19
જૂઠા બોલો અને મૂર્ખ તવંગર કરતાં સત્યવકતા અને પ્રામાણિકપણે વર્તનાર ગરીબ વ્યકિત સારી છે.
જ્ઞાન વગરની આકાંક્ષા સારી નહિ, ઉતાવળાં પગળાં ભરનાર પાપમાં પડે છે.
વ્યકિત પોતાની મૂર્ખાઇથી પાયમાલ થાય છે અને પછી યહોવાને દોષ દે છે.
સંપત્તિ મિત્રો વધારે છે પણ ગરીબના મિત્રો તેને છોડી જાય છે.
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહેશે નહિ. જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે છટકવા પામતો નથી.
ઉદાર માણસની સૌ ખુશામત કરે છે. ઉપહાર આપનારના સૌ કોઇ મિત્ર બને છે.
જે દરિદ્રીને તેના બધાં સગાં ધિક્કારે છે; તેનાથી તેના મિત્રો વધારે દૂર થઇ જશે. જ્યારે દરિદ્રી તેઓને બોલાવશે તેઓ અદ્રશ્ય થઇ જશે.
જે જ્ઞાન મેળવે છે તે પોતાનું હિત સાધે છે. જે સારાસારનો વિવેક જાળવે છે તે સારી વસ્તુને મેળવે છે.
જૂઠો સાક્ષી સજા પામ્યા વગર રહે નહિ, જે શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે તે અવશ્ય નાશ પામશે.
10 મૂર્ખને મોજશોખ ભોગવવો શોભતા નથી અને ગુલામ રાજકુમારો ઉપર શાશન કરે તે તેનાથી પણ ઓછું શોભે.
11 ક્રોધને કાબૂમાં રાખવો એ ડાહી વ્યકિતનું લક્ષણ છે ક્ષમા આપવી એ તેમના મહિમા છે.
12 રાજાનો ક્રોધ સિંહની ગર્જના જેવો છે; પણ તેની કૃપા ઘાસ પરનાં ઝાકળ જેવી છે.
13 મૂર્ખ પુત્ર પોતાના પિતાને વિપત્તિરૂપ છે. કજિયાળી પત્ની જાયુ ટપકતા પાણી જેવી છે.
14 ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.
15 આળસ ભરનિદ્રામાં નાખે છે અને આળસુ વ્યકિતને ભૂખ વેઠવી પડે છે.
16 જે આજ્ઞાનું પાલન કરે છે તે આત્માનું રક્ષણ કરે છે, પણ જે તેના પ્રત્યે બેદરકાર છે તે મૃત્યુ પામે છે.
17 ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે. યહોવા એ સુકૃત્યનો બદલો આપશે.
18 સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.
19 ઉગ્ર ક્રોધીને સજા ભોગવવી પડશે, જો તું તેને બચાવવા જશે, તો તારે વારંવાર તેમ કરવું પડશે.
20 સલાહ સાંભળીને શિખામણ સ્વીકારો; પછી અંતે તમે ડાહ્યા બનશો.
21 વ્યકિતના મનમાં અનેક યોજનાઓ હોય છે, પણ ફકત યહોવાની ઇચ્છાઓ જ પ્રચલિત રહેશે.
22 વ્યકિતની વફાદારી બીજાને તેની સાથે રહેવા માટે આકષેર્ છે. જૂઠાબોલા અપ્રામાણિક થવાં કરતાં ગરીબ રહેવું વધારે સારું છે.
23 જે કોઇ યહોવાનો ભય રાખે છે તે જીવન પામે છે, તે ભય વગર સંતોષથી રહેશે.
24 આળસુ પોતાનો હાથ થાળીમાં મૂકે છે ખરો, પણ તેને પોતાના મોં સુધી ઉઠાવવાનું મન થતું નથી.
25 તિરસ્કાર કરનાર વ્યકિતને દંડો ફટકારો જેથી સરળ લોકો પાઠ ભણે, જો તમે ડાહી વ્યકિતને ઠપકો આપશો તો તે જ્ઞાન મેળવશે.
26 જે પુત્ર પોતાના પિતાને લૂંટે છે અને પોતાની માતાને કાઢી મૂકે છે તે નિર્લ્લજ્જ અને નામોશી ભરેલો છે.
27 હે મારા પુત્ર, જો તું જ્ઞાનનીવાતો સાંભળવાનું બંધ કરીશ, તો તું જ્ઞાનના શબ્દોને ખોઇશ.
28 દુષ્ટ સાક્ષી ન્યાયની મશ્કરી કરે છે. અને દુષ્ટ લોકો અનિષ્ટને ગળી જાય છે.
29 ઊદ્ધત લોકો માટે શિક્ષા અને મૂર્ખાની પીઠને સારું ફટકા તૈયાર કરેલાં છે.