12
દાઉદ સાથે ભળતા પરાક્રમી સૈનિકો
1 દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા.
2 તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.
3 તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ,
4 ગિબયોનનો યિશ્માયા, જે “ત્રીસ શૂરવીરો”માં નો એક અને તેમનો એક આગેવાન હતો. ગદેરાના યમિર્યા, યાહઝીએલ, યોહાનાન અને યોઝાબાદ,
5 હરૂફીના એલઉઝાય, યરીમોથ, બઆલ્યા, શમાર્યા અને સફાટયા,
6 કોરાહના વંશજો, એલ્કાનાહ યિશ્શિયા, અઝારએલ, યોએઝેર, અને યાશોબઆમ;
7 અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.
ગાદના કુલસમૂહો
8 ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા.
9 એઝર તેમનો નાયક હતો. અને ઓબાદ્યા બીજો, અરીઆબ ત્રીજો,
10 મિશ્માન્નાહ ચોથો, યમિર્યા પાંચમો,
11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
12 આઠમો યોહાનાન, નવમો એઝાબાદ.
13 દશમો યમિર્યા, અને અગિયારમા ક્રમે માખ્બાન્નાય હતો.
14 ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો.
15 પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા.
દાઉદ સાથે ભળતા અન્ય સૈનિકો
16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા.
17 દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”
18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:
“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ,
હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ,
તારો જય હો! તારા
સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”
દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.”
20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા.
21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.
22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.
દાઉદ સાથે હેબ્રોનમાં મળતા અન્ય સૈનિકો
23 યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે;
24 યહૂદાના કુલસમૂહના ઢાલ અને ભાલાધારી 6,800 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ;
25 શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;
26 લેવીના કુલસમૂહના: 4,600 યોદ્ધાઓ;
27 ઉપરાંત હારુનના કુલના યહોયાદની આગેવાની હેઠળ 3,700 યોદ્ધાઓ;
28 તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;
29 બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.
30 એફ્રાઇમના કુલસમૂહના: 20,800 વીર યોદ્ધાઓ, જેમણે બધાએ જ પોતપોતાના કુલમાં ખ્યાતિ મેળવી હતી.
31 મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા:
32 ઇસ્સાખારના 200 આગેવાનો, જેઓ ઇસ્રાએલે ક્યારે અને કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં કુશળ હતા. અને તેમના હાથ નીચેના બધા સગાવહાલા.
33 ઝબુલોનના કુલસમૂહના યુદ્ધ માટે સારું પ્રશિક્ષણ પામેલાં અને બધી જાતનાં શસ્ત્રોથી શજ્જ એવા બહાદુર અને વ્યૂહ રચી શકે એવા 50,000 માણસો.
34 નફતાલીના કુલસમૂહના 1,000 નાયકો અને તેમના 37,000 ઢાલ અને ભાલાથી શજ્જ યોદ્ધાઓ.
35 દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;
36 આશેરના કુલસમૂહના 40,000 શિક્ષણ પામેલા યોદ્ધાઓ.
37 રૂબેન, અને ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના શિક્ષણ પામેલા અને બધા પ્રકારના શસ્ત્રો શજ્જ 1,20,000 યોદ્ધાઓ, તેઓ યર્દનની પેલે પારના હતા.
38 આ સર્વ યોદ્ધા શસ્ત્ર સાથે શજ્જ થઇને દાઉદને ઇસ્રાએલનો રાજા બનાવવાના એકમાત્ર હેતુથી હેબ્રોન આવ્યા હતા. એકંદરે ઇસ્રાએલના સર્વ નેતાઓ આવું ઇચ્છતા હતા.
39 તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી.
40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.