24
યહોશુઆની વિદાય
1 યહોશુઆએ ઇસ્રાએલના બધા કુળસમૂહોને શખેમમાં ભેગા કર્યા, તેણે ઇસ્રાએલના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને, અને અમલદારોને બોલાવી મંગાવ્યા, અને તેઓ બધા દેવ સમક્ષ હાજર થયા.
2 પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે: ‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા.
3 હું તમાંરા પૂર્વજ ઈબ્રાહિમને ફ્રાંત નદીને બીજે કાંઠેથી કનાનના પ્રદેશમાંથી દોરી ગયો. મેં તેને અનેક વંશજો આપ્યાં, અને મેં તેને ઈસહાક આપ્યો,
4 અને મેં ઈસહાકને બે પુત્રો યાકૂબ અને એસાવ આપ્યો, અને એસાવને મેં સેઈરનો ડુંગરાળ દેશ સોંપ્યો. પણ યાકૂબ અને તેના પુત્રો મિસર યાલ્યા ગયા.
5 “ ‘મેં મૂસાને અને હારુનને મોકલ્યા, અને મેં મિસરીઓને ખૂબ મુશ્કેલીઓ આપી અને મિસર પર સંકટ મોકલ્યા અને ત્યાર પછી હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો.
6 હું તમાંરા પિતૃઓને મિસરની બહાર લઈ આવ્યો; અને રાતા સમુદ્ર આગળ લાવ્યો. મિસરીઓ પોતાના રથોને અને ઘોડેસવારોને લઈને તમાંરા પિતૃઓને પીછો પકડતા પકડતા રાતા સમુદ્ર આગળ આવ્યા.
7 પણ તમાંરા પૂર્વજોએ માંરી મદદ માંટે રૂદન કર્યુ-યહોવા અને મેં મિસરીઓની વચ્ચે અંધકારનો પડદો નાખી દીધો. અને તેમના ઉપર સમુદ્રને રેલાવી તેમને ડુબાવી દીધા. મેં મિસરના શા હાલ કર્યા, તે તમે નજરો નજર નિહાળ્યું છે,
“ ‘ત્યારબાદ ઘણાં વર્ષો સુધી ઇસ્રાએલી લોકો રણમાં રહ્યાં.
8 પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.
9 “ ‘ત્યારબાદ મોઆબના રાજા સિપ્પોરનો પુત્ર બાલાક ઇસ્રાએલીઓ સામે રણમાં ઊતર્યો, તેણે તમને શાપ આપવા માંટે બયોરના પુત્ર બલામને તેડાવ્યો.
10 પણ મેં બલામનું સાંભળ્યુ નહિ તેથી તેણે તમને બધાને આશીર્વાદીત કર્યા, આમ મેં તમને બલામની તાકાતમાંથી બચાવી લીધા.
11 “ ‘પછી તમે યર્દન નદી પાર કરીને યરીખોમાં આવ્યા. યરીખોના માંણસોએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ અને એવા બીજા ઘણાં એટલે કે પરિઝઝીઓ, અમોરીઓ, કનાનીઓ, હિત્તીઓ, ગિર્ગાશીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ તમાંરી સામે યુદ્ધે ચડયા, પણ મેં તમાંરા હાથમાં સોંપી દીધા.
12 અને મે તમાંરી આગળ હોર્નેટ મોકલ્યાં તેથી હોર્નેટ બે અમોરી રાજાઓ અને તેમનાં લોકોને હાંકી કાઢયાં. આ વિજય તમાંરી તરવાર અથવા ધનુષ અને તીરથી નહોતો મેળવ્યો.
13 “ ‘જે જમીન તમે ખેડી નહોતી અને જે નગરો તમે કદી બાંધ્યાં નહોતાં તે મેં તમને સોંપી દીધાં, તમે આ શહેરોમાં સ્થાયી થયાં અને હવે તમે દ્રાક્ષની અને જૈતૂનની દ્રાક્ષાવાડીઓ ધરાવો છો. જે તમે બધાંએ વાવ્યું નહોતું પણ ફળ મેળવી રહ્યાં છો.’ ”
14 “તેથી હવે તમે બધાં યહોવાનો ડર રાખો અને નિષ્ઠા તથા સચ્ચાઈપૂર્વક તેની સેવા કરો. જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાતનદીને બીજે કાંઠે અને મિસરમાં પૂજતા હતા તેને સદાને માંટે દૂર ફેંકી દો અને યહોવાને આરાધો.”
15 યહોશુઆએ લોકોને કહ્યું, “પરંતુ જો તમને યહોવાની સેવા કરવાનું પસંદ ના હોય તો તમાંરે કોની પૂજા કરવી છે તેનો આજે જ નિર્ણય કરી લો: જે દેવોને તમાંરા પિતૃઓ ફ્રાત નદીને કાંઠે પૂજતા હતા તેની કે જેમના પ્રદેશમાં તમે વસો છો તે અમોરીઓના દેવોની? પણ હું અને માંરું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.”
16 લોકોએ પ્રત્યુત્તર વાળ્યો, “અમે પણ યહોવાને કદીય તજીશું નહિ અને અન્ય દેવોની ભક્તિ પણ કરીશુ નહિ.
17 કારણ, અમને અને અમાંરા પિતૃઓને ગુલામીના દેશ મિસરમાંથી બહાર લાવનાર અમાંરા દેવ યહોવા જ હતા. અને તેણે જ અમાંરી સમક્ષ તે મહાન ચમત્કારો કરી બતાવ્યા હતા અને અમે જે માંર્ગે થઈને અને જે જે લોકો વચ્ચે થઈને, જ્યારે અમે તેમની ભૂમિઓમાંથી પસાર થયાં તેમાં અમાંરું રક્ષણ કર્યુ હતું.
18 તેમણે જ અમોરીઓને અને આ દેશમાં રહેતા બીજા બધા લોકોને અમાંરા માંર્ગમાંથી હાંકી કાઢયા હતા. એટલે અમે પણ યહોવાની જ સેવા કરીશું. કારણ તે અમાંરા દેવ છે.”
19 પરંતુ યહોશુઆએ લોકોને જણાવ્યું, “તમાંરાથી યહોવાની સેવા થઈ શકે નહિ, કારણ, એ પવિત્ર દેવ છે. એકનિષ્ઠા માંગનાર દેવ છે. અને એ તમાંરાં ઉલ્લંઘનો કે પાપો માંફ નહિ કરે.
20 જો તમે યહોવાને છોડીને બીજા દેવોને ભજશો તો તે તમાંરી સામે થઈ જશે અને તમાંરા ઉપર વિપત્તી લાવશે, ભૂતકાળમાં તેણે તમાંરું સારું કર્યુ છે, પણ જો તમે તેની વિરુદ્ધ જશો તો, તે તમાંરા બધાનો નાશ કરશે.”
21 ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે તો યહોવાની સેવા કરશું.”
22 યહોશુઆ બોલ્યો, “તમે બધા યહોવા દેવને પૂજો અને તેની નીચે રહેવા પસંદ કર્યું છે, અને તેને પૂજવા માંગો છો, અને તમે બધા તમે જે કહ્યું તેના સાક્ષી છો.”
પછી લોકોએ જવાબ વાળ્યો, “અમે સાક્ષી છીએ.”
23 યહોશુઆ બોલ્યા, “તો આ ક્ષણે જ તમાંરામાં જે બીજા દેવો છે, તેનો ત્યાગ કરો અને ઇસ્રાએલના દેવ યહોવાના તરફ તમાંરાં હૃદય વાળો અને એમની આજ્ઞાઓને આધીન થાઓ.”
24 લોકોએ યહોશુઆને કહ્યું, “અમે અમાંરા દેવ યહોવાની જ સેવા કરીશું અને તેની જ આજ્ઞાનું પાલન કરીશું.”
25 આથી યહોશુઆએ તે જ દિવસે લોકો સાથે કરાર કર્યો અને તેણે તેઓને શખેમમાં કાનૂનો અને નિયમો આપ્યાં.
26 અને પછી તે બધું યહોવાના નિયમો પુસ્તકમાં યહોશુઆએ લખ્યું. અને યહોશુઆએ લોકો પાસે કરાર કરાવ્યા પછી તેણે એક મોટો પથ્થર લઈ અને ત્યાં યહોવાના પવિત્ર મંડપ પાસે મોટા એલોન ઝાડ નીચે તેને રાખ્યો.
27 પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”
28 ત્યારબાદ યહોશુઆએ લોકોને પોતપોતાને મળેલી ભૂમિમાં પ્રદેશમાં મોકલી દીધા.
યહોશુઆનું મૃત્યુ
29 એ બધી ઘટના ઓ બન્યા પછી, યહોવાનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ મૃત્યુ પામ્યો. તે 110 વર્ષનો હતો.
30 તેને ગાઆશ પર્વતના ઉત્તરે, એફ્રાઈમના પર્વતીય દેશમાં આવેલી તિમ્નાથ-સેરાહમાં દફનાવવામાં આવ્યો. તેને પોતાની ભૂમિમાં દફનાવ્યો.
31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી, અને ઇસ્રાએલને માંટે યહોવાએ શું શું કર્યું છે તે બધું જેઓ જાણતા હતાં તેવા તેના પછી રહેલા આ ઇસ્રાએલી વડીલો, જીવ્યા ત્યાં સુધી યહોવાની સેવા કરતાં રહ્યાં.
યૂસફની દફ્નવિધી
32 મિસર છોડયું ત્યારે ઇસ્રાએલી લોકોએ યૂસફનાં અસ્થિ સાથે લીધાં હતા. તેમણે યૂસફના અસ્થિને શેખેમમાં દફનાવ્યાં. જે ભૂમિ યાકૂબ દ્વારા હામોર કે જે શેખેમનો પિતા હતો તેની પાસેથી 100 ચાંદીના ટૂકડાની બદલીમાં ખરીદવામાં આવી હતી. અને તે જમીન યૂસફના કુટુંબને ભાગ તરીકે આપવામાં આવી હતી.
33 હારુનનો પુત્ર એલઆજાર મરણ પામ્યો ત્યારે તેને એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં તેના પુત્ર ફીનહાસને આપવામાં આવેલા ગિબયાહ નગરમાં દફનાવવામાં આવ્યો.