યહોવાના વચન છે, જેની ભઠ્ઠીનો અગ્નિ યરૂશાલેમમાં ભડભડ બળે છે.