41
ઇસ્રાએલને દેવની સહાય
1 યહોવા પૂછે છે,
“સમુદ્રની પેલે પારના દેશો,
મારી આગળ મૌન જાળવો, સાંભળો,
તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ,
મારી પાસે આવો અને બોલો,
અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.
2 પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે,
જેને પગલે પગલે વિજય મળે છે?
તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે.
એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે.
અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.
3 તે તેઓને પીછો પકડે છે;
અને રોકાયા વગર આગળ વધે છે
એના પગ ધરતીને તો અડતા સુદ્ધાં નથી.
4 આરંભથી આ બધું કરાવનાર કોણ છે?
અનાદિકાળથી માનવજાતના સર્વ વ્યવહારને માર્ગદર્શન આપીને
આ સર્વ પરાક્રમી કાર્યો કરનાર કોણ છે?
એ હું યહોવા છું,
હું પહેલો હતો
અને છેલ્લો પણ હું જ છું.
5 સમુદ્રની પેલે પાર દૂર દેશાવરના લોકો
મારા કાર્યો જોઇને ભયભીત થઇ ગયા,
પૃથ્વી એક છેડાથી બીજા છેડા સુધી ધૂજી ઊઠી.
બધા ભેગા થઇને આવ્યા.
6 “દરેક જણે પોતાના પડોશીને મદદ કરી અને પોતાના ભાઇઓને ઉત્તેજન આપ્યું.
7 સુથાર સોનીને ઉત્તેજન આપે છે, હથોડીથી મૂર્તિને લીસી બનાવનાર એરણ પર ઘણ મારનારને ઉત્તેજન આપે છે, તેઓએ કહ્યું, ‘સાંધો મજબૂત થયો છે.’ તે ખીલા સાથે મૂર્તિને એવી જડે છે કે પડી ન જાય.”
યહોવા જ આપણને બચાવી શકે છે
8 “પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે,
યાકૂબ, મેં તને પસંદ કર્યો છે,
તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.
9 મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે,
અને દૂર દૂરના ખૂણેથી
તને બોલાવ્યો છે.
મેં તને મારો સેવક કહ્યો છે,
‘મેં તને પસંદ કર્યો છે,’
તારો ત્યાગ કર્યો નથી.
10 તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું.
તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું,
હું તને બળ આપીશ, તને મદદ કરીશ;
હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
11 હવે તમારા પર ગુસ્સે થનારાં સર્વ સૈન્યો વિમાસણમાં પડ્યા છે
અને વિખેરાઇ ગયા છે.
જે કોઇ તમારો વિરોધ કરશે તે મૃત્યુ પામશે.
12 તમારી સાથે યુદ્ધે ચડનારા સૌ કોઇ નાશ પામશે,
અને શૂન્યમાં મળી જશે.
તેઓની શોધ કરશો તો પણ તેઓ તમને જડશે નહિ;
કોઇનું નામનિશાન નહિ રહે.
13 હું તારો દેવ યહોવા તારો જમણો હાથ પકડું છું અને કહું છું,
ડરીશ નહિ, હું તારી મદદમાં છું.
14 હે ઇસ્રાએલ, તું જેમ નબળો થઇ ગયો છે,
છતાં તું ગભરાઇશ નહિ,
કારણ કે હું તને મદદ કરીશ.”
હું તમારો યહોવા, તમારો તારક છું;
હું ઇસ્રાએલનો પવિત્ર દેવ છું.
15 “જો હું તને દાણાંના ફોતરાં છૂટાં પાડવાનાં
તીક્ષ્ણ દાંતાવાળા નવા સાધનમાં ફેરવી નાખીશ,
તું પર્વતોને અને ટેકરીઓને રોળીને ભૂકો કરી નાખશે.
16 તું તેઓને ઊપણશે; વાયુ તેઓ સર્વને ઉડાડી મૂકશે
અને વાવાઝોડું તેઓને વિખેરી નાખશે.
પરંતુ તું યહોવાના આનંદથી ભરપૂર થશે;
ઇસ્રાએલના પવિત્ર દેવનાં પ્રતાપે તું આનંદ અને ગૌરવ અનુભવીશ.
17 “દુ:ખી અને દરિદ્રીઓ પાણી શોધશે,
પણ મળશે નહિ,
તેઓની જીભો તરસથી સુકાઇ જશે.
ત્યારે તેઓ મને પોકાર કરશે અને હું તેમનો પોકાર સાંભળીશ;
હું ઇસ્રાએલનો દેવ, તેમનો ત્યાગ નહિ કરું.
18 હું તેઓને માટે ઉજ્જડ ડુંગરોમાં નદીઓ વહેવડાવીશ
અને ખીણોની વચ્ચે ઝરણાં આપીશ!
અરણ્યમાં પાણીના સરોવરો થશે
અને સૂકી ધરતીમાં ઝરા વહેવા માંડશે.
19 હું અરણ્યમાં દેવદાર ઉગાડીશ; બાવળ, મેંદી અને જૈતૂન ઉગાડીશ.
વળી હું રણ પ્રદેશમાં ભદ્રાક્ષો, સરળ અને સરુના ઝાડ ભેગાં ઉગાડીશ.
20 પ્રત્યેક વ્યકિત આ ચમત્કાર જોશે
અને કબૂલ કરશે કે,
ઇસ્રાએલના પવિત્ર દેવે
એને ઉત્પન્નકર્યુ છે.”
યહોવાની ખોટા દેવોને ચેતવણી
21 યહોવા, યાકૂબના મહાન રાજા કહે છે, “તમારા કિસ્સાની રજૂઆત કરો! તમારો ઉત્તમ બચાવ રજૂ કરો!
22 તમારી મૂર્તિઓ બહાર લઇ આવો અને તેમને કહેવા દો કે ભવિષ્યમાં શું બનવાનું છે, ભૂતકાળના બનાવોનો અર્થ સમજાવો, જેથી અમે તેનો વિચાર કરી શકીએ.
23 હા, જો તમે દેવ હો તો આવનાર દિવસોમાં શું બનવાનું છે તે કહો! અથવા કંઇક એવું કરીને અમારા પર પ્રભાવ પાડો જે ઉપયોગી હોય અથવા નુકશાનકારક હોય.
24 “પણ ના, તમારી કશી વિસાત જ નથી! તમે શું ધૂળ કરવાના હતાં! જે તમને પૂજે છે તે પણ તમારા જેવો જ કેવળ ધિક્કારપાત્ર છે!”
ફકત યહોવા જ દેવ છે
25 “હું એક જણને ઉત્તરમાંથી બોલાવી લાવ્યો
અને તે આવ્યો;
પૂર્વમાંથી તે મારા નામે બોલાવે છે,
અને કોઇ કુંભાર માટીનો ઢગલો ખૂંદતો હોય એમ
તે રાજકર્તાઓને ખૂંદતો આવશે.”
26 “મારા સિવાય તમને કોણે કહ્યું હતું કે આ પ્રમાણે થશે?
બીજા કોણે અગાઉથી કહ્યું હતું કે આમ થવાનું છે
જેથી આપણે એમ કહી શકીએ કે તેઓ સાચા હતાં?
કોઇએ તેમ કહ્યું નહોતું!
તેઓએ તો આના વિષે સાંભળ્યું પણ નહોતું!
27 મેં યહોવાએ જ સિયોનને શુભસમાચાર મોકલ્યા હતા કે,
‘જુઓ! જુઓ! હું યરૂશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.’ ”
28 પણ જ્યારે તમારી મૂર્તિઓ વચ્ચે જોયું,
ત્યાં કોઇ સલાહકાર નથી,
કોઇપણ નહિ જે હું જ્યારે સવાલ પૂછું ત્યારે જવાબ આપી શકે.
મેં પ્રશ્ર્ન કર્યો ત્યારે તેમના એક
પણ દેવે પ્રત્યુત્તર આપ્યો નહિ.
29 તેઓ સર્વ સાચે જ વ્યર્થ છે; જુઓ, એ દેવો કેવા નકામા છે!
એમનાં કામોમાં કોઇ ભલીવાર નથી;
તેમની મૂર્તિઓ તો ખાલી હવા છે.