10
પોતાની ધર્મસેવા તથા આક્ષેપો સામે પાઉલનો બચાવ
હું પાઉલ, જયારે તમારી સમક્ષ હોઉં ત્યારે દીન છું, પણ દૂર હોઉં ત્યારે તમારી સાથે હિંમતવાન છું; હું પોતે ખ્રિસ્તની નમ્રતા તથા સાલસતાથી તમને ખાસ વિનંતી કરું છું. જેઓ અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓ સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવા ધારું છું, તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું.
કેમ કે જોકે અમે શરીરમાં ચાલીએ છીએ, તોપણ અમે શરીર પ્રમાણે લડાઈ કરતા નથી; કેમ કે અમારી લડાઈનાં હથિયાર દૈહિક નથી, પણ ઈશ્વરીય સામર્થ્યથી કિલ્લાઓને તોડી પાડવાને તે શસ્ત્રો સમર્થ છે.
અમે ભ્રામક દલીલોને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. જયારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે, ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ.
તમે ફક્ત બહારનો દેખાવ જુઓ છો. જો કોઈને પોતાનાં પર ભરોસો હોય કે, હું ખ્રિસ્તનો છું, તો તેણે ફરી પોતાને યાદ કરાવવું કે, જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તનાં છીએ. કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને માટે નહિ, પણ તમારી ઉન્નતિ માટે અમને આપ્યો, તે વિષે જો હું કંઈક અધિક અભિમાન કરું, તોપણ શરમાઉ નહિ.
હું ચાહતો નથી કે હું તમને મારા પત્રો દ્વારા બીવડાવનાર જણાઉં. 10 કેમ કે તેઓ કહે છે કે, ‘તેના પત્રો ભારે તથા કડક છે; પણ તે પોતે શરીરે નબળો અને તેનું બોલવું દમ વગરનું છે. 11 તેવું કહેનારા માણસે સમજી લેવું કે, જેવા અમે દૂરથી પત્રો ધ્વારા બોલનાર છીએ તેવા જ, હાજર થઈશું ત્યારે કામ કરનારા પણ થઈશું. 12 જેઓ પોતાના વખાણ કરે છે, તેઓની સાથે પોતાને ગણવા અથવા સરખાવવાને અમે હિંમત કરતા નથી; પણ જયારે તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપે છે તથા સરખાવે છે, ત્યારે તેઓ નિર્બુદ્ધ છે.
13 પણ અમે હદ ઉપરાંત અભિમાન નહિ કરીએ, પણ જે મર્યાદા ઈશ્વરે અમને ઠરાવી આપી છે અને તેમાં તમે પણ આવો છો, તેટલું જ કરીશું. 14 કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ, તેમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી. કેમ કે ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવામાં અમે પ્રથમ હતા કે જેઓ તમારા સુધી આવ્યા.
15 અમે પોતાની હદ બહાર બીજાઓની મહેનત પર અભિમાન કરતાં નથી; પણ અમને આશા છે કે, જેમ જેમ તમારો વિશ્વાસ વધશે અમારી સેવા અમારી પોતાની હદમાં વધશે, 16 કે જેથી તમારાથી આગળના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીએ; અને બીજા હદમાં થયેલા સેવાકાર્ય વિષે અભિમાન કરીએ નહિ. 17 પણ ‘જે કોઈ ગર્વ કરે તે પ્રભુમાં ગર્વ કરે.’ ” 18 કેમ કે જે પોતાની પ્રશંસા કરે છે તે નહિ, પણ જેની પ્રશંસા પ્રભુ કરે છે તે માન્ય થાય છે.