86
દાઉદની પ્રાર્થના.
હે યહોવા, મને ધ્યાનથી સાંભળો અને મને ઉત્તર આપો;
કારણ કે હું નિર્ધન તથા અસહાય છું.
મારા જીવનની રક્ષા કરો,
કારણ હું તમારો વફાદાર અનુયાયી છું, હે મારા દેવ,
તમારા પર આસ્થા રાખનાર સેવકને બચાવો.
હે યહોવા, મારા પર દયા કરો,
કારણ; આખો દિવસ હું તમારી સમક્ષ પોકાર કરું છું.
હે યહોવા, તમારા સેવકને આનંદ આપો;
હે પ્રભુ, હું મારું જીવન તારા હાથમાં સોંપુ છું.
હે પ્રભુ, તમે ઉત્તમ; અને ક્ષમા કરનાર છો.
સહાયને માટે તમને પ્રાર્થના કરનારા પર તમે બંધનમુકત પ્રેમ દર્શાવો.
હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો;
મારી કૃપા માટેની પ્રાર્થના સાંભળો.
મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ,
ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો.
હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી;
અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.
હે યહોવા, તમે જે રાષ્ટોનું સર્જન કર્યુ છે તે બધાં આવીને તમને પ્રણામ કરશે;
અને તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10 કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો;
તમે જ એકલાં દેવ છો.
11 હે યહોવા, તમે તમારા માર્ગ શીખવો;
અને હું તે માર્ગ પર ચાલીશ અને સત્યનું પાલન કરીશ,
તમારા નામનો આદર કરવાને
મારા હૃદયને એકાગ્ર કરો.
12 હે પ્રભુ, મારા દેવ, મારા પૂર્ણ અંત:કરણથી હું તમારી સ્તુતિ કરીશ;
અને હું તમારા નામને સર્વદા મહિમા આપીશ.
13 કારણ, મારા પર તમારી અનહદ કૃપા છે;
તમે શેઓલનાં ઊંડાણથી મારી રક્ષા કરી છે.
14 હે દેવ ઘમંડી અને ઉદ્ધત માણસો મારી સામા થયા છે;
અને ક્રૂર અને દુષ્ટ માણસો મારો સંહાર કરવા માટે
મારી પાછળ પડ્યાં છે તેઓ તમારું સન્માન કરતાં નથી.
15 પણ, હે પ્રભુ, તમે તો દયાને કરુણાથી ભરપૂર છો;
તમે ક્રોધ કરવામાં ધીમા પણ નિરંતર કૃપા અને સત્યતાથી ભરપૂર છો.
16 મારી તરફ ફરો, ને મારા પર દયા કરો;
તમારા આ દાસને તમારું સાર્મથ્ય આપો.
મારી રક્ષા કરો, હું તમારો વફાદાર પુત્ર છું.
17 તમારી ભલાઇ ચિન્હ મને આપો; મારા શત્રુઓ તે જોશે અને નિરાશ થશે,
કારણ હે યહોવા એ તમે છો જેણે મને મદદ કરી છે,
અને દિલાસો આપ્યો છે.