5
દેવની દ્રાક્ષવાટિકા
1 હવે હું મારા પ્રિયતમ અને જેને હું સ્નેહ કરું છું તેની સમક્ષ તેની દ્રાક્ષવાટિકા વિષે ગીત ગાઉં છું.
ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની
એક દ્રાક્ષની વાડી હતી.
2 તેણે તેને ખેડી અને પથ્થર વીણી કાઢયા.
અને અતિ ઉત્તમ દ્રાક્ષીના વેલા રોપ્યા,
તેણે તેની વચ્ચે ચોકી કરવાની છાપરી બાંધી
અને દ્રાક્ષને પીલવા કુંડ ખોદી કાઢયો. એમાં
મીઠી દ્રાક્ષ થશે એવી તેને આશા હતી.
પણ થઇ ત્યારે તેવી મીઠી દ્રાક્ષ બિલકુલ નહોતી.
3 દેવે કહ્યું કે, “હે યરૂશાલેમ તથા યહૂદાના લોકો તમે આ કિસ્સો સાંભળ્યો છે?
તમે ન્યાય કરો!
4 આથી વિશેષ હું શું કરી શક્યો હોત?
મારી દ્રાક્ષવાટિકાએ
મને મીઠી દ્રાક્ષને બદલે ખાટી દ્રાક્ષ
શા માટે આપી?
5 “માટે હવે સાંભળો,
મારી દ્રાક્ષનીવાડીનું હું શું કરીશ તે તમને કહું છું:
હું એના વાડાઓ કાઢી
અને તેનો નાશ થવા દઇશ,
હું એના વાડાઓ તોડી નાખીશ,
તેને પગ નીચે કચડાવી દઇશ.
6 અને હું તેને ઉજ્જડ રહેવા દઇશ,
કોઇ એને કાપશે નહિ અને કોઇ એને ખેડશે નહિ,
એમાં કાંટા ઝાંખરા ઊગી નીકળશે.
હું વાદળોને આજ્ઞા કરીશ
કે એમાં કોઇ વરસાદ ન વરસાવો.”
7 ઇસ્રાએલી લોકો તે સૈન્યોના દેવ યહોવાની દ્રાક્ષવાટિકા છે. યહૂદાના માણસો અને છોડવાઓ જેને પ્રેમથી ઉછેર્યા છે.
તેણે ન્યાયની આશા રાખી હતી.
પણ બદલો મળ્યો અન્યાય નો!
તેમણે આશા રાખી હતી સદાચારની પણ,
જે બધું તેણે સાંભળ્યું તે મદદ માટેની બૂમો હતી!
8 તમે માલમિલકતમાં ખેતરો અને મકાનો ખરીદીને ભેગાં કર્યા જાઓ છો, એટલી હદ સુધી કે દેશમાં તમે એકલા જ રહી જાઓ છો ને બીજા કોઇ માટે જગા જ રહેતી નથી તેમને અફસોસ.
9 પરંતુ સૈન્યોનો દેવ યહોવાએ વચન આપ્યું છે કે, “તમે અણધારી આપત્તિઓ વેઠશો. મારા પોતાના કાનોથી મેં તેમને આમ બોલતા સાંભળ્યાં છે. ધણાં સુંદર ઘરો ઉજ્જડ પડ્યાં રહેશે, કારણ કે તેના માલિકો કાંતો માર્યા જશે અથવા ઘર છોડીને જતાં રહેશે.
10 દશ એકરની દ્રાક્ષની વાડીઓમાંથી ફકત છ ગેલન દ્રાક્ષરસ ઊપજશે એક ઓમેર બી વાવ્યાં પછી પણ ફકત એક એફાહ અનાજ ઊપજશે.”
11 જેઓ સવારમાં વહેલા ઊઠીને દ્રાક્ષારસ જ પીયા કરો છો. અને છાકટા થાઓ ત્યાં સુધી સાંજે મોડે સુધી જાગનારાઓ, હવે તમારું આવી બન્યું છે એમ સમજો.
12 તમારી ઉજવણીઓમાં હંમેશા સારંગી અને વીણા, ખંજરી અને વાંસળી, તથા દ્રાક્ષારસના પાન સાથે મોજમજા સંકળાયેલી હોય છે. પણ યહોવા જે કરી રહ્યા છે તેની તેઓને ખબર નથી.
13 પરિણામે મારા લોકો અજ્ઞાનતાને કારણે દેશનિકાલ થયા છે, અને તેમના પ્રતિષ્ઠિત પુરુષો ભૂખ્યા થયા છે, ને તેમના સામાન્ય લોકો તરસથી મરશે.
14 એથી શેઓલે અત્યંત ક્ષુધાથી પોતાનું મોં પહોળું કર્યુ છે, તેમાં કુલીન લોકો અને સામાન્ય લોકોનાં ખુશીથી કોલાહલ કરતાં ટોળાં હોમાઇ જશે.
15 સૌને નીચા પાડવામાં આવશે, સૌનું ગુમાન ઉતારવામાં આવશે. સૌને નીચા નમાવવામાં આવશે.
16 પરંતુ સૈન્યોના દેવ યહોવા નિષ્ઠાપૂર્વક ન્યાય કરશે અને આમ કરીને પોતાની મહાનતા પ્રગટ કરશે. પરમ પવિત્ર દેવ ન્યાયી આચરણ કરીને બતાવશે કે તે પવિત્ર છે.
17 હલવાનો જાણે પોતાના બીડમાં ચરતાં હોય તેમ ચરશે, ને ધનાઢયોના પાયમાલ થયેલાં સ્થાનોને પારકાઓ ખાઇ જશે.
18 જેઓ અન્યાયને અને પાપના બંધનને વળગી રહે છે, અને તેને છોડી શકતા નથી, તેઓને અફસોસ!
19 તમે કહો છો કે, “દેવે ઉતાવળ કરવી જોઇએ. તેને તેનું કામ ઝડપથી સ્થપાવા દો, જેથી અમે જોઇ શકીએ છીએ! ભલે ઇસ્રાએલના પવિત્ર દેવ જે કરવા માગે છે તે ઝડપથી કરશે, અમે તે જાણીશું!”
20 જે લોકો પાપને પુણ્ય અને પુણ્યને પાપ કહે છે. અંધકારને પ્રકાશમાં અને પ્રકાશને અંધકારમાં ફેરવી નાખે છે, કડવાનું મીઠું અને મીઠાનું કડવું કરી નાખે છે તેઓને અફસોસ!
21 જે લોકો પોતાની ષ્ટિમાં બુદ્ધિમાન, ને પોતાની નજરમાં ડાહ્યા છે, તેઓને પણ અફસોસ!
22 તે લોકો દ્રાક્ષારસ પીવામાં શૂરા છે અને મધોનું મિશ્રણ કરવામાં બહાદુર છે. તેઓને અફસોસ!
23 તે લોકો લાંચ લઇને ગુનેગારને નિદોર્ષ ઠરાવે છે અને નિદોર્ષને ગુનેગાર ઠરાવે છે.
24 તેથી હવે જેમ વરાળ અને સૂકું ઘાસ અગ્નિમાં બળીને ભસ્મિભૂત થઇ જાય છે, તેમ તમારાં મૂળ સડી જશે અને તમારાં ફૂલ ચીમળાઇને ખરી પડશે.
કારણ તમે સૈન્યોનો દેવ યહોવાના ઇસ્રાએલના પરમ પવિત્ર દેવના વચનોનો અનાદર કર્યો છે.
25 માટે યહોવા પોતાના લોકો ઉપર ખૂબ ગુસ્સે થયા છે; અને તેઓને કચડી નાખવા માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો છે. ટેકરીઓ ૂજશે, અને તેના લોકોના મડદાં શેરીઓમાં કચરાની જેમ ફેંકી દેવામાં આવશે. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થયો નથી; હજી તેમના લોકો પર તેમનો હાથ ઉગામેલો જ છે.
ઇસાએલને સજા કરવા માટે દેવ સૈન્ય લાવશે
26 આથી યહોવા દૂરથી લોકોને નિશાની કરે છે, પૃથ્વીને છેડેથી તેમને સૌને બોલાવવા માટે તે સીટી વગાડે છે અને જુઓ, તેઓ વેગથી સત્વરે આવી રહ્યા છે!
27 કોઇને થાક લાગતો નથી, કે કોઇ ઠોકર ખાતો નથી. નથી કોઇ ઝોકાં ખાતો કે નથી કોઇ ઊંઘતો. કોઇ કમરબંધ ઢીલો કરતો નથી કે કોઇ પગરખાંની દોરી છોડતો નથી.
28 તેમનાં બાણ ધારદાર કરેલા છે, અને ધનુષ્યો નમાવીને ખેચેલા છે. તેમના ઘોડાની ખરીઓ વજ્ર જેવી છે, અને તેમના રથના ચક્રો વંટોળિયા જેવા છે.
29 તેમની ગર્જના સિંહની ગર્જના જેવી છે! તેઓ સિંહની જેમ ઘૂરકાટ કરીને તેમનો ભક્ષ્ય પકડે છે. અને તેને ખૂબ દૂર લઇ જાય છે, અને તેને બચાવવા ત્યાં કોઇ નથી.
30 તેઓ તે દિવસે તેમના શિકાર બનેલા ઇસ્રાએલીઓ સામે સાગરના ઘૂઘવાટ જેવી ગર્જના કરશે. અને જો કોઇ ધરતી ઉપર ધારીને જોશે તો તેને અંધકાર અને આફત દેખાશે, પ્રકાશ વાદળાંથી ઘેરાતો દેખાશે.