11
આમ્મોનના રાજા નાહાશ
1 આમ્મોનના રાજા નાહાશ યાબેશ ગિલયાદ ઉપર ચડાઈ કરવા આવ્યો અને તેની સૈનાથી શહેર પર ઘેરો ઘાલ્યો. યાબેશના લોકોએ નાહાશને કહ્યું, “અમાંરી સાથે સંધિ કરો અને અમે તમાંરા સેવકો બનશું.”
2 એટલે નાહાશે કહ્યું, “હું એક જ શરતે તમાંરી સાથે સંધિ કરું; હું તમાંરી બધાની જમણી આંખ કોતરી કાઢું અને સમગ્ર ઇસ્રાએલીની નામોશી કરું.”
3 પછી યાબેશના આગેવાનોએ કહ્યું, “તમે અમને ઇસ્રાએલના બધા લોકોને સંદેશવાહકો મોકલવાને માંટે એક અઠવાડિયું આપો. જો કોઈ અમાંરી મદદ કરવા ન આવે, તો અમે તમાંરે તાબે થઈશું.”
યાબેશ અને ગિબયાહ બચાવતો શાઉલ
4 પછી કાસદોએ શાઉલના ગિબયાહમાં આવીને લોકોને આ સમાંચાર કહ્યા; ત્યારે બધા લોકો મોટે સાદે આક્રંદ કરવા લાગ્યા.
5 એ જ વખતે શાઉલ ખેતરમાંથી બળદો લઈને ગામમાં આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?”
તેમણે તેને યાબેશના માંણસોએ કહેલી વાત કહી સંભળાવી.
6 શાઉલે એ વાત સાંભળી, ત્યારે શાઉલમાં દેવનો આત્માં મહાશકિત સહિત આવ્યો, અને તેનો ક્રોધ ભભૂકી ઊઠયો.
7 તેણે બળદની એક જોડ લઈને તેમને કાપી કાપીને ટૂકડા કરી નાખ્યા. અને એ ટૂકડા સાથે સમગ્ર ઇસ્રાએલમાં કાસદો મોકલી તેણે એવો સંદેશો કહેવડાવ્યો કે, “જે કોઈ શાઉલ તથા શમુએલની પાછળ નહિ આવે તેના બળદના આ હાલ થશે.”
એટલે લોકોને યહોવાનો ભય લાગ્યો, ને એક મતે તેઓ સૌ નીકળી પડયા.
8 પછી શાઉલે બેઝેકમાં માંણસો ભેગા કર્યા; ઇસ્રાએલમાંથી લગભગ 3,00,000 માંણસો હતા અને યહુદામાંથી 30,000 માંણસો હતા.
9 અને જે કાસદો આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલયાદના માંણસોને કહો, “આવતી કાલે સૂરજ માંથે આવે ત્યાં સુધીમાં તમાંરો છૂટકારો થયો હશે.”
આ સંદેશો સાંભળીને યાબેશના લોકોના આનંદનો પાર ન રહ્યો તેમણે નાહાશને કહ્યું,
10 “આવતી કાલે અમે તમાંરે તાબે થઈશું અને તમને જે યોગ્ય લાગે તે કરજો.”
11 બીજે દિવસે સવારે શાઉલે લશ્કરને ત્રણ ટુકડીમાં વહેંચી નાખ્યું. અને પરોઢ થતાં તેઓ દુશ્મનની છાવણીમાં ધસી ગયા અને બપોર થતાં સુધી આમ્મોનીઓની હત્યા કરી. જે લોકો બચી ગયા તેઓ એવા તો વેરવિખેર થઈ ગયા કે, બે જણ પણ ભેગા ન રહ્યા.
12 પછી લોકોએ શમુએલને કહ્યું, “કોણ હતાં એ માંણસો જેણે પુછયું કે, શાઉલ આપણા પર રાજા તરીકે રાજ કરશે? એ લોકોને અમાંરી પાસે લાવો અને અમે તેમનો સંહાર કરીએ.”
13 પરંતુ શાઉલે કહ્યું, “આજે કોઈનો પ્રાણ લેવાનો નથી. કારણ, આજે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો છે.”
14 પછી શમુએલે લોકોને કહ્યું, “ચાલો, આપણે ગિલ્ગાલ જઈને ત્યાં શાઉલને ફરી વાર રાજા જાહેર કરીએ.”
15 આથી તેઓ બધા ગિલ્ગાલ ગયા, અને ત્યાં યહોવા સમક્ષ શાઉલને પોતાના રાજા જાહેર કર્યો. તેઓએ યહોવાને શાંત્યર્પણો અર્પણ કર્યા; શાઉલે તથા ઇસ્રાએલના સર્વ પ્રજાજનોએ મોટો ઉત્સવ કર્યો.