46
બાબિલના જૂઠા દેવો
1 યહોવા કહે છે, “બેલને નમાવી દીધું છે,નબો વિરોધ કરે છે, તેમની મૂર્તિઓ ઢોરો પર લાદવામાં આવી છે, જે મૂર્તિઓને તમે માથે લઇને ફરતા હતા તે અત્યારે થાકેલાં જનાવરો પર ભારરૂપે લદાઇ છે.
2 “શું આથી ઉત્તમ તેઓ કશું જ કરી શકતા નથી? તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારથી પોતાને બચાવી શકતા નથી. વળી તેઓ પોતે બંદીવાન થયા છે.
3 “હે યાકૂબના વંશજો, ઇસ્રાએલના બાકી રહેલા સર્વ લોકો મારું કહ્યું સાંભળો: મેં તમારું સર્જન કર્યુ છે અને તમારો જન્મ થયો ત્યારથી મેં તમારી સંભાળ રાખી છે.
4 તમે વૃદ્ધ થશો ત્યારે પણ હું એ જ રહેવાનો છું. તમારા વાળ ધોળા થતા સુધી હું તમને ઉપાડીશ. મેં તમને ઉત્પન્ન કર્યા છે અને હું તમારી સંભાળ રાખીશ. હું તમને ઊંચકી રાખીશ અને હું તમારો ઉદ્ધારક થઇશ.
5 “આ કોની સાથે તમે મારી તુલના કરશો? કોણ મારો બરોબરિયો છે? મારા જેવો બીજો કોણ છે?
6 એવા પણ કેટલાક લોકો છે, જેઓ કોથળીમાંથી સોનું ઠાલવે છે અને ચાંદી ત્રાજવે તોળે છે અને સોનીને રોકે છે, તે તેમાંથી મૂર્તિ ઘડે છે અને એ લોકો તેને પગે લાગી તેની પૂજા કરે છે.
7 તેઓ તેને પોતાના ખભે ઉપાડીને ફેરવે છે અને તેને સ્થાને તેની સ્થાપના કરે છે. તે ત્યાં જ ઊભી રહે છે, ત્યાંથી તે કદી ખસી શકતી નથી. કોઇ તેને ઘા નાખે તો એ ઉત્તર આપતી નથી, કે નથી તેને સંકટમાંથી ઉગારી શકતી.
8 “હે પાપી લોકો, આ યાદ કરો! ફરી વિચાર કરો અને તમારી સ્મૃતિ તાજી કરો!
9 ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.
10 “ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.
11 હું પૂર્વમાંથી એક શકરાબાજને- દૂરદૂરના દેશમાંથી એક માણસને બોલાવું છું, જે મારી યોજના પાર ઉતારશે. આજે હું જે બોલ્યો છું તે બનશે, મારી ઇચ્છાઓને હું પાર પાડીશ.
12 “હે દુષ્ટ હઠીલા માણસો, મારું કહ્યું ધ્યાનથી સાંભળો!
13 તમે માનો છો કે વિજય દૂર છે, પણ હું વિજય નજીક લાવી રહ્યો છું. એ દૂર નથી. હું જે મુકિત લાવનાર છું તેમા હવે વિલંબ થાય એમ નથી. હું સિયોનને મુકત કરીશ, અને મારા ગૌરવ સમા યરૂશાલેમ તથા ઇસ્રાએલને હું પુન:સ્થાપિત કરીશ.”