14
નિર્ણયનો દિવસ
1 જુઓ, યહોવાનો એક દિવસ આવશે, જ્યારે યરૂશાલેમમાંથી લીધેલી લૂંટ તમારા દેખતાં વહેંચી લેવાશે.
2 કારણકે યહોવા બધી પ્રજાઓને યરૂશાલેમ સામે યુદ્ધે ચઢવા ભેગી કરશે, નગર કબજે કરવામાં આવશે. ઘરો લૂંટી લેવામાં આવશે અને સ્ત્રીઓને ષ્ટ કરવામાં આવશે; અડધું નગર દેશવટે જશે, પરંતુ બાકીના લોકો નગરમાં જ રહેશે.
3 ત્યારબાદ યહોવા પોતે લડાઇને માટે સુસજ્જ થઇને તે દેશોની વિરુદ્ધ લડવા માટે જશે.
4 તે દિવસે યહોવા યરૂશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે, પછી એ જૈતૂન પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી બે ભાગમાં વહેચાંઇ જશે, અને વચ્ચે એક મોટી ખીણ થઇ જશે, અડધો પર્વત ઉત્તર તરફ હઠી જશે અને બાકીનો અડધો દક્ષિણ તરફ.
5 તમે પર્વતોની વચ્ચેની ખીણમાં થઇને નાસી જશો. તમારા વડવાઓ યહૂદિયાના રાજા ઉઝિઝયાના અમલ દરમ્યાન ધરતીકંપ વખતે ભાગી ગયેલા જેવા તમે લાગશો.
6 ત્યારબાદ તમારા દેવ યહોવા પોતાની સાથે સર્વ પવિત્ર લોકોને લઇને આવશે.
7 તે દિવસે એ ખૂબ મહત્વનો દિવસ હશે, દિવસ પણ નહિ અને રાત પણ નહિ, ફકત યહોવા જ જાણે છે કે તે કેવી રીતે બનશે, સાંજે પણ અજવાળું હશે.
8 તે દિવસે યરૂશાલેમમાંથી ઝરણું વહેવા માંડશે; અડધું પૂર્વ સમુદ્રમાં જશે અને અડધું પશ્ચિમ સમુદ્રમાં જશે. એ ઉનાળામાં તેમ જ શિયાળામાં પણ સતત વહેતું જ રહેશે.
9 પછી યહોવા આખી પૃથ્વી ઉપર રાજ્ય કરશે. તે વખતે યહોવા જ એક દેવ હશે અને તે એક જ નામે ઓળખાશે.
10 યરૂશાલેમની આસપાસનો સમગ્ર પ્રદેશ ઉત્તરમાં ગેબાના મેદાનથી તે દક્ષિણમાં રિમ્મોન સુધી સપાટ મેદાન થઇ જશે, પણ યરૂશાલેમ બિન્યામીનના દરવાજાથી ખૂણાના દરવાજા સુધી જ્યાં પહેલાં એક દરવાજો હતો, અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષ ગૂંદવાના કૂંડાઓ સુધી, પોતાની જગ્યાએ ઊંચું જ રહેશે.
11 લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.
12 યરૂશાલેમ સામે યુદ્ધે ચઢનાર બધી પ્રજાઓમાં યહોવા આવો એક રોગ ફેલાવશે; તેઓ ઊભા હશે ત્યાં જ તેમનું માંસ સડી જશે, તેમની આંખો તેમના ગોખલામાં સડી જશે, અને તેમની જીભ તેમના મોઢામાં જ સડી જશે.
13 તે વખતે યહોવા તેમને એવા તો ભયભીત તથા બેબાકળા બનાવી દેશે કે દરેક જણ પોતાની પાસેનાનો હાથ પકડી તેને મારવા લાગશે. તેઓ એકબીજા સાથે લડશે.
14 ત્યારે યહૂદિયા યરૂશાલેમની સામે થશે, આમ બનશે, જ્યારે બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને કપડાં એકઠા કરવામાં આવશે.
15 આ મરકીનો રોગ દુશ્મનોની છાવણીના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં અને બીજા બધા જ પ્રાણીઓને લાગુ પડશે.
16 ત્યારબાદ યરૂશાલેમ સામે યુદ્ધે ચઢેલી પ્રજાઓમાંથી બચવા પામેલા માણસો વષોર્વર્ષ યહોવાની ઉપાસના કરવા અને માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જશે.
17 અને પૃથ્વી પરની કોઇ પણ પ્રજા સૈન્યોનો દેવ યહોવાની ઉપાસના કરવા ત્યાં જશે, નહિ તો તેના દેશમાં વરસાદ નહી વરસે.
18 પરંતુ જો મિસરના લોકો યરૂશાલેમ જવા અને પ્રાર્થનામાં ભાગ લેવા ના પાડશે તો તેઓને મોત ભોગવવું પડશે. માંડવા પર્વની ઉજવણીમાં ભાગ ન લેવા માટે લોકો દુ:ખી થશે.
19 મિસર અને બીજા સર્વ દેશો જેઓ માંડવાપર્વ ઊજવવા યરૂશાલેમ જવા ના પાડે છે, તેઓ સર્વને આ શિક્ષા કરવામાં આવશે.
20 તે દિવસે ઘોડાઓ પરની ઘંટડીઓ ઉપર લખેલું હશે, યહોવાને સમપિર્ત અને યહોવાના મંદિરમાં સામાન્ય વાસણો વેદી આગળનાં વાસણો જેવા પવિત્ર હશે;
21 અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે.
ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.