53
નિર્દેશક માટે. માહલાથ સાથે ગાવાનું. દાઉદનું માસ્કીલ.
માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે.
તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે.
તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.
દેવ આકાશમાંથી નીચે મનુષ્યો ઉપર દૃષ્ટિ કરીને તપાસ કરે છે
કે એવી કોઇ વ્યકિત છે જેને સાચી સમજ હોય;
ને મનથી દેવની શોધ કરતી હોય.
તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે,
અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે;
કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી.
ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.
 
દેવ કહે છે કે, “દુષ્ટ કરનારાઓ શું આ નથી સમજતા?
મારા લોકોને તે જાણે રોટલી ખાતાં હોય તેમ ખાઇ જાય છે.
તેઓ દેવ પાસે જતા નથી, અને કદી પ્રાર્થના કરતાં નથી.”
 
જોકે કશું ડરવા જેવું નહિ હોય
ત્યાં તેઓ અચાનક ભયભીત થઇ જશે.
દેવે તે બધા દુષ્ટ લોકોને નકાર્યા છે.
તેથી દેવના લોકો તેમને હરાવશે,
અને દેવ તે દુષ્ટ લોકોના હાડકાઁને વિખેરી નાખશે.
 
સિયોનમાંથી ઇસ્રાએલનું તારણ વહેલું આવે!
યહોવા પોતે પોતાના લોકોને બંધનમાંથી છોડાવશે
અને તેમને પાછા તેમના વતનમાં લાવશે,
અને પછી યાકૂબ ખુશ થશે,
તથા ઇસ્રાએેલ આનંદિત થશે.