17
ઈસુ તેના શિષ્યો માટે પ્રાર્થના કરે છે
1 ઈસુએ આ વાતો કહી રહ્યાં પછી તેણે આકાશ તરફ જોયું. ઈસુએ પ્રાર્થના કરી, “પિતા, સમય આવ્યો છે. તારા દીકરાને મહિમાવાન કર. જેથી દીકરો તને મહિમાવાન કરે.
2 તેં દીકરાને સર્વ લોકો પર અધિકાર આપ્યો છે. જેથી દીકરો તે બધા લોકોને અનંતજીવન બક્ષે. જે તેં તેને આપ્યું છે.
3 અને આ અનંતજીવન છે કે માણસો તને ઓળખી શકે, ફક્ત ખરા દેવ, અને તે માણસો ઈસુ ખ્રિસ્તને ઓળખી શકે. જેને તેં મોકલ્યો છે.
4 તેં મને જે કરવાનું સોંપ્યું છે તે કામ મે પૂરું કર્યુ છે. મેં તેને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે.
5 અને હવે, હે પિતા, તારી સાથે મને મહિમાવાન કર. જગતની શરુંઆત થતાં પહેલાં તારી સાથે મારો જે મહિમા હતો તે મને આપ.”
6 “તેં મને જગતમાંથી કેટલાક માણસો આપ્યા. મેં તેઓને તું કોના જેવો છે તે બતાવ્યું છે. તે માણસો તારા હતા. અને તેં મને તેઓ આપ્યા છે. તેઓએ તારા ઉપદેશનું પાલન કર્યુ છે.
7 હવે તેઓ જાણે છે કે તેં મને આપેલી દરેક વસ્તુ તારી પાસેથી આવે છે.
8 તેં મને જે વચનો આપ્યા છે તે મેં તેઓને આપ્યા. તેઓએ તે વચનોને સ્વીકાર્યા. તેઓ જાણે છે કે હું તારી પાસેથી આવ્યો છું અને તેઓને વિશ્વાસ છે કે તેં મને મોકલ્યો છે.
9 હમણા હું તેઓને માટે પ્રાર્થના કરું છું. હું જગતના લોકો માટે પ્રાર્થના કરતો નથી. પણ તેં મને જે લોકો આપ્યાં છે તેઓને માટે હું પ્રાર્થના કરું છું, કારણ કે તેઓ તારાં છે.
10 મારી પાસે જે બધા છે તે તારાં છે, અને તારી પાસે જે બધા છે તે મારાં છે, અને આ માણસો મારો મહિમા લાવે છે.
11 “હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ.
12 જ્યારે હું તેઓની સાથે હતો, મેં તેઓને સલામત રાખ્યાં. મેં તારા નામની સત્તાથી તેઓને સલામત રાખ્યાં-જે નામ તેં મને આપ્યું છે. મેં તેઓનું રક્ષણ કર્યુ છે. અને તેઓમાંનો માત્ર એક ખોવાયો હતો. જે માણસ પસંદ કરાયેલ ન હતો. તે ખોવાયો હતો. શાસ્ત્રલેખમાં જે કહ્યું છે તે બની શકે.
13 “હું હમણા તારી પાસે આવું છું. પણ હું આ વસ્તુઓ માટે પ્રાર્થના કરું છું ત્યારે પણ હું હજુ જગતમાં છું. હું આ વસ્તુઓ કહું છું તેથી આ માણસો મારો આનંદ પ્રાપ્ત કરી શકે. હું ઈચ્છું છું કે મારો બધો આનંદ તેઓની પાસે હોય.
14 તેઓને તારો ઉપદેશ આપ્યો છે અને જગતે તેઓને તિરસ્કાર કર્યો છે, કારણ કે તેઓ આ દુનિયાના નથી. જેમ હું આ દુનિયાનો નથી.
15 “હું તને તેઓને આ દુનિયામાંથી બહાર લઈ જવાનું કહેતો નથી. પણ હું તને દુષ્ટ પાપમાંથી (શેતાનથી) તેઓને સલામત રાખવાનું કહું છું.
16 તેઓ આ જગતના નથી, તે જ રીતે હું આ જગતનો નથી.
17 તારા સત્ય દ્વારા તારી સેવા માટે તૈયાર કર. તારું વચન સત્ય છે.
18 મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે.
19 હું મારી જાતને સેવા માટે તૈયાર કરું છું. હું તેઓના માટે આ કરું છું. જેથી કરીને તેઓ ખરેખર તારી સેવા માટે તૈયાર થઈ શકે.
20 “હું આ માણસો માટે પ્રાર્થના કરું છું. હું પણ તે બધા લોકો માટે પ્રાર્થના કરું છું. આ બધા લોકોના વચનના કારણે તેઓ મારામાં વિશ્વાસ કરશે.
21 પિતા, હું પ્રાર્થના કરું છું કે જે બધા લોકો મારામાં વિશ્વાસ કરે છે તેઓ એક બને. તું મારામાં છે અને હું તારામાં છું. હું પ્રાર્થના કરું છું કે આ બધા લોકો પણ આપણમાં એક થાય. તેથી જગત વિશ્વાસ કરશે કે તેં મને મોકલ્યો છે.
22 મેં આ લોકોને તેં મને જે મહિમા આપ્યો હતો તે મેં આપ્યો જેથી આપણે જેમ એક છીએ તે પ્રમાણે તેઓ પણ એક થાય.
23 હું તેઓમાં હોઈશ અને તું મારામાં હોઈશ. તેથી તેઓ સંપૂર્ણ રીતે એક થશે. પછી જગત જાણશે કે તેં મને મોકલ્યો છે અને જગત જાણશે કે તેં આ લોકોને પ્રેમ કર્યો હતો. જેમ તેં મને પ્રેમ કર્યો હતો.
24 “પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે.
25 પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે.
26 મેં તેઓને બતાવ્યું છે કે તું કોના જેવો છે. અને ફરીથી હું તેઓને બતાવીશ તું કોના જેવો છે. પછી તેઓને એજ પ્રેમ મળશે જેવો તને મારા માટે છે. અને હું તેઓનામાં રહીશ.”