19
પ્રબોધક યશાયાની યહૂદા માટે મધ્યસ્થી
1 હિઝિક્યા રાજાએ તેઓની પાસેથી સંદેશો સાંભળ્યો ત્યારે તરત જ તેણે પોતાનાં વસ્ત્રો ફાડયાં. ત્યાર પછી તેણે શણનાં વસ્ત્રો પહેર્યાં પછી તે યહોવાના મંદિરમાં પ્રાર્થના કરવા ગયો.
2 તેણે મહેલના કારભારી એલ્યાકીમને, મંત્રી શેબ્નાને તથા વડીલ યાજકોમાંના કેટલાકને જે બધાએ શણનાં વસ્ત્રો પહેર્યા હતા, તેમને આમોસના પુત્ર યશાયા પ્રબોધક પાસે સંદેશો આપવા મોકલ્યા.
3 તેમણે જઈને કહ્યું, હિઝિક્યાએ આ પ્રમાણે કહેવડાવ્યું છે: “આજે અમારા માટે દુ:ખનો દિવસ છે, સજાનો અને નામોશીનો દિવસ છે; કેમ કે બાળક જન્મવા તૈયાર છે, પણ તેને જન્મ આપવાની શકિત માતા પાસે નથી, એવી અમારી દશા છે.
4 આશ્શૂરના રાજાએ પોતાના સેનાપતિઓને અમારા યહોવાની મશ્કરી કરવા મોકલ્યા છે. તમારા દેવ યહોવા તેના શબ્દો સાંભળો અને તેને સજા કરે, તેથી હવે બાકી રહેલાઓ માટે પ્રાર્થના કરો.”
5 રાજા હિઝિક્યાના મંત્રીઓએ યશાયા પાસે આવીને રાજાનો સંદેશો જણાવ્યો.
6 યશાયાએ જવાબ આપ્યો કે, “જાવ અને તમારાં રાજાને કહો, યહોવા કહે છે કે, ‘આશ્શૂરના રાજાના સેવકો એ મારા વિષે ખોટી વાતો કરી હતી તેનાથી તમે ગભરાશો નહિ.
7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે એક અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; પછી હું તેને તેના પોતાના દેશમાં તરવારથી મારી નાખીશ.’ ”
હિઝિક્યાને ચેતવતો આશ્શૂરનો રાજા
8 આશ્શૂરનો વડો અમલદાર પાછો ફર્યો, ત્યારે તેને સમાચાર મળ્યા કે, રાજા લાખીશ તેને છોડી જઈ લિબ્નાહ સામે લડી રહ્યો છે એટલે તે તેને ત્યાં જઈને મળ્યો.
9 આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે, “કૂશનો રાજા તિર્હાકાહ તેના પર ચઢાઈ કરવા આવે છે.”
એટલે તેણે ફરી યહૂદાના રાજા હિઝિક્યાને પત્ર મોકલી કહેવડાવ્યું કે,
10 “તું, યહૂદાના રાજા હિઝિક્યાને જરુર કહેજે કે,
‘તું જેના પર વિશ્વાસ રાખીને બેઠો છે તે તારો યહોવા દેવ તને એમ કહીને છેતરે નહિ કે,યરૂશાલેમ આશ્શૂરના રાજાના તાબામાં જવાનું નથી.
11 તું તો સારી રીતે જાણે છે કે આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા ત્યાં તેઓએ શું કર્યુ છે. તેઓએ સર્વનાશ કર્યો છે, તો પછી એ તને કયાંથી છોડવાનો છે?
12 પ્રજાઓના દેવો, જેનો મારા પૂર્વજોએ વિનાશ કર્યો હતો તેમને બચાવી શક્યા? તેમાં ગોઝાન, હારાન, રેસેફ અને તલાસ્સારમાં રહેતા એદેનના લોકોનો સમાવેશ થાય છે?
13 હમાથના રાજાની, આર્પાદના રાજાની, સફાર્વાઇમના રાજાની તથા હેનાના અને ઇવ્વાહના રાજાની કેવી દશા થઈ?’ ”
યહોવાને પ્રાર્થના કરતો હિઝિક્યા
14 હિઝિક્યાએ સંદેશવાહકો પાસેથી પત્ર લીધો, પછી તે યહોવાના મંદિરમાં ગયો અને યહોવાની સમક્ષ એ પત્ર ખુલ્લો કરીને વાંચ્યો.
15 પછી હિઝિક્યાએ યહોવા આગળ પ્રાર્થના કરી કે, હે ઇસ્રાએલના દેવ યહોવા, “જેમનું આસન કરૂબના દેવદૂતો પર છે, પૃથ્વી પરનાં સર્વ લોકોના દેવ તમે એકલા જ છો, તમે આકાશ અને પૃથ્વીના સર્જનહાર છો.
16 હે યહોવા, તમે કાન દઈને સાંભળો, તમારી આંખો ઉઘાડો અને જુઓ, અને ધ્યાનથી સાંભળો કે કેવી રીતે સાન્હેરીબ હાજરાહજુર દેવની મશ્કરી કરે છે.
17 હવે યહોવા, ખરેખર આશ્શૂરના રાજાઓએ પ્રજાઓનો તથા તેમના દેશોનો નાશ કર્યો છે.
18 અને તેમના દેવોને અગ્નિમાં પધરાવી દીધા છે! પણ એ દેવો નહોતા, એ તો માણસોના હાથની બનાવેલી વસ્તુ, ફકત પથ્થર અને લાકડાં હતા, અને તેથી જ તેમણે તેમનો નાશ કર્યો હતો.
19 પણ હવે, ઓ અમારા દેવ યહોવા, અમને તેમના હાથમાંથી ઉગારો અને પૃથ્વીનાં બધાં રાજયોને ખબર પડવા દો કે, તમે જ એક માત્ર દેવ છો.”
20 પછી આમોસના પુત્ર યશાયાએ હિઝિક્યાને સંદેશો પહોંચાડયો કે, “ઇસ્રાએલના દેવ યહોવા આમ કહે છે કે: તેઁ આશ્શૂરના રાજા સાન્હેરીબ વિરૂદ્ધ મને પ્રાર્થના કરી હતી. મેં તારી પ્રાર્થના સંભળી છે.
21 “તેના વિષે યહોવા જે વચન બોલ્યા છે તે આ છે:
‘સિયોનની કુંવારી પુત્રી તને તુચ્છ ગણે છે,
તિરસ્કાર સહિત તારી હાંસી ઉડાવે છે;
યરૂશાલેમની પુત્રીએ તારા તરફ
પોતાનું ડોકું ધુણાવ્યું છે.
22 તમે કોની મજાક કરી છે?
કોની ટીકા કરી છે?
તેં કોની સામે અવાજ ઉઠાવ્યો છે, ને ઉદ્વતાઈભરી નજર કરી છે?
તે ઇસ્રાએલના પવિત્ર દેવ વિરુદ્ધ જ!
23 તારા નોકરો મારફતે તેં યહોવા વિષે ખરાબ વાતો કરી છે.
તેઁ કહ્યું છે કે, “મારા રથો વડે હું પર્વતોના શિખર પર, લબાનોનના દૂરતમ ખૂણાઓમાં ચઢયો છું,
તેનાં સૌથી ઊંચા એરેજવૃક્ષોને તથા તેનાં ઉત્તમ દેવદારનાં વૃક્ષોને મેં કાપ્યા;
હું જંગલના સૌથી ગીચ પ્રદેશોમાં પ્રવેશ્યો.
24 મેં જીતેલાં પ્રદેશોમાં કૂવા ખોદીને પરભોમનાં પાણી પીધાં છે,
અને મારા પગનાં તળિયાથી
મેં મિસરની બધી નદીઓ સૂકવી નાખી છે.”
25 તેં સાંભળ્યું નથી પણ મેં વિચારી જ રાખ્યું હતું.
પ્રાચીન કાળથી મેં એની યોજના કરી હતી
અને અત્યારે મેં એ પરિપૂર્ણ કરી છે.
મેં તને કિલ્લેબંધ શહેરોને ખંડેરોમાં બદલવા દીધા હતાં.
26 તેથી ત્યાંના રહેવાસીઓ શકિતહીન,
ભયભીત અને હાંફળાં-ફાંફળાં બની ગયા હતા,
અને વગડાના છોડ જેવા,
કુમળાં ઘાસ જેવા,
ધાબા પર ઊગી નીકળેલાં,
ને લૂથી બળી ગયેલા ઘાસ જેવા બની ગયા હતા.
27 તારું નીચે બેસવું,
તારું બહાર જવું,
તારું અંદર આવવું
તથા મારા પર તારું
કોપાયમાન થવું એ સર્વ હું જાણું છું.
28 મારા પર ક્રોધ કરવાને લીધે હું
તારા નાકમાં કડી પહેરાવવાનો છું
અને તારા મોંમા લગામ નાખવાનો છું
અને જે રસ્તે તું આવ્યો એ જ રસ્તે હું
તને પાછો વાળી દેવાનો છું.’ ”
હિઝિક્યાને યહોવાનો સંદેશ
29 પછી યહોવાએ હિઝિક્યાને કહ્યું, “આ તારા માટે આ ચિન્હ છે. આ વરસે તમે આપમેળે ઊગી નીકળેલા દાણા ખાશો, અને બીજે વરસે એના દાણાંમાંથી પાકેલું અનાજ ખાશો, અને ત્રીજે વર્ષે તમે વાવજો અને લણજો, દ્રાક્ષની વાડીઓ કરજો અને તેનાં ફળ ખાજો.
30 યહૂદાના વંશના રહ્યાસહ્યા માણસો, જેનાં મૂળ ઊંડાં ગયાં છે એવા છોડની જેમ ફૂલશે-ફાલશે;
31 કારણ કે યરૂશાલેમમાં અને સિયોન પર્વત પર કેટલાક માણસો બચી જવા પામશે, યહોવાની આસ્થાના પ્રતાપે આ બધું સિદ્ધ થશે.
32 “એટલે આશ્શૂરના રાજાના સંબંધમાં યહોવાની વાણી આ પ્રમાણે છે,
‘તે આ શહેરમાં પ્રવેશ નહિ કરે;
તેમ તે એની સામે બાણ પણ નહિ વીંધે,
ઢાલ લઈને એની સામે નહિ આવે,
તેમ એની સામે મોરચો નહિ બાંધશો ઘેરો ઘાલવાનો ઢોળાવ પણ નહિ બાંધો.
33 તે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો જશે.
આ શહેરમાં તે પ્રવેશ નહિ કરે.
આ હું યહોવા બોલું છું.
34 મારે પોતાને માટે તેમજ મારા સેવક દાઉદને માટે હું
આ નગરનું રક્ષણ કરીશ અને તેને ઉગારી લઈશ.’ ”
આશ્શૂરી સેનાનો વિનાશ
35 એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
36 તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ પાછો ઘરે જતો રહ્યો. તે નિનવેહમાં રહ્યો.
37 એક દિવસ તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના પુત્રો આદામ્મેલેખે અને શારએસેરે તેને તરવારથી મારી નાખી “અરારાટ” દેશમાં ભાગી ગયા. તેનો પુત્ર એસાર-હાદોન તેના પછી ગાદીએ આવ્યો અને રાજ કર્યું.