52
યરૂશાલેમનું પતન
સિદકિયા ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષની હતી, તેણે યરૂશાલેમમાં અગિયાર વર્ષ રાજ્ય કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી. સિદકિયાએ યહોયાકીમની જેમ જ યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. હકીકત એ છે કે, યરૂશાલેમે અને યહૂદિયાએ યહોવાનો એટલો બધો રોષ વહોરી લીધો કે આખરે તેણે તેમને પોતાના સાન્નિધ્યમાંથી હાંકી કાઢયાં, અને સિદકિયાએ બાબિલ સામે છળકપટ કર્યું.
સિદકિયાના રાજ્યકાળમાં નવમે વષેર્ દશમાં મહિનાના દશમાં દિવસે બાબિલના રાજા નબૂખાદરેસ્સારે પોતાની આખી સૈના સહિત આવીને યરૂશાલેમ પર હુમલો કર્યો. તેણે એ શહેરને કબજે કર્યુ અને તેની ફરતે ઘેરો બાંધવા માટેની દીવાલો બાંધી, રાજા સિદકિયાના શાસનમાં અગિયારમા વર્ષ સુધી આમ ચાલ્યું. ચોથા મહિનાના નવમે દિવસે નગરમાં અન્નની ભારે તંગી વર્તાતી હતી અને લોકોને ખાવાનું મળતું નહોતું. પછી નગરની દીવાલમાં એક બાકોરું પાડવામાં આવ્યું, અને રાતોરાત રાજા પોતાના આખા સૈન્ય સાથે રાજાના બગીચા પાસે આવેલા બે દીવાલો વચ્ચેના દરવાજેથી ભાગી ગયો, આમ બન્યું તે દરમ્યાન ખાલદીઓએ નગરને ઘેરી લીધું હતું તેમ છતાં તેઓ યર્દનની ખીણ તરફ આગળ વધ્યા.
પરંતુ ખાલદીઓની સૈનાએ તેનો પીછો પકડ્યો અને યરીખોના મેદાનમાં તેને પકડી પાડ્યો, અને તેની આખી સૈના તેને છોડીને વેરવિખેર થઇ ગઇ. બાબિલનો રાજા હમાથ રાજ્યના રિબ્લાહ નગરમાં હતો. તેઓ સિદકિયાને ત્યાં લઇ ગયા અને રાજા આગળ રજૂ કર્યો, અને તેણે તેના પર કામ ચલાવ્યું. 10 બાબિલના રાજાએ રિબ્લાહ ખાતે સિદકિયાની નજર આગળ તેના પુત્રોને મારી નાખ્યા અને યહૂદિયાના બધા અમલદારોને પણ મારી નાખ્યાં. 11 ત્યારબાદ રાજા સિદકિયાની આંખો ફોડી નાખવામાં આવી અને તેને સાંકળોથી બાંધીને બાબિલ લઇ જવામાં આવ્યો અને તેને આજીવન કેદ કરવામાં આવ્યો.
12 બાબિલના રાજા નબૂખાદરેસ્સારના શાસનના ઓગણીસમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે રક્ષક ટુકડીનો સરદાર નબૂઝારઅદાને યરૂશાલેમમાં પ્રવેશ કર્યો. 13 તેણે યહોવાના મંદિરને, રાજાના મહેલને અને શહેરના દરેક મોટા મકાનોને આગ ચાંપીં. 14 તેના લશ્કરે યરૂશાલેમની ફરતેની દીવાલોને તોડી પાડી. 15 તેણે શહેરની બાકી રહેલી વસ્તીને, જેઓ બાબિલના રાજાના પક્ષમાં ચાલ્યા ગયા હતા તેમને અને રહ્યાસહ્યા કારીગરોને દેશવટો દીધો, 16 પરંતુ ફકત વસ્તીના ગરીબમાં ગરીબ વર્ગને છોડ્યો. તેઓએ તેમને મજૂરી કરવા માટે ખેતરો અને દ્રાક્ષનીવાડીઓ આપી.
17 ખાલદીઓ મંદિરમાંના પ્રવેશદ્વાર પાસે ઊભા કરેલા કાંસાના બે મોટા સ્તંભોને, કાંસાના હોજને અને પૈડાવાળી ઘોડીઓને ઉપાડીને બાબિલ લઇ ગયા. 18 વળી મંદિરમાં વપરાતા કૂડાં, પાવડીઓ, બુજારાં, ડોયાં, વાટકાં અને બધા જ વાસણો અને સાધનો પણ લઇ ગયા. 19 રાજાના અંગ રક્ષકોનો નાયક સોના ચાંદીની બધી વસ્તુઓ લઇ ગયો જેવી કે: કટોરાઓ, ધૂપદાનીઓ, કૂંડાઓ, ઘડાઓ, દીવીઓ, તપેલાઓ, વાટકાઓ વગેરે જે બધું પેયાર્પણો ચઢાવવા માટે વપરાતું હતું. 20 આ બધી વસ્તુઓ જે સુલેમાને બનાવડાવી હતી (બે સ્તંભો “સમુદ્ર” નામે ઓળખાતો કાંસાનો હોજ, તેની નીચેના વીસ બળદો અને પૈડાંવાળી ઘોડી) તે બધી વજનમાં ખૂબ ભારે હતી.
21 એક સ્તંભ 18 હાથ ઊંચો અને 12 હાથના પરિઘવાળો હતો; તે પોલો હતો અને તેની જાડાઇ ચાર આંગળ હતી. 22 દરેક સ્તંભની ટોચે પાંચ હાથનો (શિખર તરીકે ઓળખાતો) પિત્તળનો કળશ હતો. તેની બાર હાથની પહોળાઇની ચારે બાજુ તે પિત્તળના દાડમ વડે શણગારાયેલો હતો તે અંદરથી પોલો હતો અને એક હાથ જાડો હતો. 23 દરેક સ્તંભ પર સો દાડમ હતા, પણ તેમાંથી છન્નું જ નજરે જોઇ શકાતા હતાં.
24 રક્ષકટુકડીના સરદાર નબૂઝારઅદાને મુખ્ય યાજક સરાયાને, તેના મદદનીશ સફાન્યાને અને મંદિરના ત્રણ મુખ્ય રક્ષકોને પોતાની સાથે લઇ ગયો. 25 તદુપરાંત તે લશ્કરના વડા અમલદારને, રાજાના સાત સલાહકારોને બંધક બનાવીને લઇ ગયો, તે ઉપરાંત તે લહિયો જે સૈન્યમાં લોકોની ભરતી કરવા માટેનો મુખ્ય અધિકારી હતો તેને અને નગરના બીજા સાઠ મોભાદાર માણસોને પોતાની સાથે લઇ ગયો. 26 અને એ બધાને તે હમાથના પ્રદેશમાં આવેલા રિબ્લાહ ખાતે બાબિલના રાજા આગળ લઇ ગયો. 27 અને હામાથના દેશ રિબ્લાહમાં બાબિલના રાજાએ તેમને ફટકા મરાવીને મારી નંખાવ્યાં.
આમ યહૂદિયાને પોતાના દેશમાંથી દેશવટે લઇ જવામાં આવ્યા.
 
28 નબૂખાદરેસ્સારના રાજ્યકાળના 7 વષેર્ બાબિલના બંદીવાસમાં લઇ જવાયેલાઓની સંખ્યા 3,023 હતી.
29 અને અઢારમાં વર્ષમાં 832 યરૂશાલેમવાસીઓને તે દેશવટે લઇ ગયો.
30 ફરીથી 5 વર્ષ બાદ 23 વષેર્ અંગરક્ષકોનો નાયક નબૂઝારઅદાન 745 યહૂદીઓને દેશવટે લઇ ગયો હતો.
 
આમ કુલ 4,600 માણસોને બંદીવાસમાં લઇ જવાયા.
યહોયાકીનને મુકત કરવામાં આવ્યો
31 બાબિલમાં યહૂદિયાના રાજા યહોયાકીનના દેશવટાના સાડત્રીસમા વર્ષના બારમાં મહિનાના પચીસમે દિવસે બાબિલના રાજા એવીલ-મેરોદાખે પોતે ગાદીએ આવ્યો તે જ વરસે યહૂદિયાના રાજા યહોયાકીમને માફી આપી અને તેને કારાવાસમાંથી મુકત કર્યો. 32 તેણે તેના પ્રત્યે માયાળુ વર્તાવ રાખ્યો અને તેને બાબિલમાં પોતાની સાથેના બીજા રાજાઓ કરતાં ઊંચે આસને બેસાડ્યો. 33 આથી યહોયાકીમએ કારાવાસનાં કપડાં ઉતારી નાખી, એમણે આપેલાં નવાં વસ્ત્રો પહેર્યા, અને શેષજીવન રાજાના આશ્રિત તરીકે ગાળ્યું. 34 અને તે જીવ્યો ત્યાં સુધી રાજાએ તેના નિભાવ માટે કાયમી ભથ્થું બાંધી આપ્યું. જે તેને મૃત્યુ સુધી નિયમિત રીતે તેને આપવામાં આવ્યું.