14
હેરોદે ઈસુના વિષે સાંભળ્યું
(માર્ક 6:14-29; લૂક 9:7-9)
1 આ સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદ, ઈસુ વિષે સાંભળ્યું.
2 ત્યારે તેણે પોતાના ચાકરોને કહ્યું, “આ માણસ (ઈસુ) તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૃત્યુમાંથી ઉઠયો છે. તેથી જ આ પરાક્રમી કામો કરવા તે સાર્મથ્યવાન છે.”
યોહાનની હત્યા
3 હેરોદે આ પહેલા યોહાનને કેદ કર્યો હતો અને તેને સાંકળો વડે બાંધી જેલમાં પૂરી દીધો હતો. હેરોદના ભાઈ ફિલિપની પત્ની હરોદિયાને લીધે યોહાનની ધરપકડ થઈ હતી.
4 હેરોદે યોહાનની ધરપકડ એટલા માટે કરી હતી કે તે તેને વારંવાર કહેતો કે, “હેરોદિયાની સાથે રહેવું તારા માટે ઉચિત નથી.”
5 તેથી હેરોદ તેને મારી નાંખવા માંગતો હતો પરંતુ તે લોકોથી ડરતો હતો. કારણ લોકો યોહાનને પ્રબોધક માનતા હતા.
6 પણ હેરોદના જન્મ દિવસે હેરોદિયાની દીકરીએ હેરોદ અને તેના મહેમાનોની સમક્ષ નૃત્ય કર્યુ. તેથી તે ખૂબ ખુશ થયો.
7 હેરોદે તેને વચન આપ્યું કે તારે જે જોઈએ તે માંગ હું તને આપીશ.
8 શું માંગવું તે હેરોદિયાએ તેની દીકરીને કહ્યું, તેથી તેણે હેરોદને કહ્યુ, “આ થાળીમાં યોહાન બાપ્તિસ્તનું માથું મને આપ.”
9 રાજા હેરોદ ખૂબજ દિલગીર થયો પણ તેના મહેમાનોની સમક્ષ તેણે તે દીકરીને વચન આપ્યું હતું, તેથી તેની માંગ પૂરી કરવા હુકમ કર્યો.
10 તેથી તેણે જેલમાં માણસોને યોહાનનો શિરચ્છેદ કરવા મોકલ્યા.
11 યોહાનનું માથું થાળીમાં મૂકીને છીકરીને આપ્યું. છોકરી તે માથું તેની મા પાસે લઈ ગઈ.
12 પછી યોહાનના શિષ્યો આવ્યા અને તેનું ધડ લીધુ અને દફનાવી દીધું. પછી તેઓએ જઈને ઈસુને આ બધી બાબત જણાવી.
ઈસુ 5,000થી વધુને જમાણે છે
(માર્ક 6:30-44; લૂક 9:10-17; યોહાન 6:1-14)
13 ઈસુએ જ્યારે યોહાન વિષે જાણ્યું ત્યારે તે હોડીમાં એકલો એકાંત સ્થળે ચાલ્યો ગયો. લોકોએ જ્યારે જાણ્યું કે ઈસુ ચાલ્યો ગયો છે, તો લોકસમુદાય પોતાના ગામ છોડી તેની પાછળ પાછળ ચાલતો ગયો.
14 ઈસુ જ્યારે હોડીમાંથી બહાર આવ્યો ત્યારે તેણે લોકોની ભીડ જોઈ, તેમના પર દયા વર્ષાવી, માંદા લોકોને સાજા કર્યા.
15 બપોર પછી તેના શિષ્યો તેની પાસે આવ્યા અને કહ્યુ, “આ સુમસાન જગ્યા છે. હવે ખૂબ મોડું થઈ ગયું છે તો લોકોને મોકલો કે જેથી તેઓ ગામડાઓમાં જાય અને તેમના માટે થોડું ખાવાનું ખરીદે.”
16 ઈસુએ કહ્યું, “તમારે દૂર જવાની જરૂર નથી. તમે તેઓને ખાવા માટે ખોરાક આપો.”
17 શિષ્યોએ કહ્યુ, “પણ આપણી પાસે ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.”
18 ઈસુએ કહ્યુ, “રોટલી અને માછલી મારી પાસે લાવો,”
19 પછી તેણે લોકોને ઘાસ પર બેસી જવા કહ્યું. ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી અને તેણે આકાશ તરફ જોયું, ખોરાક માટે દેવનો આભાર માન્યો, તેણે રોટલીના ટૂકડા કર્યા અને તેના શિષ્યોને તે આપ્યા. અને તેઓએ તે લોકોને આપ્યા.
20 બધા જ લોકોએ ખાધુ અને ખૂબજ સંતુષ્ટ થયા. ખોરાકના બાકીના બચેલા ટૂકડાઓ શિષ્યોએ બાર ટોપલીઓમાં ભર્યા.
21 જેઓએ ત્યાં ખાધું તેમા સ્ત્રીઓ અને બાળકોને ગણતરીમાં લીધા સિવાય 5,000 પુરુંષો હતા.
ઈસુ સરોવરના પાણી પર ચાલ્યા
(માર્ક 6:45-52; યોહાન 6:16-21)
22 પછી ઈસુએ તેના શિષ્યોને હોડીમાં જવાનું કહ્યુ અને કહ્યું, “તમે સરોવરની પેલે પાર જાઓ, હું થોડી વારમાં આવુ છું.” ઈસુ ત્યાં રોકાયો અને લોકોને કહ્યું, “તમે ઘેર જાઓ.”
23 ઈસુએ લોકોને વિદાય આપી અને ટેકરી પર એકલો પ્રાર્થના કરવા ગયો ત્યારે ખૂબજ મોડું થઈ ગયું હતું અને ઈસુ એકલો જ ત્યાં હતો.
24 આ વખતે હોડી કિનારાથી ખૂબજ દૂર હતી અને મોજાઓથી ડામાડોળ થઈ રહી હતી કારણ કે તેની સાથે સખત પવન ફૂંકાતો હતો.
25 સવારના ત્રણ અને છ બાગ્યાની વચ્ચે ઈસુ સરોવરના પાણી પર ચાલતો ચાલતો તેમની પાસે આવ્યો.
26 ઈસુને પાણી પર ચાલતો આવતો જોઈને શિષ્યો ભયભીત થયા અને બૂમો પાડવા લાગ્યા કે, “આ ભૂત છે!”
27 ઈસુ તરત જ બોલ્યો: “ચિંતા ન કરો! એ તો હું જ છું! ડરો નહિ.”
28 ત્યારે પિતરે તેને કહ્યું, “પ્રભુ, જો એ તું જ છે, તો તું મને પાણી પર ચાલીને તારી પાસે આવવા કહે.”
29 ઈસુએ કહ્યું, “પિતર, તું આવ.”
પછી પિતર હોડીમાંથી ઉતરી પાણી પર ચાલતો ઈસુ તરફ જવા લાગ્યો.
30 પણ જ્યારે પિતર પાણી પર ચાલતો હતો ત્યારે તેણે સખત પવન ફૂંકાતો જોયો અને તે ડરી ગયો. તે ડૂબવા લાગ્યો અને બૂમ પાડી ઊઠ્યો, “હે પ્રભુ, મને બચાવ!”
31 તરત જ ઈસુએ તેનો હાથ પકડ્યો અને કહ્યું, “તારો વિશ્વાસ ઘણો ઓછો છે. અને તેં શા માટે શંકા કરી?”
32 ઈસુ અને પિતર હોડીમાં ચઢયા પછી પવન શાંત થઈ ગયા.
33 તેના જે શિષ્યો હોડીમાં હતા તેઓએ તેને નમન કર્યુ અને કહ્યું, “તું ખરેખર દેવનો દીકરો છે.”
ઈસુએ માંદા માણસોને સાજા કર્યા
(માર્ક 6:53-56)
34 સરોવર પાર કરી, તેઓ ગન્નેસરેતને કિનારે ઉતર્યા.
35 લોકોએ જાણ્યું કે ઈસુ આવ્યો છે, તે તેના આગમનના સમાચાર તેઓએ આખા પ્રદેશમાં પ્રસરાવ્યા, અને બધાજ માંદા લોકોને ઈસુ પાસે લાવવા એકબીજાને કહ્યું અને લોકો ઈસુ પાસે બધાજ માંદા માણસોને લાવ્યા.
36 અને માંદા લોકો ઈસુને આજીજી કરવા લાગ્યા કે ફક્ત તારા ઝભ્ભાની કિનારને અડકવા દે. જેટલા લોકોએ તેના ઝભ્ભાને સ્પર્શ કર્યો તે બધાજ સાજા થઈ ગયા.