48
ગાયન: કોરાહનાં કુટુંબનું ગીત.
યહોવા મહાન છે, આપણ દેવના નગરમાં
અને તેમનાં પવિત્ર પર્વતો પર તેમની ધણી સ્તુતિ થાય છે.
કેવું સિયોન પર્વતની ઊંચાઇએ આવેલું અતિ સુંદર નગર;
આખી પૃથ્વીના આનંદરૂપ, મહાન રાજાનું નગર,
સર્વ લોકો જોઇ શકે તેવું, રમ્ય,
આનંદરૂપ દ્રશ્ય, કેવું અદૃભૂત છે!
તે નગરના મહેલોમાં
દેવ આશ્રયની જગા તરીકે ઓળખાય છે.
પૃથ્વીના સર્વ રાજાઓ એકત્ર થયા,
અને એકત્ર થઇ સૌ નગર પર
કૂચ કરીને ગયા.
જ્યારે તેઓએ તે જોયું ત્યારે તેઓ સૌ વિસ્મય પામી ગયા,
ભયથી ગભરાઇ ગયાં તેથી ઝડપથી પાછા ચાલ્યા ગયા.
તેમને ભયથી ધ્રુજારી થઇ ગઇ
અને પ્રસૂતિની પીડા જેવું કષ્ટ થયું.
દેવ તમે તેમને બરાબર એવી રીતે ધ્રુજાવ્યા જેમ
તમે પૂર્વનાં શકિતશાળી વાયુ વડે તાશીર્શનાં વહાણોને ભાંગી નાંખો છો.
આપણે દેવની શકિત વિષે સાંભળ્યું છે.
આપણે તેને સૈન્યોના યહોવા દેવના નગરમાં, આપણા દેવના નગરમાં,
હવે તે આપણે પોતે નિહાળીએ છીએ યરૂશાલેમનું સદાકાળ માટે દેવે સ્થાપન કર્યુ છે.
 
હે યહોવા, તમારા મંદિરમાં તમારી અચળ કૃપા વિષે અમે મનન કર્યુ છે.
10 હે દેવ, સમગ્ર પૃથ્વી પર તમારું નામ જાણીતું છે,
પૃથ્વીની સીમા પર્યંત તમારી સ્તુતિ થાય છે;
તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.
11 તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે
અને યહૂદિયાનાં નગરો હરખાશે.
12 સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો;
અને તેના બુરજોની ગણતરી કરો.
13 તેનો કોટ ધ્યાનથી જુઓ,
તેના મહેલોની મુલાકાત લો;
જેથી તમે તે વિષે તમારાં સંતાનોને કહી શકો.
14 કારણ, આ દેવ આપણા સનાતન દેવ છે
જે આપણને સદાય દોરી જશે.