37
યમિર્યાને કારાવાસ
બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યહૂદિયાના નવા રાજા તરીકે યહોયાકીમ રાજાના પુત્ર કોન્યાની નિમણૂંક કરી નહિ, પણ તેને બદલે તેણે યોશિયાના પુત્ર સિદકિયાની પસંદગી કરી. યહોવાએ યમિર્યા દ્વારા જે વચનો કહેવડાવ્યા હતાં તે રાજા સિદકિયાએ તથા તેના અધિકારીઓએ તથા દેશમાં બાકી રહેલા લોકોએ સાંભળ્યાં નહિ.
તેમ છતાં સિદકિયાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માઅસેયાના પુત્ર યાજક સફાન્યાને યમિર્યા પાસે મોકલીને કહેવડાવ્યું કે, “તું અમારે માટે યહોવા આપણા દેવ પાસે પ્રાર્થના કર.”
એ વખતે યમિર્યાને લોકોમાં જવા આવવાની છૂટ હતી, હજી તેને કેદમાં નાખવામાં આવ્યો નહોતો; દરમ્યાન ફારુનના લશ્કરે મિસરમાંથી કૂચ કરી, અને યરૂશાલેમને ઘેરો ઘાલીને પડેલા બાબિલવાસીઓએ, એની જાણ થતા જ ઘેરો ઉઠાવી લીધો.
પછી યહોવાનું વચન યમિર્યા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: “ઇસ્રાએલના દેવ યહોવા આ પ્રમાણે કહે છે કે, ‘યહૂદિયાના જે રાજાએ તમને મારી પાસે પૂછવા મોકલ્યા, તેને કહો કે, જુઓ, તમને સહાય કરવાને ફારુનનું જે સૈન્ય મોકલ્યું છે, તે પોતાના મિસર દેશમાં પાછું જશે. અને બાબિલવાસીઓ ફરી હુમલો કરશે. ઓ આ યરૂશાલેમ શહેર ને કબજે કરી એને બાળી મૂકશે.’ આ હું યહોવા બોલું છું. ‘તમે પોતાની જાતને છેતરશો નહિ, એમ ન માનશો કે બાબિલવાસીઓ તમારા દેશમાંથી કાયમ માટે પાછા જશે. 10 જો તમે બાબિલના સમગ્ર સૈન્યનો નાશ કરો અને તેઓમાંના મુઠ્ઠીભર માણસો બચી જાય અને ઘાયલ થઇને પોતાના તંબુઓમાં રહે તોપણ તેઓ ઊઠશે અને તમને પરાજીત કરશે, અને આ નગરને બાળી નાખશે.’ ”
11 અને ત્યારે, ફારુનનું સૈન્ય ત્યાં પહોચવાના કારણે બાબિલના સૈન્યે યરૂશાલેમને છોડી દીધુ. 12 યમિર્યા યરૂશાલેમ છોડીને પોતાના કુટુંબીઓની મિલકતમાંથી પોતાના ભાગ લેવા બિન્યામીનના પ્રદેશમાં જવા ઊપડ્યો. 13 પરંતુ બિન્યામીનના દરવાજામાંથી યમિર્યા પસાર થતો હતો, ત્યારે હનાન્યાના પુત્ર શેલેમ્યાના પુત્ર ઇરિયા સંત્રીએ તેની ધરપકડ કરી અને કહ્યું કે, “તે બાબિલના પક્ષમાં જતો રહે છે અને તે રાજદ્રોહી છે.”
14 યમિર્યાએ કહ્યું, “ખોટી વાત છે, બાબિલવાસીઓ સાથે ભળી જવા માટે હું નથી જતો. આમ કરવાનો મારો કોઇ ઇરાદો નથી.” પરંતુ ઇરિયાએ તેનું કહ્યું માન્યું નહિ અને તેને પકડીને અમલદાર આગળ રજૂ કર્યો, અમલદારો યમિર્યા પર ક્રોધે ભરાયા. 15 તેમણે તેને ચાબુક મરાવી તેને મંત્રી યહોનાથાનના ઘરમાં કેદ પૂરી દીધો. 16 તેમણે તેના ઘરને કેદખાનામાં ફેરવી નાખ્યું હતું. તેમણે યમિર્યાને એક ધાતુના ટાંકામાં પૂરી દીધો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
17 સમય જતાં સિદકિયા રાજાએ ગુપ્ત રીતે મહેલમાં તેડી મંગાવ્યો. રાજાએ તેને પૂછયું કે, “આજના દિવસોમાં શું યહોવા તરફથી તને કોઇ સંદેશો મળ્યો છે?”
યમિર્યાએ કહ્યું, “હા, સંદેશો મળ્યો છે. બાબિલના રાજાથી તું હાર પામશે.” 18 ત્યારબાદ યમિર્યાએ રાજા સિદકિયાને પૂછયું, “મેં તમારું કે તમારા અમલદારોનું કે આ લોકોનું શું બગાડ્યું છે કે તમે મને કેદ કર્યો છે. 19 જે પ્રબોધકોએ તમને કહ્યું હતું કે, ‘બાબિલનો રાજા તમારા પર કે તમારા દેશ પર હુમલો નહિ કરે, તેઓ ક્યાં ગયા?’ 20 તેથી, મારા ધણી મારા રાજા, મહેરબાની કરીને મને સાંભળો, મારી નમ્ર વિનંતિ ધ્યાનમાં લો. મને પાછો મંત્રી યહોનાથાનને ઘેર ન મોકલશો, નહિ તો હું ત્યાં મરી જઇશ.”
21 જ્યારે રાજા સિદકિયાએ આજ્ઞા કરી કે, યમિર્યાને કેદમાં ન મોકલવામાં આવે, પરંતુ તેને રાજમહેલની જેલમાં રાખવામાં આવે અને નગરમાં રોટલી ખલાસ થઇ જાય ત્યાં સુધી તેને રોજ તાજી બનાવેલી રોટલી આપવામાં આવે. આમ થવાથી યમિર્યા રાજમહેલની જેલમાં રહ્યો.