16
ઈસુના મૃત્યુમાંથી સજીવન થયાના સમાચાર
(માથ્થી 28:1-8; લૂક 24:1-12; યોહાન 20:1-10)
1 વિશ્રામવારના વીતી ગયા પછીના બીજા દિવસે, મરિયમ મગ્દલાની, શલોમી, તથા યાકૂબની મા મરિયમે કટલાક સુગંધીદાર દ્રવ્યો તેને ચોળવા સારું વેચાતાં લીધા.
2 તે અઠવાડિયાના પ્રથમ દિવસે, વહેલી સવારમાં તે સ્ત્રીઓ કબર તરફ જતી હતી. સૂર્યોદય પહેલા તે ઘણા વહેલા હતા.
3 તે સ્ત્રીઓએ અકબીજાને કહ્યું, “ત્યાં એક મોટો પથ્થર હતો જે કબરના પ્રવેશદ્ધારને ઢાંકતો હતો. આપણા માટે તે પથ્થર કોણ ખસેડશે?”
4 પછી તે સ્ત્રીઓએ નજર કરી અને જોયું તો પથ્થર ખસેડેલો હતો. તે પથ્થર ઘણો મોટો હતો. પરંતુ તે પ્રવેશદ્ધાર પાસેથી દૂર ખસેડાઇ ગયો હતો.
5 સ્ત્રીઓ કબરમાં ગઈ. તેઓએ ત્યાં એક યુવાન માણસને સફેદ ઝભ્ભો પહેરેલો જોયો. તે માણસ કબરની જમણી બાજુએ બેઠેલો હતો. તે સ્ત્રીઓ ડરતી હતી.
6 પરંતુ તે માણસે કહ્યું, “ડરશો નહિ, તમે નાઝરેથના ઈસુને શોધો છો. જેને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો હતો. તે મૂએલામાંથી ઊઠ્યો છે! તે અહીં નથી; જુઓ, અહીં તે જગ્યા છે, તેઓએ તેને મૂક્યો હતો જ્યારે તે મરણ પામ્યો હતો.
7 હવે જાઓ, અને તેના શિષ્યોને કહો અને પિતરને પણ કહો કે તે (ઈસુ) તમને ત્યાં મળશે. શિષ્યોને કહો, ‘ઈસુ ગાલીલમાં જાય છે. તે તમારા પહેલા ત્યાં હશે. અગાઉ તેણે કહ્યાં પ્રમાણે તમે તેને ત્યાં જોશો.’ ”
8 તે સ્ત્રીઓ ઘણી ડરી ગઈ હતી અને મુંઝાઇ ગઈ હતી. તેઓ કબર છોડીને દૂર દોડી ગઈ. તે સ્ત્રીઓએ જે કઈ બન્યું હતું તે વિષે કોઈને પણ કઈજ કહ્યું નહિ કારણ કે તેઓ ગભરાતી હતી.
(કેટલીક જૂની ગ્રીક નકલોમાં માર્કનું પુસ્તક અહીં પૂરૂ થાય છે.)
કેટલાક શિષ્યો ઈસુને જુએ છે
(માથ્થી 28:9-10; યોહાન 20:11-18; લૂક 24:13-35)
9 ઈસુ અઠવાડિયાના પ્રથમ દિવસે મૂએલામાંથી ઊઠ્યો. ઈસુએ પોતાની જાતે પ્રથમ મરિયમ મગ્દાલાને દર્શન આપ્યા. એક વખત ભૂતકાળમાં ઈસુએ મરિયમમાંથી સાત અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા હતા.
10 મરિયમે ઈસુને જોયા પછી તેના શિષ્યોને જઇને તેણે કહ્યું, તેના શિષ્યો ઘણા દુ:ખી હતા. અને રૂદન કરતા હતા.
11 પણ મરિયમે તેઓને કહ્યું કે ઈસુ જીવતો છે. મરિયમે કહ્યું કે તેણે ઈસુને જોયો છે. પણ શિષ્યો તેનું માનતા નહોતા.
12 પાછળથી ઈસુએ પોતાના દર્શન આપ્યા. જ્યારે શિષ્યો પોતાના ખેતરમાં ચાલતા જતા હતા ત્યારે થોડા સમય પછી ઈસુએ પોતાની જાતે તે લોકોને દર્શન આપ્યા. પરંતુ ઈસુ મરણ પામતા પહેલા જેવો દેખાતો નહોતો.
13 આ શિષ્યો બીજા શિષ્યો પાસે પાછા ગયા અને જે બન્યું હતુ તે તેમને કહ્યું. ફરીથી શિષ્યોએ એમાનું કોઈનું પણ માન્યું નહિ.
ઈસુ પ્રેરિતો સાથે વાત કરે છે
(માથ્થી 28:16-20; લૂક 24:36-49; યોહાન 20:19-23 પ્રેરિતોનાં કૃત્યો 1:6-8)
14 પાછળથી ઈસુએ પોતાની જાતે અગિયાર શિષ્યો જ્યારે તેઓ ખાતા હતા, ત્યારે દર્શન દીધા. ઈસુએ શિષ્યોને ઠપકો આપ્યો, કારણ કે તેઓને ઓછો વિશ્વાસ હતો. તેઓ કઠણ હૃદયના હતા. અને જે લોકોએ ઈસુને મૂએલામાંથી સજીવન થયેલો જોયો તેઓનું માનવા તેઓ તૈયાર નહોતા.
15 ઈસુએ શિષ્યોને કહ્યું, “દુનિયામાં દરેક જગ્યાએ જાઓ, પ્રત્યેક વ્યક્તિને સુવાર્તા કહો.
16 જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે.
17 અને જે લોકો વિશ્વાસ કરે છે તેઓ સાબિતી તરીકે આવા પ્રકારના ચમત્કારો કરવા સમર્થ થશે. તેઓ લોકોમાંથી અશુદ્ધ આત્માઓને બહાર કાઢવા મારા નામનો ઉપયોગ કરશે. તેઓ કદી શીખ્યા નથી તેવી ભાષાઓમાં બોલશે.
18 ઈજા પામ્યા વગર તેઓ સર્પોને તેમના હાથમાં પકડશે. ઇજા વગર વિષપાન કરશે. તેઓ બિમાર લોકો પર હાથ મૂકશે અને બિમાર લોકો સાજા થશે.”
સ્વર્ગારોહણ
(લૂક 24:50-53; પ્રેરિતોનાં કૃત્યો 1:9-11)
19 પ્રભુ ઈસુએ શિષ્યોને આ વાતો કહ્યા પછી, તેને આકાશમાં લઈ લેવાયો. ત્યાં ઈસુ દેવની જમણી બાજુએ બેઠો.
20 તેના શિષ્યો જગતમાં દરેક જગ્યાએ ગયા અને લોકોને સુવાર્તા પ્રગટ કરી. અને પ્રભુએ તેઓને મદદ કરી. પ્રભુએ સિદ્ધ કર્યુ કે તેણે લોકોને આપેલ સુવાર્તા સાચી હતી. તેણે શિષ્યોને ચમત્કારો કરવાનું સામર્થ્ય આપીને આ સાબિત કર્યુ.