71
1 હે યહોવા, મેં તમારું શરણું લીધું છે.  
મને શરમિંદો કરશો નહિ.   
2 મારા તરફ ન્યાયી થાઓ, અને મને મુકત કરો;  
મારી રક્ષા કરો, મારા તરફ વળો અને મારી તરફ કાન ધરી મારો ઉદ્ધાર કરો.   
3 જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ,  
તમે મને તારવાની આજ્ઞા કરી છે  
કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.   
4 હે મારા દેવ, તમે મને દુષ્ટોના  
ઘાતકી અન્યાયી હાથોમાંથી બચાવો.   
5 હે પ્રભુ, ફકત તમે જ મારી આશા છો!  
મેં બાળપણથી તમારો વિશ્વાસ કર્યો છે.   
6 હું ગર્ભસ્થાનમાં હતો, ત્યારથી તમે મારા આધાર રહ્યાં છો.  
મારી માતાનાં ઉદરમાંથી મને કાઢનારા તમે જ છો.  
હે દેવ, હું હંમેશા તમારી સ્તુતિ ગાઇશ.   
7 હું બીજા લોકો માટે એક ષ્ટાંત બન્યો છું.  
પણ તમે તો મારો શકિતશાળી આશ્રય છો.   
8 તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે,  
આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે.   
9 વૃદ્ધાવસ્થા કાળે, મારી શકિત ખૂટે  
ત્યારે મને તરછોડી મારો ત્યાગ ન કરો.   
10 મારા શત્રુઓ જેઓ મારી વિરુદ્ધ વાતો કરે છે,  
મારો પ્રાણ લેવાં તાકી રહ્યાં છે;  
તેઓ અંદરો અંદર મસલત કરે છે.   
11 તેઓ કહે છે કે, “દેવે તેને તજી દીધો છે,  
આપણે પાછળ દોડીને તેને પકડી પાડીએ; કારણકે તેને છોડાવનારું કોઇ નથી.”   
12 હે દેવ, મારાથી દૂર ન જશો;  
તમે મારી પાસે આવવાં ઉતાવળ કરો;  
અને મને સહાય કરો.   
13 મારા આત્માનાં દુશ્મનો  
ફજેત થઇને નાશ પામો;  
મને ઉપદ્રવ કરવાને મથનારાઓ નિંદા  
તથા અપમાનથી ઢંકાઇ જાઓ.   
14 પણ હું તમારી નિત્ય આશા રાખીશ;  
અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ.   
15 તમારાં ન્યાયીપણાનાં અને ઉદ્ધારનાં કૃત્યો મારું મુખ આખો દિવસ પ્રગટ કરશે.  
તેઓની સંખ્યા કેટલી મોટી છે  
તે હું જાણતો નથી.   
16 હે પ્રભુ યહોવા, સર્વસમર્થ! હું આવીશ, અને તમારાં અદભૂત કાર્યોને પ્રગટ કરીશ!  
તમારા ન્યાયીપણા વિષે લોકોને જણાવીશ.   
17 હે દેવ, મારા બાળપણમાં તમે મને શીખવ્યું છે,  
ત્યારથી હું તમારા ચમત્કારો વિષે જણાવતો રહ્યો છું.   
18 હે દેવ, હું હવે ઘરડો થયો છું ને વાળ પણ સફેદ થયાં છે, ત્યારે મારો ત્યાગ ન કરશો.  
તમારા સર્વ ચમત્કારો વિષે હું નવી પેઢી અને તેનાં સંતાનોને જણાવું તે માટે મને સમય આપો.   
19 હે દેવ, તમારું ન્યાયીપણું અતિશય ઉચ્ચ છે;  
હે દેવ, તમે મોટાં કામો કર્યાં છે;  
તમારા જેવો બીજો કોણ છે?   
20 ઘણાં ખેદજનક સંકટો તમે અમને દેખાડ્યાં છે;  
તમે પૃથ્વીનાં ઊંડાણોમાંથી અમને પાછા કાઢી લાવશો;  
તમે અમને પુર્નજીવિત કરશો.   
21 તમે મને અગાઉ કરતાંય વધારે માન આપશો,  
અને પાછા ફરીને મને દિલાસો પણ આપશો.   
22 હું તમારું સિતાર સાથે સ્તવન કરીશ,  
હે મારા દેવ, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ;  
હે ઇસ્રાએલનાં પવિત્ર દેવ;  
હું વીણા સાથે તમારા સ્તોત્રો ગાઇશ.   
23 હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે,  
અને ઉદ્ધાર પામેલો મારો આત્મા અતિશય આનંદ પામશે.   
24 મારી જીભ આખો દિવસ તમારી દયા અને તમારા ન્યાયીપણાની વાતો કરશે;  
જેઓ મને હાની પહોંચાડવા ઇચ્છે છે  
તેઓને લજ્જિત અને અપમાનિત કરાયાં છે.