12
પ્રસૂતિ પછી શુદ્ધિકરણ-સૂતકના નિયમો
પછી યહોવાએ મૂસાને જણાવ્યું, “તું ઇસ્રાએલી પ્રજાને આ નિયમો જણાવ:
“જયારે કોઈ સ્ત્રીગર્ભ ધારણ કરે અને પુત્રને જન્મ આપે ત્યારે ઋતુકાળની જેમ તે સાત દિવસ સુધી તે અશુદ્ધ ગણાય તેથી તેને સાત દિવસ સૂતકના મર્યાદાના બંધનો લાગુ પડે. તેના પુત્રની સુન્નત આઠમાં દિવસે અચૂક કરવી. ત્યારબાદ તે સ્ત્રીઓ બીજા તેત્રીસ દિવસ સુધી તેનું લોહી શુદ્ધ થાય ત્યાં સુધી તેણે કોઈ અન્ય પવિત્ર વસ્તુને સ્પર્શ કરવો નહિ તથા મુલાકાતમંડપમાં દાખલ થવું નહિ. વળી જો પુત્રી અવતરે તો તેના ઋતુકાળની જેમ તે ચૌદ દિવસ સુધી અશુદ્ધ ગણાય. તેથી ત્યાં સુધી ઋતુકાળની જેમ તેણે રહેવું. અને બીજા છાસઠ દિવસ સુધી તેણે તેનું લોહી શુદ્ધ થવાની રાહ જોવી.
“તે પછી જયારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરોથાય ત્યારે એક છોકરી અથવા છોકરાની નવી માંતાએ દહનાર્પણ માંટે એક વર્ષનું ઘેટાનું બચ્ચું અને પાપાર્થાર્પણ માંટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકને આપી દેવું. યાજક તેને યહોવા સમક્ષ ધરાવે અને તેના માંટે પ્રાયશ્ચિત કરે. એટલે તે તેના બાળકના જન્મ પછીના રકતસ્રાવની અશુદ્ધિમાંથી શુદ્ધ ગણાય. પ્રસૂતાને લગતો આ નિયમ ઉપર પ્રમાંણે છે. બાળકના જન્મ પછીની આ સર્વ વિધિ છે. પરંતુ જો સ્ત્રીની શક્તિ ઘેટાનું બચ્ચું લાવવાની ના હોય, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં પણ લાવી શકે, એક દહનાર્પણ માંટે અને બીજું પાપાર્થાર્પણને માંટે. યાજકે પ્રાયશ્ચિત માંટેની વિધિ કરવી તે પોતાના લોહીની નુકસાનથી શુદ્ધ થશે.”