10
યહોવાની પ્રતિક્ષા
1 વસંતઋતુમાં વરસાદ માટે યહોવાને પોકારો. તે યહોવા છે જે વાદળો અને વરસાદને મોકલે છે અને દરેક માણસના ખેતરમાં લીલોતરી ઉગાડે છે;
2 જ્યારે મૂર્તિઓ અર્થ વગરનું બોલે છે. અને જોષીઓ જૂઠા જોષ જુએ છે, સ્વપ્ન જોનારાઓ ખોટાં સ્વપ્નો વર્ણવે છે અને અવાસ્તવિક ભરોસો આપે છે, આથી લોકો બકરાઁની જેમ રખડે છે, તેઓ દુ:ખી છે કારણ, હુમલા સામે તેઓનું રક્ષણ કરનાર કોઇ પાળક નથી.
3 યહોવા કહે છે, “મારો રોષ રાજકર્તાઓ વિરુદ્ધ સળગી ઊઠયો છે; તેઓએ મારી પ્રજાઓની સાથે જે રીતે વર્તણૂંક કરી છે તેને કારણે હું તેઓને સજા કરીશ.” હું સૈન્યોનો દેવ યહોવા, મારા આશ્રિતો યહૂદિયાઓની સંભાળ લઇશ, અને તેઓને હું યુદ્ધના અશ્વો જેવા બનાવીશ.
4 “તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે.
5 દેવની સહાયથી તેઓ બળવાન યોદ્ધાઓ થશે અને દુશ્મનોને રસ્તાના કાદવમાં કચડી નાખશે. યહોવા તેમની સાથે છે. તેઓ શત્રુઓના સૈનિકોને હરાવી દેશે.
6 હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ અને ઇસ્રાએલના લોકોને પણ ઉગારી લઇશ. મને તેમના પર દયા આવે છે, માટે હું તેમને પાછા લાવીશ અને કોણ જાણે કેમ મેં તેમનો ત્યાગ જ ન કર્યો હોય એવી તેમની સ્થિતિ હશે, કારણ, હું યહોવા, તેમનો દેવ છું અને તેમની પ્રાર્થના સાંભળીશ.
7 ઇસ્રાએલના લોકો બળવાન યોદ્ધા જેવા બની જશે અને તેમનાં હૃદય દ્રાક્ષારસ પીધો હોય એમ આનંદમાં આવી જશે. તેમના વંશજો તે જોઇને ખુશ થશે અને મારી કૃપા યાદ કરીને તેમનાં હૃદય હરખાશે.
8 “હું તેમને સીટી વગાડીને સંકેત કરીશ અને તેઓને સાથે ભેગા થવા માટે બોલાવીશ. અને તેઓની સંખ્યાં વધીને પહેલાનાં જેટલી થશે.
9 મેં તેમને જુદી જુદી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખ્યાં છે છતાં દૂરદૂરના દેશોમાં તેઓ મને સંભારશે. અને તેઓ પોતાનાં બાળકો સાથે જીવતાં પાછા આવશે.
10 હું મિસરમાંથી અને આશ્શૂરમાંથી તેમને પાછા લાવી ઘરભેગાં કરીશ; હું તેમને ગિલયાદ તથા લબાનોનની ભૂમિમાં લાવીશ; અને ત્યાં પણ તેઓ એટલા બધા હશે કે ત્યાં પૂરતી જગ્યા નહિ હોય.
11 તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.”
12 યહોવા કહે છે, “હું મારા લોકને મારા સાર્મથ્યથી બળવાન કરીશ, અને તેઓ મારે નામે આગળ વધશે.” આ યહોવાના વચન છે.