54
ઇસ્રાએલ પ્રત્યે યહોવાનો પ્રેમ
“હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી,
તું મુકત કંઠે ગીત ગા,
આનંદના પોકાર કર;
 
“કારણ, યહોવાના આશીર્વચન છે કે,
સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”
 
“તારો તંબુ વિશાળ બનાવ,
તારા તંબુના પડદા પહોળા કર,
તેની દોરી ઠેઠ સુધી લંબાવ
અને ખીલા બરાબર ઠોકી દે;
કારણ કે તું તારી સરહદો ચારે બાજુએ વિસ્તારીશ.
તારા વંશજો બીજી પ્રજાઓના તાબા હેઠળના પ્રદેશો કબજો કરશે
અને વેરાન નગરોને વસતાં કરશે.
ગભરાઇશ નહિ;
તારે ફરી શરમાવું નહિ પડે,
તારે શરમાવાનું હવે કોઇ કારણ નહિ રહે.
તારી યુવાવસ્થાની શરમ
અને તારા વૈધવ્યનાં દુ:ખને હવેથી
સંભારવામાં આવશે નહિ.
કારણ કે તારા સર્જનહાર જ તારા ‘પતિ’ થશે.
‘સૈન્યોના દેવ યહોવા’ તેમનું નામ છે;
ઇસ્રાએલના પવિત્ર દેવ
અને સમગ્ર પૃથ્વીના યહોવા, તારા ઉદ્ધારક છે.
 
“તું દુ:ખમાં ડૂબેલી ત્યકતા જેવી છે.
તારા દેવ, યહોવા,
તને પાછી બોલાવીને કહે છે કે,
જુવાનીમાં જેનો હાથ પકડ્યો હતો
તેને શી રીતે તજી શકાય?”
યહોવા કહે છે, “મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો.
પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ.
ક્રોધના આવેશમાં ક્ષણભર મેં તારાથી મોં ફેરવ્યું હતું.
qપણ હવે ચિરંતન કરુણાથી પ્રેરાઇને હું તારા પર દયા કરીશ.”
એમ તારો ઉદ્ધાર કરનાર યહોવા કહે છે.
 
દેવ કહે છે, “આ તો નૂહના વખતના જેવું છે,
જેમ તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે,
હું ફરી કદી પૃથ્વી ઉપર જળપ્રલય નહિ લાવું.
તેમ આજે હું તને વચન આપું છું કે,
ફરી કદી હું તારા પર ગુસ્સો કરીશ નહીં,
કે તને ઠપકો દઇશ નહિ.”
 
10 યહોવા કહે છે, “ભલે પર્વતો ખસી જાય
અને ડુંગરોનું અસ્તિત્વ નાશ પામે,
પણ મારી ભલાઇ હંમેશા તમારી સાથે રહેશે.
તમારી સાથે કરેલો મારો શાંતિનો કરાર
કદી ખંડિત થશે નહિ.”
એમ તમારા પર દયા કરનાર યહોવા કહે છે.
 
11 “હે દુ:ખી, ઝંઝાવાતની થપાટો ખાતી
દિલાસા વિહોણી નગરી!
હું તને નીલમના પાયા ઉપર ફરીથી ચણી લઇશ
અને મૂલ્યવાન પથ્થરોમાંથી
તમારા ઘરની ભીંતો બનાવીશ.
12 તારા બુરજો માણેકના બંધાવીશ, તારા દરવાજા લાલ પથ્થરના
અને તારો આખો કોટ રત્નોનો બનાવીશ.
13 તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે,
અને તેઓ સુખશાંતિ અનુભવશે;
14 પ્રામાણિકતાથી તારી પ્રતિષ્ઠા થશે.
ત્રાસ તારાથી દૂર રહેશે
અને તને કશાનો ડર રહેશે નહિ.
તું ત્રાસથી સદંતર મુકત રહેશે.
15 જો કોઇ પ્રજા તારી વિરુદ્ધ યુદ્ધ કરવા આવે, તો તને શિક્ષા કરવાના હેતુથી હું તેઓને તારી પાસે મોકલીશ નહિ.
જો તેઓ યુદ્ધ કરશે, તો પણ તેઓનો નાશ કરવામાં આવશે કેમ કે હું તારા પક્ષમાં છું.
 
16 “ભઠ્ઠીમાં અંગારાને વીંઝણા નાખનાર અને જુદાંજુદાં કામ માટે હથિયારો ઘડનારા લુહારનો સર્જનહાર હું છું, બધું નાશ કરનારા ‘સંહારકને’ પેદા કરનાર પણ હું જ છું.
17 “પરંતુ હવે તારી વિરુદ્ધ વાપરવા માટે બનાવેલ કોઇ પણ હથિયાર કામ આવશે નહિ, અને ન્યાયલયમાં તારી સામેના એકેએક આરોપને હું ખોટા પાડીશ, તને ન્યાય મળશે.
“મારા સેવકોનો આ વારસો છે, હું તેમને વિજય અપાવીશ,” આ યહોવાના વચન છે.