17
હારુનની લાકડીએ ફૂલ
1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું.
3 લેવીના કુળસમૂહની લાકડી પર હારુનનું નામ કોતરાવવું; કારણ કે લેવીના વંશની પણ એક જ લાકડી હોય.
4 પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી.
5 મેં જે માંણસને પસંદ કર્યો છે તેની લાકડીને કળીઓ ફૂટશે. આ રીતે હું ઇસ્રાએલી પ્રજાની તારી સામેની ફરિયાદોનો અંત લાવીશ.”
6 મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી.
7 મૂસાએ એ લાકડીઓ મુલાકાત મંડપની અંદરની સાક્ષ્યમંડપમાં યહોવા સમક્ષ મૂકી.
8 બીજે દિવસે જયારે મૂસા અંદર ગયો ત્યારે લેવીના કુળનું પ્રતિનિધિત્વ કરતી હારુનની લાકડીને કળીઓ બેઠી હતી. ફૂલ ખીલ્યાં હતાં, અને પાકી બદામો પણ લાગી હતી.
9 મૂસાએ યહોવા આગળથી એ લાકડીઓ બહાર લાવીને બધા ઇસ્રાએલીઓને બતાવી. તેમણે લાકડી સામે જોયુ, પ્રત્યેક આગેવાન તેની લાકડી પાછી લઈ લીધી.
10 યહોવાએ મૂસાને કહ્યું, “હારુનની લાકડી પાછી કરાર સમક્ષ મૂકી દે. એ બંડખોર ઇસ્રાએલીઓ માંટે ચેતવણીરૂપ છે, જેથી માંરી વિરુદ્ધના તેમના આ કચવાટનો અંત આવે અને એમને મરવું પડે નહિ.”
11 યહોવાએ જણાવ્યું હતું તે મુજબ મૂસાએ કર્યુ.
12 છતાં ઇસ્રાએલી પ્રજાએ મૂસા સમક્ષ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, આપણે ગુમાંવેલાં છીએ! આપણો બધાનો વિનાશ થશે.
13 જે કોઈ યહોવાનાં પવિત્ર સ્થાનની નજીક જાય છે, તેનું મૃત્યુ થાય છે. તો શું અમે બધા આમ જ મરી જવાના? શું અમાંરા સર્વનો નાશ થશે?”