22
યોશિયાનું યહૂદા પર શાસન
1 જ્યારે યહૂદાનો નવો રાજા યોશિયા ગાદીએ આવ્યો ત્યારે આઠ વર્ષનો હતો, તેણે યરૂશાલેમ પર એકત્તીસ વર્ષ રાજ કર્યું, તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની પુત્રી હતી.
2 તેનું શાસન સારું હતું. તે તેના પિતૃ દાઉદને પગલે ચાલ્યો અને સંપૂર્ણ રીતે યહોવાને આધીન રહ્યો.
મંદિરના જીણોર્દ્ધારનો આદેશ આપતો યોશિયા
3 પોતાના રાજયના 18મેં વષેર્ તેણે મશુલ્લામના પુત્ર અસાલ્યાના પુત્ર શાફાનને બોલાવ્યો અને તેમને યહોવાના મંદિરમાં આ સંદેશો આપીને મોકલ્યો:
4 “મુખ્ય યાજક હિલ્કિયા પાસે જા અને કહે કે, તે પૈસા સાથે તૈયાર રહે જે પૈસા લોકોએ યહોવાને અર્પણ કર્યા હતા અને દરવાનોએ એકઠા કર્યા હતાં.
5 અને પછી યહોવાના મંદિરમાં ચાલતા કામના વ્યવસ્થાપકોને સોંપતા.
6 તેઓએ તે પૈસા મંદિરના સમારકામમાં રોકાયેલા સુથારો, મિસ્રીઓ અને કડિયાઓને પગાર ચૂકવવામાં અને મંદિરના સમારકામ માટે લાકડું અને વહેરેલા પથ્થર ખરીદવામાં આપ્યા.
7 તેમને સોંપેલાં નાણાંનો તેઓ હિસાબ માગવાના નથી. કારણ, તેઓ પ્રામાણિક છે.”
નિયમશાસ્ત્રના પુસ્તકની મંદિરમાં પ્રાપ્તિ
8 મુખ્યયાજક હિલ્કિયાએ સચિવ શાફાનને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પોથી શાફાનને આપી અને તેણે તે વાંચી જોઈ.
9 પછી સચિવ શાફાને રાજા પાસે જઈને જણાવ્યું કે, “આપના સેવકોને મંદિરમાંથી ચાંદી મળી અને તે તેમણે મંદિરનું સમારકામ કરતાં માણસોને આપી દીધી.”
10 પછી તેણે ખબર આપી કે, “યાજક હિલ્કિયાએ મને એક પોથી આપી છે.” અને તેણે રાજાને તે પોથી મોટેથી વાંચી સંભળાવી.
11 એ જે ક્ષણે રાજાએ ટીપણાંમાં શું લખેલું છે સાભળ્યું, રાજા ખૂબ વ્યથિત બની ગયો અને તેણે પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં.
12 તેણે હિલ્કિયા યાજકને, શાફાનને, પોતાના મદદનીશ અસાયાને, શાફાનના પુત્ર અહીકામને તથા મીખામાહના પુત્ર આખ્બોરને આજ્ઞા કરી.
13 “જાઓ અને મારા અને લોકોના વતી આ જે પોથી મળી આવી છે તેમાંનાં વચનો વિષે યહોવાને પ્રશ્ર્ન કરો. આપણા પર યહોવા ખૂબ રોષે ભરાયા છે અને તેઓ આપણને સજા કરશે, કારણકે આપણા પૂર્વજોએ આ પોથીમાં જે કંઈ કરવાનું લખવામાં આવ્યું છે તેનું પાલન કર્યુ નહોતું. તેમાં જે આપણે કરવું જોઇએ તેમ કહ્યું છે, તે આપણે નહોતું કર્યું.”
પ્રબોધિકાઓ હુલ્દાહ અને યોશીયા
14 યાજક હિલ્કિયા, અહીકામ, આખ્બોર, શાફાન અને અસાયાલ પ્રબોધિકા હુલ્દાહની સલાહ લેવા ગયા, તેણી તિકવાહનો પુત્ર અને હાહાર્સનો પૌત્ર, શાલ્લુમની પત્ની હતી. શાલ્લુમ મંદિરના વસ્રભંડારનો ઉપરી હતો, તેની પત્ની હુલ્દાહ યરૂશાલેમ નગરમાં બીજા વિસ્તારમાં રહેતી, તેણી એક પ્રબોધિકા હતી.
15 આ પ્રબોધિકાએ ઇસ્રાએલના યહોવા દેવ તરફથી તેઓને સંદેશો આપ્યો, “તમને મારી પાસે મોકલનાર માણસને કહેજો,
16 ‘યહોવા આમ કહે છે, જુઓ હું આ નગર અને તેના લોકો પર મુશ્કેલીઓ લાવવાનો છું. હા, યહૂદાના રાજાએ પુસ્તકમાં વાંચ્યા પ્રમાણે.
17 કારણ એ લોકોએ મને છોડી દઈને બીજા દેવોને ધૂપ અર્પણ કરવાનું શરૂ કર્યુ છે. આ બધાં કુકમોર્થી તેમણે મને ગુસ્સે કર્યો છે; મારો રોષ આ ભૂમિ પર ભભૂકી ઊઠશે અને તે શાંત પડવાનો નથી.’
18 “અને જે વ્યકિતએ તમને યહોવાને પ્રશ્ર્ન કરવા મોકલ્યો છે તે યહૂદાના રાજાને તમે જઇને કહો, ‘ઇસ્રાએલના દેવ યહોવા તમે સાંભળેલી વાતો વિષે આમ કહે છે.
19 જ્યારે તમે ખૂબ દિલગીર થયા અને મારા પગે પડ્યા, જ્યારે તમે જાણ્યું કે આ નગર અને તેના લોકો શ્રાપિત થશે અને નિર્જન થઇ જશે, ત્યારે તમે તમારા વસ્રો ફાડી નાખ્યાં અને પશ્ચાતાપથી મારી પાસે રડ્યાં, તેથી હું પણ તમને સાંભળીશ.’ અને એટલે હું આ જગ્યા પર જે આફતો ઉતારનાર છું તે તારે નજરે જોવી નહિ પડે.
20 ‘તે પહેલાં તું તારા પિતૃઓ ભેગો થઈ જશે, અને શાંતિથી તું કબરમાં પહોંચી જશે.’ ”
તેઓ આ ઉત્તર લઈને રાજા પાસે ગયા.