12
તમારું જીવન દેવને સમર્પિત કરો
1 હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.
2 આ દુનિયાના લોકો જેવા થવા માટે તમે તમારા જીવનનું પરિવર્તન કરશો નહિ. પરંતુ નવી વિચાર-શૈલી અપનાવીને તમે તમારા જીવનમાં પૂર્ણ રીતે આંતરિક પરિવર્તન પામો, તો જ દેવ તમારા માટે શું ઈચ્છે છે તે તમે નક્કી કરી શકશો અને તે સ્વીકારી શકશો. તમે જાણી શકશો કે કઈ વસ્તુઓ સારી છે અને દેવને પ્રિય છે, અને કઈ વસ્તુઓ સંપૂર્ણ છે.
3 દેવે મને એક વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. તેથી જ તો તમારામાંની દરેક વ્યક્તિને મારે કઈક કહેવાનું છે. તમે એવું ન માની લો કે તમે ખરેખર જેવા છો તેના કરતાં તમે વધારે સારા છો. તમે ખરેખર જેવા છો તેવા તમારી જાતને ઓળખો. દેવે તમને કઈ જાતનો વિશ્વાસ આપ્યો છે, એના આધારે નક્કી કરો કે તમે કોણ છો!
4 આપણામાંના દરેક માનવને એક શરીર છે, અને એ શરીરને ઘણાં અવયવો છે. આ બધાં અવયવો એક જ પ્રકારનું કાર્ય કરતાં નથી.
5 આપણી સાથે એમ જ છે, જો કે આપણે લોકો ઘણા છીએ. પરંતુ આપણે ઘણા હોવા છત્તાં ખ્રિસ્તમાં એક શરીર છીએ. અને અરસપરસ એકબીજાનાં અવયવો છીએ.
6 આપણ સૌને જુદાં જુદાં કૃપાદાનો મળેલ છે. આપણા પર થએલ દેવની કૃપાને કારણે પ્રત્યેક કૃપાદાન આપણને પ્રાપ્ત થયેલ છે. જો કોઈ વ્યક્તિને પ્રબોધ કરવાનું કૃપાદાન મળ્યું હોય તો એ વ્યક્તિએ પૂરા વિશ્વાસથી પ્રબોધ કરવો જોઈએ.
7 જો કોઈ વ્યક્તિને સેવા કરવાનું કૃપાદાન હોય, તો તેણે માનવોની સેવા કરવી જોઈએ. કોઈ વ્યક્તિને શિક્ષણ આપવાનું કૃપાદાન હોય. તો તેણે લોકોને શિક્ષણ આપવામાં મંડયા રહેવું.
8 જો કોઈ વ્યક્તિને એવું કૃપાદાન મળ્યું હોય કે તે બીજા લોકોને આશ્વાસન આપી શકે, તો તેણે દુ:ખી લોકોને આશ્વાસન આપવું જોઈએ. અન્ય લોકોને મદદરૂપ થવા કોઈ વ્યક્તિને દાન આપવાની ક્ષમતા પ્રાપ્ત થઈ હોય, તો તેણે ઉદારતાથી દાન કરવું જોઈએ. કોઈ વ્યક્તિમાં અધિકારી થવાની આવડત હોય, તો તેણે સારો અધિકાર ચલાવવા સખત શ્રમ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિમાં અન્ય લોકો પ્રત્યે દયા દર્શાવવાનું કૃપાદાન મળ્યું હોય તો તેણે ઉમંગથી એ કાર્ય ઉપાડી લેવું જોઈએ.
9 તમારો પ્રેમ સાચો હોવો જોઈએ. ભુંડું છે તેને ધિક્કારો. માત્ર સારાં જ કર્મો કરો.
10 જે રીતે ભાઈઓ-બહેનો વચ્ચે પ્રેમ હોય છે એ રીતે તમે એક બીજાને પ્રેમ કરો, જેથી તમને એ આત્મીયતાનો અનુભવ થાય. તમે માન-સન્માનની જે અપેક્ષા રાખો છો, તેના કરતાં વધારે માન-સન્માન તમારા ભાઈ-બહેનોને આપવું જોઈએ.
11 દેવનું કાર્ય કરવાની જરૂર હોય ત્યારે તમે આળસુ ન થાઓ. અને જ્યારે દેવની સેવા કરો ત્યારે પૂર્ણ આધ્યાત્મિક ઉત્સાહ સાથે કરો.
12 ઉજજવળ ભવિષ્યની આશા છે તેથી આનંદમાં રહો. જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે ધીરજ રાખો. અને હંમેશા દેવની પ્રાર્થના કરો.
13 દેવના લોકો જેમને મદદની જરૂર છે, તેમના સંતોષ માટે તેમના સહભાગી બનો. એવા લોકોની મહેમાનગતી કરો.
14 જે લોકો તમારું ખરાબ કરતા હોય, તેમના વિષે ફક્ત સારું જ બોલો. એમને શાપ ન આપો, પરંતુ એમને આશીર્વાદ જ આપો.
15 બીજાના આનંદમાં આનંદી થાઓ, અને બીજાના દુ:ખમાં તમે એમના સહભાગી બનો.
16 એક બીજા સાથે હળીમળીને રહો અને શાંતિથી જીવો, અભિમાની બનશો નહિ. બીજા લોકોને મન જે માણસો અગત્યના ન હોય, તેવાની મિત્રતા કરવા તૈયાર રહો. મિથ્યાભિમાની ન બનો.
17 જો કોઈ તમને નુક્સાન કરે તો તેને નુક્સાન પહોંચાડીને વેર વાળવાની વૃત્તિ ન રાખો. બધા લોકો જેને સારા કાર્યો તરીકે સ્વીકારે છે, એવા કાર્યો જ તમે કરો.
18 સૌ લોકો સાથે શાંતિથી જીવવા માટે તમારા તરફથી બને તેટલો સારામાં સારો પ્રયત્ન કરો.
19 હે મારા મિત્રો, જ્યારે લોકો તમને નુકસાન કરે ત્યારે એમને શિક્ષા કરવાનો પ્રયત્ન ન કરો. દેવના પોતાના કોપથી એમને શિક્ષા કરે ત્યાં સુધી રાહ જુઓ. શાસ્ત્રમાં લખેલું છે: “પાપીઓને શિક્ષા કરનાર હું જ એક માત્ર છું; હું તેમનો બદલો લઈશ,” એમ પ્રભુ કહે છે.
20 પરંતુ તમારે આમ કરવું જોઈએ:
“જો તારો દુશ્મન ભૂખ્યો હોય
તો એને ખવડાવ.
જો તારો દુશ્મન તરસ્યો હોય
તો તેને પાણી પા;
આ રીતે તું એ માણસને શરમિંદો બનાવી શકીશ.” નીતિવચનો 25:21-22
21 ભૂંડાથી તું હારી ન જા, પણ સારાં કર્મો કરીને તારે ભૂંડાનો પરાજય કરવો.