4
ઈસુનું શેતાન દ્ધારા પરીક્ષણ
(માથ્થી 4:1-11; માર્ક 1:12-13)
1 પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈસુ યર્દન નદીથી પાછો ફર્યો. પવિત્ર આત્મા તેને અરણ્યમાં દોરી ગયો.
2 ત્યાં શેતાને 40 દિવસ સુધી તેનું પરીક્ષણ કર્યુ. તે સમય દરમ્યાન ઈસુએ કંઈ પણ ખાધું નહિ. દિવસો પૂરા થયા પછી ઈસુને ખૂબ ભૂખ લાગી.
3 શેતાને ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને રોટલી બની જવા કહે.”
4 ઈસુએ કહ્યું, “ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે:
‘માણસને જીવવા માટે ફક્ત રોટલીની જરૂર નથી.’ ” પુનર્નિયમ 8:3
5 પછી ઈસુને શેતાન એક ઊંચી જગ્યા પર લઈ ગયો અને એક જ પળમાં તેને જગતનાં બધાજ રાજ્યોનું દર્શન કરાવ્યું.
6 શેતાને ઈસુને કહ્યું, “હું તને આ બધા રાજ્યોનો અધિકાર અને મહિમા આપીશ. આ સર્વસ્વ મારું છે. તેથી હું જેને આપવા ઈચ્છું તેને આપી શકું છું.
7 જો તું ફક્ત મારું જ ભજન કરીશ તો એ સર્વસ્વ તારું થઈ જશે.”
8 ઈસુએ ઉત્તર આપ્યો, “શાસ્ત્રોમાં લખ્યું છે તે પ્રમાણે:
‘તારે તારા દેવ પ્રભુનું ભજન કરવું જોઈએ.
તારે એકલા તેની જ સેવા કરવી!’ ” પુનર્નિયમ 6:13
9 પછી શેતાન ઈસુને યરૂશાલેમ લઈ ગયો. અને મંદિરની ઊંચી ટોચ પર લઈ ગયો અને તેણે ઈસુને કહ્યું, “જો તું દેવનો દીકરો હોય, તો અહીંથી હેઠળ પડ!
10 શાસ્ત્રોમાં લખ્યા મુજબ:
‘દેવ તારું રક્ષણ કરવા માટે એના દૂતોને આજ્ઞા કરશે’ ગીતશાસ્ત્ર 91:11
11 અને એમ પણ લખ્યું છે કે:
‘તેઓ તને પોતાના હાથોમાં એવી રીતે
ઊંચકી લેશે કે જેથી તારો પગ ખડક પર અથડાશે નહિ.’ ” ગીતશાસ્ત્ર 91:12
12 ઈસુએ ઉત્તર આપ્યો: “એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે:
‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.’ ” પુનર્નિયમ 6:16
13 શેતાને અનેક પ્રલોભનોથી દરેક રીતે ઈસુનું પરીક્ષણ કર્યા પછી યોગ્ય સમય આવે ત્યાં સુધી ઈસુને એકલો મૂકીને ત્યાંથી વિદાય લીધી.
ઈસુનો લોકોને ઉપદેશ
(માથ્થી 4:12-17; માર્ક 1:12-13)
14 પછી પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ ગાલીલ પાછો ફર્યો. ગાલીલની આજુબાજુના પ્રદેશમાં ઈસુની વાતો પ્રસરતી ગઇ.
15 તેણે સભાસ્થાનોમાં ઉપદેશ આપવાનો આરંભ કર્યો. બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા.
નાસરેથમાં ઈસુનો અસ્વીકાર
(માથ્થી 13:53-58; માર્ક 6:1-6)
16 ઈસુ ઉછરીને જ્યાં મોટો થયો હતો તે નાસરેથ શહેરમાં આવ્યો. પોતાની રીત પ્રમાણે તે વિશ્રામવારે સભાસ્થાનમાં ગયો અને વાંચવા ઊભો થયો.
17 તેને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચવા માટે આપવામાં આવ્યું. તેણે પુસ્તક ઉઘાડ્યું અને આ ભાગ તેને મળ્યો જ્યાં આ લખ્યું હતું:
18 “પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે.
પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા,
કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા,
આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે
તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
19 તથા તેની દયા બતાવવાનો પ્રભુનો સમય જાહેર કરવા મને મોકલ્યો છે.” યશાયા 61:1-2; 58:6
20 ત્યારબાદ પુસ્તક બંધ કરી, સેવકને પાછુ સોંપીને ઈસુ બેસી ગયો. સભાસ્થાનમાં બધાની નજર ઈસુ તરફ ઠરી રહી હતી.
21 ઈસુએ તેમની સમક્ષ બોલવાનો આરંભ કર્યો, તેણે કહ્યું, “તમારા સાંભળવામાં આવ્યું છે, તે પ્રમાણે આ ધર્મલેખ આજે સત્ય થયો છે!”
22 આ સાંભળીને બધાજ લોકો ઈસુની પ્રશંસા કરવા લાગ્યા, ઈસુની કૃપાથી ભરપૂર એવા શબ્દો સાંભળીને તેઓ અજાયબી પામ્યા. તે લોકોએ પૂછયું, “તે આવું કેવી રીતે બોલી શકે? એ તો માત્ર યૂસફનો દીકરો છે, કેમ ખરુંને?”
23 ઈસુએ તેઓને કહ્યું, “હું જાણું છું કે તમે મને આ જુની વાત જરુંરથી કહેશો: ‘વૈદ તું પોતે તારી સારવાર કર.’ તમે કહેશો કે ‘અમે સાંભળ્યું છે કે જે ચમત્કારો કફર-નહૂમમાં કર્યા છે તે તારા પોતાના વતનમાં શા માટે બતાવતો નથી!’ ”
24 પછી અસુએ કહ્યું, “હું તમને સત્ય કહું છું કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારતો નથી.
25-26 “હું જે કહું છું તે સાચું છે. એલિયાના સાડા ત્રણ વર્ષના સમયમાં ઈસ્ત્રાએલમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. સમગ્ર દેશમાં દુકાળ હતો. ખાવાને અનાજ ક્યાંય મળતું ન હતું. ઈસ્ત્રાએલમાં તે સમયે ઘણી વિધવાઓને સહાયની આવશ્યકતા હતી. પરંતુ એલિયાને એ બધામાંથી કોઈની પણ પાસે મોકલવામાં આવ્યો નહોતો. પરંતુ સિદોનના સારફતની એક વિદેશી વિધવાને સહાય કરવા માટે તેને મોકલવામાં આવ્યો હતો.
27 “અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”
28 આ વાત સાંભળીને સભાસ્થાનમાંના શ્રોતાજનો ગુસ્સે થઈ ગયા.
29 તે બધા ઊભા થઈ ગયા અને ઈસુને ગામની બહાર હાંકી કાઢ્યો. તેઓનું શહેર પહાડ ઉપર બાંધ્યું હતું, તેની ટોચ પર તેને લઈ ગયા, જેથી તેને ઘક્કો મારીને નીચે ખીણમાં હડસેલીને ગબડાવી શકાય.
30 છતાં ઈસુ તો ટોળાની વચમાં થઈને નીકળ્યો અને ચાલ્યો ગયો.
ભૂત વળગેલા માણસને ઈસુ સાજો કરે છે
(માથ્થી 1:21-28)
31 ત્યારબાદ ઈસુ ગાલીલના એક કફર-નહૂમ શહેરમાં ગયો. અને વિશ્રામવારે લોકોને ઉપદેશ આપ્યો.
32 તેઓ ઈસુના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા કેમ કે તેનું બોલવું અધિકારયુક્ત હતું.
33 ત્યા સભાસ્થાનમાં એક માણસ હતો. તેને અશુધ્ધ આત્મા વળગેલો હતો. તેણે મોટા અવાજે બૂમો પાડી.
34 “ઓ ઈસુ નાઝારી! તારે અમારી પાસેથી શું જોઈએ છે? શું તું અમારો સર્વનાશ કરવા અહીં આવ્યો છે? હું જાણું છું તું કોણ છે? તું દેવનો પવિત્ર છે.”
35 પરંતુ ઈસુએ તેને ચેતવણી આપી અને કહ્યું, “છાનો રહે! આ માણસમાંથી બહાર નીકળ.” પરંતુ અશુદ્ધ આત્માએ તે માણસને લોકોની હાજરીમાં જ તેને નીચે ફેંકી દીધો. તેને કોઈ પણ જાતની ઇજા કર્યા વિના તે તેનામાંથી બહાર નીકળી ગયો.
36 આશ્ચર્યચકિત પામેલા લોકો એકબીજાને કહેવા લાગ્યા: “આનો અર્થ શું? આ માણસના શબ્દોમાં આ તે કેવો અધિકાર! અને તાકાત છે? કે અશુદ્ધ આત્માઓ પણ તેને આધીન થઈને બહાર નીકળી જાય છે.”
37 બધાજ આજુબાજુના પ્રદેશમાં ઈસુ વિષેના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા.
પિતરની સાસુને ઈસુ સાજી કરે છે
(માથ્થી 8:14-17; માર્ક 1:29-34)
38 પછી તે દિવસે ઈસુ સભાસ્થાનમાંથી સીધો સિમોનના ઘરે ગયો. ત્યાં સિમોનની સાસુ બિમાર હતી. તેને સખત તાવ હતો. તેથી તેઓએ તેને મદદરુંપ થવા ઈસુને વિનંતી કરી.
39 ઈસુ તેની તદ્દન નજીક ઊભો રહ્યો, તાવને ધમકાવ્યો અને તેને છોડી જવા આજ્ઞા કરી. તેનો તાવ ઊતરી ગયો. પછી તે તરત જ ઊઠી અને ઊભી થઈને તેની સેવા કરવા લાગી.
ઈસુ ઘણા લોકોને સાજા કરે છે
40 સંધ્યાકાળે ઘણા લોકો તેઓના માંદા મિત્રોને લઈને ઈસુ પાસે આવ્યા. તે બધા વિવિધ પ્રકારના રોગીઓ હતા. ઈસુએ દરેક માંદા માણસના માથે હાથ મૂક્યો અને તે સર્વને સાજા કર્યા.
41 ઈસુની આજ્ઞાથી ઘણા લોકોમાંથી ભૂતો નીકાળ્યાં. તેઓ ઘાંટો પાડીને કહેતાં હતા કે, “તું દેવનો દીકરો છે.” પરંતુ ઈસુએ તે બધાને ખૂબ ધમકાવ્યા અને તેમને બોલવા દીધા નહિ. તેઓને ખબર હતી કે ઈસુ એ ખ્રિસ્ત છે.
અન્ય શહેરોમાં ઈસુનું પ્રયાણ
(માર્ક 1:35-39)
42 બીજે દિવસે વહેલી સવારે ઈસુ અરણ્યમાં એકાંત માટે ચાલ્યો ગયો. લોકો તેને શોધતાં શોધતાં ત્યાં પણ આવી પહોંચ્યા. અને તેઓએ તેને છોડીને નહિ જવા ઘણું દબાણ કર્યુ.
43 પરંતુ ઈસુએ તેઓને કહ્યું, “દેવના રાજ્યની સુવાર્તા મારે અન્ય શહેરોમાં પણ પહોંચાડવી જોઈએ. અને તે માટે જ મને મોકલવામા આવ્યો છે.”
44 આમ ઈસુ યહૂદિયાના સભાસ્થાનોમાં ઉપદેશ પ્રગટ કરતો ફર્યો.