96
યહોવા સમક્ષ નવું ગીત ગાઓ!
સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
તેમના નામને ધન્યવાદ આપો;
દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો
અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે;
અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ;
સર્વ “દેવોની” ઉપર છે.
લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે;
પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે.
સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી;
તે તમે કબૂલ કરો ને તેમને માન આપો.
યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો,
તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો;
અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે,
તેથી તેનો વિનાશ થશે નહિ.
બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 આકાશો આનંદ પામો! હે પૃથ્વી,
સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 ખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ.
હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 પૃથ્વીનો ન્યાય કરવાને,
યહોવા આવે છે;
તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે;
અને જગતનો યથાર્થપણે.