8
ઈસુ માંદા માણસને સાજો કરે છે
(માર્ક 1:40-45; લૂક 5:12-16)
ઈસુ પર્વત પરથી નીચે ઉતર્યો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ પાછળ ગયો. પછી એક કોઢથી પીડાતો માણસ તેની પાસે આવ્યો, પગે પડ્યો અને કહ્યુ, “હે પ્રભુ, તું ઈચ્છે તો મને સાજો કરવાની શક્તિ તારી પાસે છે.”
ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું કે, “હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!” અને તરત જ તે માણસ કોઢથી સાજો થઈ ગયો. ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”
ઈસુ અધિકારીના નોકરને સાજો કરે છે
(લૂક 7:1-10; યોહાન 4:43-54)
ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી. લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, મારો નોકર ખૂબજ બિમાર છે, તે પથારીવશ છે અને પક્ષઘાતી છે.”
ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “હું જઈશ અને તેને સાજો કરીશ.”
લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે. હું મારા અધિકારીઓને આધીન છું. મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે. એકને હું કહું છું કે ‘જા’ તો તે જાય છે. બીજાને કહું છું કે, ‘આવ’, તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે, ‘આ કર’ તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે. હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે.”
10 ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી. 11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે. 12 અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.”
13 પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “ઘરે જા અને તારો નોકર તેં જે રીતે વિશ્વાસ કર્યો છે તે રીતે તે સાજો થઈ જશે.” અને બરાબર તે જ સમયે તેનો નોકર સાજો થઈ ગયો.
ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
(માર્ક 1:29-34; લૂક 4:38-41)
14 જ્યારે ઈસુ પિતરને ઘેર ગયો ત્યારે તેણે તેની સાસુને તાવથી પીડાતી દીઠી. 15 ઈસુએ તેના હાથને સ્પર્શ કર્યો અને તેનો તાવ ઉતરી ગયો. તે ઉઠીને ઈસુની સેવા કરવા લાગી.
16 સાંજ પડી ત્યારે તેઓ ઘણા અશુદ્ધ આત્મા વળગેલા લોકોને ઈસુની પાસે લાવ્યા, ઈસુએ અશુદ્ધ આત્માઓને બહાર કાઢ્યા. તેમ જ બધા જ માંદાઓને પણ સાજા કર્યા. 17 ઈસુએ આ કર્યુ જેથી યશાયાએ કહેલ ભવિષ્યવાણી પૂર્ણ થાય:
 
“તેણે આપણા રોગો લઈ લીધા અને તેણે આપણા મંદવાડ પોતાનામાં સ્વીકાર્યા.” યશાયા 53:4
ઈસુને અનુસરવાની ઈચ્છા
(લૂક 9:57-62)
18 ઈસુએ જોયું કે તેની ચારે બાજુ લોકોની ભીડ જામી છે, તેથી તેણે પોતાના શિષ્યોને સરોવરના સામા કિનારે જવા કહ્યું. 19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને* માથું ટેકવાની પણ જગા નથી.”
21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”
ઈસુ તોફાનને શાંત પાડે છે
(માર્ક 4:35-41; લૂક 8:22-25)
23 ઈસુ એક હોડીમાં જઈને બેઠો, તેના શિષ્યો પણ તેની સાથે ગયા 24 એ હોડીએ કિનારો છોડયો કે તરત જ દરિયામાં મોટું તોફાન શરૂ થયું ને ઉછળતાં મોજાથી હોડી ઢંકાઈ જવા લાગી. પરંતુ ઈસુ તો ઊઘતો હતો. 25 શિષ્યો ઈસુની પાસે ગયા અને તેને જગાડ્યો અને કહ્યું કે, “હે પ્રભુ, અમને બચાવ! અમે ડૂબી જઈશું!”
26 ઈસુએ કહ્યું કે, “તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો.
27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, “અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”
ઈસુ બે માણસોમાંથી ભૂતોને કાઢે છે
(માર્ક 5:1-20; લૂક 8:26-39)
28 સમુદ્રને સામે કિનારે ગદરાનીના દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા. તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું. 29 તેઓ બૂમ પાડવા લાગ્યા, “ઓ દેવના દીકરા, તું અમારી પાસે શું અપેક્ષા રાખે છે? નિશ્ર્ચિત સમય પહેલા અમને શિક્ષા કરવા આવ્યો છે?”
30 ત્યાંથી થોડેક દૂર ભૂંડનું ટોળું ચરતું હતું. 31 અશુદ્ધ આત્માઓએ વિનંતી કરી કે, “જો તું અમને કાઢી જ મૂકવાનો હોય તો, તું અમને એ ભૂંડોના ટોળામાં જવા દે.”
32 ઈસુએ તેઓને કહ્યું, “જાઓ” અને અશુદ્ધ આત્માઓ ભૂંડોનાં ટોળામાં પેઠા. ભૂંડનું આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ધસી ગયું અને પાણીમાં ડૂબી મર્યુ. 33 ભૂંડો ચરાવનારા ત્યાંથી શહેરમાં નાઠા અને બધીજ બાબતો જેવી કે અશુદ્ધ આત્માઓ વળગેલા માણસે સાથે જે બન્યું હતું તે જણાવ્યું. 34 આખું નગર ઈસુને મળવા બહાર આવ્યું અને જ્યારે લોકોએ તેને જોયો ત્યારે વિનંતી કરી કે, અમારા સીમોમાંથી તું ચાલ્યો જા.
* 8:20 માણસનો દીકરો ઈસુ પોતાના માટે આ નામ વાપરતો. દાનિ. 7:13-14 માં આ નામ મસિહા માટે છે જેને દેવે પોતાના લોકોને તારવાને પસંદ કર્યો છે. 8:28 ગદરાની ગાલીલના સરોવરના અગ્નિ ખૂણાનો પ્રદેશ.