35
લેવી વંશીઓના નગરો
મોઆબના મેદાનમાં યરીખો નજીક યર્દનને કાંઠે યહોવાએ મૂસાને કહ્યું, “તું ઇસ્રાએલીઓને આજ્ઞા કર કે, તેઓ લેવીઓને તેઓના વારસા તરીકે કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે. તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે. તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન ગામાંના કોટની ચારે બાજુએ 1,000 હાથ હોય. નગરથી 2,000 હાથ પૂર્વ સુધીનો, 2,000 હાથ દક્ષિણ સુધીનો, 2,000 હાથ પશ્ચિમ સુધીનો અને 2,000 હાથ ઉત્તર સુધીની બધી ભૂમિ લેવીઓની થશે. નગર તે સમગ્ર ભૂમિની મધ્યમાં આવેલું હશે. તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે. આમ, કુલ ઉડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને સોંપવામાં આવે. આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”
યહોવાએ મૂસાને કહ્યું, 10 “તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: જયારે તમે યર્દન નદી ઓળંગીને કનાનના પ્રદેશમાં પ્રવેશ કરો. 11 ત્યારે તમાંરે અમુક નગરોને આશ્રયનાં નગરો તરીકે પસંદ કરવાં જેમાં જે માંણસે અકસ્માંતે હત્યા કરી હોય તે આશ્રય લઈ શકે. 12 એ નગરમાં તે મરનારનું વેર લેવા ઈચ્છતા સગાથી તે સુરક્ષિત રહી શકે. સમાંજ સમક્ષ ન્યાય ચલાવ્યા વિના તેને માંરી શકાય નહિ. 13 તેથી તમાંરે આશ્રયનાં નગરો તરીકે છ શહેરો પસંદ કરવાં, 14 ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં. 15 એ છ શહેરો આશ્રયનગરો ગણાશે અને તેમાં જેણે અકસ્માંતે ખૂન કર્યુ હોય તેવો ઇસ્રાએલી કે વિદેશી કે તમાંરી સાથે વસતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આશ્રય લઈ શકશે.
16 “જો કોઈએ લોખંડના સાધનથી કોઈને માંરી નાખ્યો હોય, તો તે ખૂન ગણાશે, તે ખૂનીને દેહાતદંડની સજા આપવામાં આવે. 17 અથવા મોટો પથ્થર માંરીને કોઈની હત્યા કરી હોય, તો પણ તે ખૂન ગણાશે. તે ખૂનીને દેહાતદંડની સજા થશે. 18 એ જ પ્રમાંણે લાકડાથી ઈજા પહોંચાડી કોઈને માંરી નાખ્યો હોય, તો તે પણ ખૂન ગણાશે અને તે ખૂનીને દેહાતદંડની સજા થશે. 19 મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે.
20 “તેથી જો કોઈ દ્વેશને કારણે બીજી વ્યક્તિ પર કોઈ વસ્તુનો ઘા કરીને માંરી નાખે અથવા છુપાઈને લાગ જોઈને માંરી નાખે. 21 અથવા ગુસ્સે થઈને મુક્કા માંરી બીજી વ્યક્તિને માંરી નાખે તો તે ખૂની છે. મોતનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તેને માંરી નાખે.
22 “પણ જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ વગર કોઈને અકસ્માંતે ગબડાવી મૂકે અથવા તેને માંરી નાખવામના ઈરાદા વગત તેના ઉપર કોઈ હથિયાર ફેંકે, 23 અથવા જોયા વગર પથ્થર ફેંકે અને તે કોઈને વાગે અને તે મરી જાય, અને જો મરનાર માંણસ માંરનારનો દુશ્મન ના હોય અને તેને ઈજા કરવાના ઈરાદાથી માંર્યો ના હોય, 24 તો સમાંજે એ માંરનાર અને મરનારના સૌથી નજીકના સગા વચ્ચેનો ન્યાય આ નિયમો પ્રમાંણે કરવો; 25 સમાંજે એ માંરનારનું મરનારના બદલો લેવા ઈચ્છતા સોથી નજીકના સગાના હાથથી રક્ષણ કરવું અને તેને એણે જે શહેરમાં આશ્રય લીધો હોય ત્યાં પાછો લાવવો, પ્રમુખ યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવું.
26-27 “જો મોત નીપજાવનાર આશ્રયનગર છોડીને બહાર જાય, અને મોતનો બદલો લેનાર તેને મળે અને તેને માંરી નાખે તો તે ખૂન ગણાય નહિ. 28 કારણ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી મોત નીપજાવનારે આશ્રયનગરમાં જ રહેવું જોઈતું હતું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના પ્રદેશમાં અને પોતાને ઘરે પાછો ફરી શકે છે. 29 તમને અને તમાંરા વંશજોને આ નિયમો સર્વત્ર અને સર્વદા બંધનકર્તા છે.
30 “મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.
31 “દેહાતદંડની સજા થઈ હોય તેવા ખૂનીને પૈસા લઈને છોડી શકાય નહિ. તેનો વધ થવો જ જોઈએ. તેના માંટે કોઈ પણ ખંડાણીનો સ્વીકાર કરવામાં આવે નહિ.
32 “મુખ્ય યાજકનું મરણ થાય તે પહેલાં આશ્રયનગરમાં રક્ષણ લેનાર હત્યારા પાસેથી કોઈ પણ પ્રકારની રકમ સ્વીકારીને તેને ઘરે પાછા ફરવા માંટેની રજા આપી શકાય નહિ.
33 “તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી. 34 તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”