નહેમ્યા
1
નહેમ્યાની પ્રાર્થના
હખાલ્યાનો પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. આર્તાહશાસ્તાનાં શાસનના વીસમા વર્ષમાં કિસ્લેવ માસમાં હું પાટનગર સૂસામાં હતો ત્યારે. યહૂદાથી મારા એક સગાવહાલા હનાની યહૂદિયાના બીજા કેટલાક માણસો સાથે આવ્યો; અને બંદીવાસમાંથી બચેલાઓમાંના જે યહૂદીઓ હતા, તેઓ તથા યરૂશાલેમ વિષે મેં તેમને પૂછયું.
તેઓએ મને કહ્યું કે, “જેઓ બચી ગયા હતા અને જે પ્રાંતમાં રહે છે તેઓ ખૂબ મુશ્કેલીમાં છે. યરૂશાલેમની આજુબાજુની દીવાલમાં ભંગાણ પડી ગયા છે, અને દરવાજા બાળી નાખવામાં આવ્યા છે.”
જ્યારે એ સમાચાર મેં સાંભળ્યા ત્યારે હું નીચે બેસીને રડવા લાગ્યો. કેટલાક દિવસો સુધી મેં શોક પાળ્યો. અને ઉપવાસ કરીને આકાશના દેવ સમક્ષ મેં પ્રાર્થના કરી. મેં કહ્યું:
 
“હે યહોવા આકાશના દેવ, મહાન અને ભયાવહ દેવ! જે પોતાના કરારને પાળે છે! તે પોતાના કરારને જે તેને ચાહે છે અને જે તેની આજ્ઞાનું પાલન કરે છે તેની સાથે વફાદારી પૂર્વક પાળે છે.
“કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું. અમે તમારી વિરૂદ્ધ સાચે જ પાપ કર્યા છે, અમે બધાંએ તમારા સેવક મૂસા મારફતે તમે જે આજ્ઞાઓ, નિયમો તથા કાનૂનો અમને આપ્યાં હતાં તેનો અનાદર કરીને અમે પાપ કર્યુ છે.
“તમે મૂસાને જણાવ્યું હતું તે યાદ કરો, ‘જો તમે બેવફા નીવડશો તો હું તમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ. પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’
10 “તેઓ તમારા સેવકો અને પ્રજા છે, જેઓને તમે તમારા મહાન સાર્મથ્ય વડે અને તમારાં બાહુબળથી બચાવ્યાં છે. 11 હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”