56
નિર્દેશક માટે. રાગ: “દૂરના ઓકમાં કબૂતર.” દાઉદનું મિખ્તામ, ગાથમાં પલિસ્તીઓએ તેને પકડ્યો તે વખતે લખાયેલું છે.
હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે
તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે.
ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
જ્યારે મને બીક લાગશે ત્યારે
હું તમારો ભરોસો કરીશ.
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું.
દેવ પર આધાર રાખું છું,
તેથી મને જરાપણ બીક નથી.
માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે.
અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે,
તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો.
તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.
તમે મારી બધી વેદના જોઇ છે.
તમે મારા આંસુઓથી જ્ઞાત છો.
તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે.
અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
 
હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે;
હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
10 હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ,
હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
11 મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી,
પછી માણસ મને શું કરનાર છે?
 
12 હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ,
હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
13 કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે,
તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે,
જેથી હું જીવનનાં અજવાળામાં
દેવની સામે જીવી શકું.