30
સિકલાગ સામે યુદ્વ કરતા અમાંલેકીઓ
1 ત્રીજે દિવસે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોંચ્યા. તેમણે જોયું કે અમાંલેકીઓએ સિકલાગ પર હુમલો કર્યો હતો અને નેગેબ પર આક્રમણ કર્યુ હતું. અને તેને બાળી મૂકયું હતું.
2 અમાંલેકીઓએ સ્રીઓને કેદ પકડી લીધી અને સિકલાગમાં જે કંઇ હતું, જુવાન કે વૃદ્ધ તેને કેદ તરીકે લઇ ગયા. તેમણે કોઇની હત્યા કરી નહિ.
3 જ્યારે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોચ્યા; તેમણે જોયું કે શહેરને બાળી મૂકવામાં આવ્યું હતું અને તેમની સ્ત્રીઓને અને બાળબચ્ચાંને કેદીઓ તરીકે લઇ જવામાં આવ્યાં હતાં.
4 દાઉદ અને તેની સાથેના માંણસો મોટેથી રડવા લાગ્યા અને એટલું રડયા કે અંતે રડવાની શકિત જ ન રહી.
5 દાઉદની બે પત્નીઓ યિઝ્એલી અહીનોઆમને અને નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલને પણ કેદ કરવામાં આવી હતી.
6 દાઉદ ભારે મુશ્કેલીમાં હતો, કારણ તેમના કુટુંબો ખોવાને કારણે તેના માંણસો બહું ઉદાસ બની ગયા હતા અને તેઓ બધા એને માંરી નાખવા માંગતા હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાંથી બળ પ્રાપ્ત કર્યુ હતું.
7 દાઉદે અહીમેલેખના પુત્ર યાજક અબ્યાથારને કહ્યું, “માંરી પાસે એફોદ લઈ આવ.” અને અબ્યાથાર લઈ આવ્યો.
8 પછી દાઉદે યહોવાને પ્રશ્ર્ન કર્યો, “હું આ હુમલાખોરોનો પીછો પકડું? હુ એ લોકોને પકડી પાડીશ?”
યહોવાનો જવાબ મળ્યો, “પીછો પકડ, તું જરૂર તેમને પકડી પાડીશ, અને બાનમાં પકડાયેલાઓને છોડાવી શકીશ.”
મિસરી ગુલામ પ્રાપ્ત કરતા દાઉદ અને સાથીઓ
9 આથી, દાઉદ અને તેના 600 માંણસો અમાંલેકીઓની પાછળ ગયાં અને બસોરના કોતરમાં પહોંચી ગયા.
10 જે 200 માંણસો એટલા થાકી ગયા હતા કે કોતરને ઓળંગી ન શકે, તેઓ ત્યાં જ રોકાઈ ગયા, પરંતુ બાકીના 400 માંણસોએ તો પીછો જારી રાખ્યો.
11 રસ્તામાં તેમને ખેતરમાં એક મિસરી મળ્યો, તેને તેઓ દાઉદ આગળ લઈ ગયા,અને ખાવા માંટે રોટલી અને પીવા માંટે પાણી આપ્યું.
12 તેઓએ તેને થોડા અંજીર અને દ્રાક્ષાની બે લૂમો પણ ખાવા માંટે આપ્યા અને ત્યાર બાદ તેને થોડી શાંતિ પાછી મળી, કારણ કે ત્રણ દિવસ અને ત્રણ રાત તેણે કશું ખાધું કે પીધું નહોતું.
13 દાઉદે તેને પૂછયું, “તારો ધણી કોણ છે? અને તું કયાંથી આવે છે?”
તેણે કહ્યું, “હું મિસરી જુવાન છું. એક અમાંલેકીનો ગુલામ છું. પણ હું ત્રણ દિવસ પહેલા માંદો પડયો, તેથી માંરા ધણી મને મૂકીને ચાલ્યા ગયા.
14 અમે નેગેબ પર આક્રમણ કર્યુ જ્યાં કરેથીઓ અને કાલેબના લોકો રહે છે અને યહૂદાની ભૂમિ ઉપર આક્રમણ કરીને સિકલાગને અમે બાળી નાખ્યું.”
15 દાઉદે તેને પૂછયું, “તું મને એ હુમલા-ખોરો પાસે લઈ જશે?”
તે યુવાને ઉત્તર આપ્યો, “જો તમે મને દેવના સોગંદ ખાઈને વચન આપો કે તમે મને માંરી નહિ નાખો, અથવા માંરા ધણીને નહિ સોંપી દો, તો હું તમને ત્યાં લઈ જાઉં.”
અમાંલેકીઓને હરાવતો દાઉદ
16 પછી તે તેને ત્યાં લઈ ગયો. તેણે જોયું કે તે લોકો મેદાનમાં ચારે તરફ લાંબા થઈને પડયા હતા, તેઓ ખાઈ પીને મોજ ઉડાવતા હતા, તેઓ પલિસ્તી અને યહૂદામાંથી કબજે કરેલી પુષ્કળ લૂંટનો આનંદ માંણતા હતા.
17 દાઉદે બીજે દિવસે પરોઢિયે તેમના ઉપર હુમલો કર્યો અને છેક સાંજ સુધી ચાલુ રાખ્યો, ફકત 400 માંણસો ઊંટ ઉપર સવાર થઈને ભાગી ગયા, તે સિવાય કોઈ બચવા પામ્યું નહિ.
18 અમાંલેકીઓ લૂંટીને લઈ ગયા હતા તે સર્વ દાઉદ પાછું લાવ્યો, દાઉદે તેની બંને પત્નીઓને પણ છોડાવી.
19 કઇજ ગુમ થયેલું નહતું. તેમને એમના બધાં સંતાનો અને તેમના બધા સગાઓ, જુવાન અને વૃદ્ધ પાછા મળી ગયા. તેમને તેમની બધી બહુંમૂલ્ય વસ્તુઓ પાછી મળી ગઇ. અમાંલેકીઓ જે બધું લઇ ગયા હતા તેમને પાછું મળી ગયું. દાઉદ બધી જ વસ્તુઓ પાછી લઇ આવ્યો.
20 તેણે ઘેટાંબકરાં અને ઢોરોનો પણ કબજો લીધો અને તેના માંણસો “આ દાઉદની લૂંટ છે” એમ કહીને દાઉદની આગળ આગળ તેમને હાંકવા લાગ્યા.
સર્વને સમાંન ભાગ
21 ત્યારબાદ દાઉદ જે 200 માંણસો થાકને કારણે એની સાથે જઈ શકયા નહોતા અને જેમને એ બસોરના કોતર આગળ મૂકી ગયો હતો, તેમની પાસે પાછો ગયો, તેઓ એને અને એના માંણસોને મળવા સામાં આવ્યા. દાઉદે તેમની પાસે જઈ કુશળ સમાંચાર પૂછયા.
22 દાઉદની સાથે જે માંણસો ગયા હતા તેમાંના કેટલાક દુષ્ટ માંણસો હતા તેઓએ કહ્યું, “એ માંણસો આપણી સાથે આવ્યા નહોતા. આપણે જે લૂંટ પાછી મેળવી છે તેમાંથી આપણે તેમને કશું આપીશું નહિ. એ માંણસો પોતપોતાનાં બૈરીછોકરાંને લઈને જતા રહે.”
23 પરંતુ દાઉદે કહ્યું, “ના, માંરા ભાઈઓ! યહોવાએ આપણને બચાવ્યા છે, અને આપણા દુશ્મનોને હરાવવામાં આપણને મદદ કરી છે.
24 તમે આ પ્રમાંણે બોલો તે કોણ સાંભળશે? જે લોકોએ આપણા ગયા બાદ, આપણી સેનાનો પૂરવઠો સંભાળ્યો હતો તેમને પણ યુદ્ધમાં જે માંણસો ગયા હતા તેમના જેટલો સરખો ભાગ મળવો જોઇએ.”
25 તે દિવસથી દાઉદે ઇસ્રાએલ માંટે આ નિયમ કર્યો જે આજપર્યંત ચાલું છે.
26 દાઉદ સિકલાગ પહોંચ્યા ત્યારે તેણે લૂંટનો થોડો ભાગ પોતાના મિત્રોને, યહૂદાના આગેવાનોને, આ સંદેશા સાથે મોકલી આપ્યો કે, “યહોવાના દુશ્મનો પાસેથી જે લૂટ મેં પાછી લીધી તેમાંથી તમને આ ભેટ મોકલી છે.”
27 દાઉદે મેળવેલી લૂંટમાંથી તેણે જે નગરોના વડીલો પર ભેટો મોકલી તેની યાદી: બેથેલ, દક્ષિણમાં રામોથ, યાત્તીર
28 અરોએર, સિફમોથ, એશ્તમોઆ,
29 રાખાલ, યરાહમએલી, કેનીઓનાં નગરો.
30 હોર્માંહ, કાર-આશાન, આથાખ
31 અને હેબ્રોન તથા દાઉદના રઝળપાટ દરમ્યાન તે અને તેના માંણસો જયાં જયાં રહ્યાં હતાં તે બધાં સ્થળોના માંણસોને મોકલી આપી.