10
તે દિવસે સૂર્ય પણ થંભી ગયો
1 જયારે યરૂશાલેમના રાજા અદોની સદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આયનગર કબજે કર્યુ છે અને તેણે જેમ યરીખોનો અને તેના રાજાનો નાશ કર્યો હતો તેમ આયનગરનો અને તેના રાજાનો પણ નાશ કર્યો છે, અને ગિબયોનની પ્રજાએ ઇસ્રાએલ સાથે શાંતિકરાર કરીને તેમની સાથે રહેવા માંડયું છે.
2 તે વિષે જાણ્યું ત્યારથી યરૂશાલેમના લોકો ઘણા જ ડરી ગયા, કારણ કે ગિબયોન તો મહાનગર હતું અને તે રાજનગર જેવું હતું અને તે આયનગર કરતાં વિશાળ હતું. તે નગરના લોકો બહાદુર હતાં, અને તેઓ તેના માંટે બહુ પ્રખ્યાત હતા.
3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.
4 “માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.”
5 એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.
6 પરંતુ ગિબયોનના લોકોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં સંદેશો મોકલાવ્યો કે, “અમે તમાંરા દાસો છીએ, અમને એકલા ન મૂકશો, વહેલા અમાંરી તરફ આવો અને અમાંરું રક્ષણ કરો, કારણ કે પર્વતીય પ્રદેશમાં બધા અમોરી રાજાઓ અમાંરી વિરુદ્ધ એક થઈ ગયા છે.”
7 આથી યહોશુઆ પોતાના લશ્કરના બધા શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી ત્યાં પહોંચી ગયો.
8 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”
9 યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.
10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા.
11 શત્રુનું સૈન્ય ઇસ્રાએલના સૈન્યથી ભાગીને બેથ-હોરોનના રસ્તે આવ્યું અને અઝેકાહ સુધીના સમગ્ર માંર્ગમાં યહોવાએ આકાશમાંથી તેમના ઉપર મોટા બરફના કરા વરસાવ્યા. ઇસ્રાએલી સૈનિકોને તરવારો કરતાં બરફના કરાઓથી વધારે શત્રુઓ માંર્યા હતાં.
12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું:
“ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા.
ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”
13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.
14 તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.
15 પછી યહોશુઆ ઇસ્રાએલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછા ગયા.
16 યુદ્ધ દરમ્યાન પેલા પાંચ રાજાઓ ભાગીને માંક્કેદાહની ગુફામાં છુપાઈ ગયા હતા.
17 તેઓને શોધવામાં આવ્યાં હતાં અને માંક્કેદાહ પાસેની ગુફામાં છુપાયેલા મળ્યા. જ્યારે યહોશુઆએ આના વિષે સાંભળ્યું. તેણે આમ કહીને જવાબ આપ્યો:
18 “ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો.
19 શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”
20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો.
21 ત્યારબાદ યહોશુઆના માંણસો તેમની માંક્કેદાહની છાવણી પર સુરક્ષિત પાછા ફર્યા. પછી કોઈએ ઇસ્રાએલના લોકો સામે કંઈ પણ કહેવા માંટે હિમ્મત કરી નહિ.
22 હવે યહોશુઆએ કહ્યું, “પેલી ગુફાનું મુખ ખોલો અને એ પાંચ રાજાઓને બહાર કાઢી માંરી પાસે લઈ આવો.”
23 એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.
24 જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.
25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”
26 પછી યહોશુઆએ તે રાજાઓને તરવારથી માંરી નાખ્યા. અને તેમનાં શબ પાંચ જાડ ઉપર લટકાવ્યાં, અને છેક સાંજ થતાં સુધી તે ત્યાં લકટતાં રહ્યાં.
27 પછી સૂર્યાસ્ત થવાના સમયે તેઓના મૃતદેહોને જાડ પરથી ઉતાર્યા અને તેઓ જે ગુફામાં સંતાઈ રહ્યાં હતા તેમાં ફેંકી દીધાં, પછી ગુફાના મુખદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજે પણ છે.
28 યહોશુઆએ તે દિવસે માંક્કેદાહ કબજે કર્યું. અને તેના લોકોને તથા રાજાને મોતને ઘાટ ઉતાર્યા. નગરના બધા માંણસોનો તેણે સંહાર કર્યો. તેણે યરીખોના રાજાના જે હાલ કર્યા હતા તે જ હાલ માંક્કેદાહના રાજાના પણ કર્યા.
દક્ષિણના શહેરોની પ્રાપ્તિ
29 ત્યારબાદ યહોશુઆ અને તેની સેનાએ માંક્કેદાહ છોડ્યું અને લિબ્નાહ જઈને તે શહેર પર આક્રમણ કર્યુ.
30 યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.
31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.
32 પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા.
33 દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.
34 ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો.
35 તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો.
36 એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.
37 અને રાજાની સાથે, લોકો અને નજીકનાં શહેરોમાં રહેતાં બીજા લોકોને પણ માંરી નાખવામાં આવ્યાં હતાં. કોઈને પણ જીવતું છોડવામાં આવ્યું નહોતું. તેઓએ એગ્લોનને જેમ કર્યુ હતું તેમ કર્યું.
38 ત્યારબાદ યહોશુઆ અને તેના સૈન્યે પાછા દબીર જઈ તેના ઉપર હુમલો કર્યો.
39 તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.
40 આ રીતે યહોશુઆએ સંપૂર્ણ ભૂમિ હરાવી: પહાડી દેશ, નેગેબ, પશ્ચિમની તળેટીઓ, ઢોળાવો અને તેમના બધા રાજાઓ. તેણે કોઈને જીવતા જવા દીધાં નહિં. ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે એકએક પ્રાણીનો નાશ કર્યો.
41 યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ.
42 એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા.
43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા.