16
બેવફા યરુશાલેમ
1 યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
2 “હે મનુષ્યપુત્ર, યરુશાલેમને તેનાં તિરસ્કારપાત્ર કૃત્યો વિષે જણાવ.
3 તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમ નગરીને આમ કહે છે: “તારી ઉત્પત્તિ તથા તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલાં છે; તારા પિતા અમોરી અને મા હિત્તી હતી.
4 તારો જન્મ જે દિવસે થયો તારી માએ તારી નાળ કાપી ન હતી, કે તને પાણીથી શુદ્ધ કરી ન હતી કે તને મીઠું લગાડ્યું ન હતું, કે તને વસ્ત્રોમાં લપેટી ન હતી.
5 આમાંનુ કોઈ પણ કામ કરવાની કોઈએ તારા પર કૃપાદ્રષ્ટિ કરી નહિ. જે દિવસે તારો જન્મ થયો તે દિવસે તને ખેતરોમાં નાખી દેવામાં આવી હતી. તું તિરસ્કૃત હતી.
6 પણ હું ત્યાંથી પસાર થયો અને મેં તને તારા રક્તમાં આળોટતી જોઈ; ત્યારે મેં તને કહ્યું, તારા રક્તમાં પડેલી તું, ‘જીવ!’
7 મેં તને ખેતરમાં ઊગેલા છોડની જેમ ઉછેરી. અને તું વૃદ્ધિ પામીને મોટી થઈ, તેં સૌદર્ય સંપાદન કર્યું, તારાં સ્તન ઉપસી આવ્યાં અને તારા વાળ પણ વધ્યા; તેમ છતાં તું નિર્વસ્ત્રાવસ્થામાં હતી.
8 ફરી તારી પાસેથી હું પસાર થયો ત્યારે મેં તને જોઈ, તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય હતી, તેથી મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નિર્વસ્ત્રા ઢાંકી. મેં તારી આગળ સમ ખાધા અને તારી સાથે કરાર કર્યો,” “તું મારી થઈ. આમ પ્રભુ યહોવાહ કહે છે.
9 મેં તને પાણીથી નવડાવી અને તારા પરથી તારું લોહી ધોઈ નાખ્યું, મેં તને તેલ લગાવ્યું.
10 વળી મેં તને ભરતકામનાં વસ્ત્રો તથા તારા પગમાં ચામડાનાં ચંપલ પહેરાવ્યાં. મેં તારી કમરે શણનો કમરબંધ બાંધ્યો અને તને રેશમી વસ્ત્રો પહેરાવ્યાં.
11 મેં તને કિંમતી આભૂષણોથી શણગારી હાથે બંગડીઓ પહેરાવી અને તારા ગળામાં હાર પહેરાવ્યો.
12 નાકમાં વાળી અને કાનમાં બુટ્ટી પહેરાવી અને માથે સુંદર મુગટ મૂક્યો.
13 સોનાચાંદીથી તને શણગારી તને શણ, રેશમ તથા ભરતકામનાં વસ્ત્રો પહેરાવ્યાં; તેં ઉત્તમ લોટ, મધ તથા તેલ ખાધાં, તું વધારે સુંદર લાગતી હતી, તું રાણી થઈ.
14 તારી સુંદરતાને કારણે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ છે, કેમ કે યહોવાહ કહે છે કે, જે મારા પ્રતાપથી મેં તને વેષ્ટિત કરી હતી, તેથી કરીને તારું સૌદર્ય પરિપૂર્ણ થયું હતું.
15 “પણ તેં તારી પોતાની સુંદરતા પર ભરોસો કર્યો છે, તારી કીર્તિને લીધે વ્યભિચારી સ્ત્રી થઈ, તેં પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો.
16 તેં તારા વસ્ત્રોમાંથી લઈને અલગ અલગ રંગના વસ્ત્રોથી પોતાને માટે ઉચ્ચસ્થાનો બનાવ્યાં, ત્યાં વ્યભિચાર કર્યો. એવું કદી થયું ન હતું અને થશે પણ નહિ.
17 મારાં સોનાચાંદીનાં તારાં જે ઘરેણાં મેં તને આપ્યાં હતાં, તે લઈને તેં પોતાને માટે પૂતળાં બનાવ્યાં, તેની સાથે વ્યભિચાર કર્યો.
18 તેં તારા ભરતકામનાં વસ્ત્રો લઈને તેઓને ઓઢાડ્યાં, મારું તેલ તથા મારો ધૂપ તેઓને ચઢાવ્યાં.
19 અને મારા ઉત્તમ લોટની રોટલી, મધ તથા તેલ જે તને ખાવા આપ્યાં હતાં, તે તેં સુવાસિત સુવાસને સારુ તેઓને ચઢાવી દીધાં. એમ જ થયું!” એવું પ્રભુ યહોવાહ કહે છે.
20 “વળી મેં તને જે દીકરા-દીકરીઓના દાન આપ્યાં તેઓને લઈને તેં તેઓને બલિદાન તરીકે આપ્યાં. શું તારો આ વ્યભિચાર તને નાની વાત લાગે છે? એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,
21 તેં મારાં બાળકોને તેઓને માટે અગ્નિમાં બલિદાન કરીને મારી નાખ્યાં.
22 તારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તથા વ્યભિચાર કરતી વખતે તારી જુવાનીના દિવસો વિષે વિચાર કર્યો નહિ, તારા બાળપણમાં તું નગ્ન અને રક્તમાં આળોટતી હતી તેં તે દિવસોનું સ્મરણ કર્યું નહિ.
યરુશાલેમનું વેશ્યા જેવું જીવન
23 “માટે, તારી સર્વ દુષ્ટતાને કારણે, પ્રભુ યહોવાહ આમ કહે છે, અફસોસ, તને અફસોસ!”
24 તેં તારા પોતાને માટે ઘૂમટ બંધાવ્યો છે, દરેક જગ્યાએ ભક્તિસ્થાનો બનાવ્યા છે.
25 તેં રસ્તાના દરેક મથક આગળ સભાસ્થાનો બંધાવ્યા છે, પોતાની સુંદરતાને કંટાળો આવે એવું તેં કરી નાખ્યું છે, કેમ કે તેં પાસે થઈને જનાર દરેકની આગળ પોતાના પગ ખુલ્લા કરીને વ્યભિચાર કર્યો છે.
26 તેં પુષ્કળ વિલાસી ઇચ્છાવાળા મિસરવાસીઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં મને ગુસ્સે કરવા ઘણો બધો વ્યભિચાર કર્યો છે.
27 તેથી જો, હું તારી સામે મારો હાથ લંબાવીશ અને તારો ખોરાક ઓછો કરી નાખીશ. હું તારું જીવન તારા શત્રુઓના હાથમાં સોંપી દઈશ. પલિસ્તીઓની પુત્રીઓ તારાં શરમજનક કાર્યોથી શરમાઈ ગઈ છે.
28 તને સંતોષ ન થતાં તેં આશ્શૂરના લોકોની સાથે પણ વ્યભિચાર કર્યો છે. તેઓની સાથે વ્યભિચાર કર્યો છતાંય તું સંતોષ પામી નહિ.
29 વળી તેં કનાન દેશથી માંડીને ખાલદી દેશ સુધી તારો વ્યભિચાર વધારી દીધો તેમ છતાં તને તૃપ્તિ થઈ નહિ.
30 “તું આવાં બધાં કાર્યો એટલે સ્વચ્છંદી વ્યભિચારી સ્ત્રીનાં કાર્યો કરે છે માટે તારું હૃદય નબળું પડ્યું છે? “એવું પ્રભુ યહોવાહ કહે છે.
31 તું તારો ઘૂમટ દરેક શેરીને મથકે બાંધે છે અને દરેક જગ્યાએ તું તારાં મંદિરો બાંધે છે, તું ખરેખર ગણિકા નથી, કેમ કે તું તારા કામના પૈસા લેવાનું ધિક્કારે છે.
32 તું વ્યભિચારી સ્ત્રી, તું તારા પતિને બદલે પરદેશીઓનો અંગીકાર કરનારી.
33 લોકો દરેક ગણિકાઓને પૈસા આપે છે, પણ તું તારું વેતન તારા પ્રેમીઓને તથા જેઓ ચારેબાજુથી તારી સાથે વ્યભિચાર કરવાને આવે છે તેઓને લાંચ તરીકે આપે છે.
34 તેથી તારી અને બીજી ગણિકાઓ વચ્ચે તફાવત છે, કેમ કે કોઈ તારી સાથે સૂવાને તારી પાછળ આવતું નથી, પણ તું તેઓને વેતન આપે છે, કોઈ તને આપતું નથી.”
યરુશાલેમ સામે ઈશ્વરનો ચુકાદો
35 તેથી હે ગણિકા, યહોવાહનું વચન સાંભળ.
36 પ્રભુ યહોવાહ એવું કહે છે: “તારી મલિનતા રેડવામાં આવી અને તારા પ્રેમીઓ સાથેના વ્યભિચારથી તારી નિર્વસ્ત્રતા ઉઘાડી થઈ છે તેને કારણે તથા તારાં બધા ધિક્કારપાત્ર કૃત્યોની બધી મૂર્તિઓને લીધે અને તારાં અર્પણ કરેલાં બાળકોના લોહીને લીધે;
37 જો, હું તારા પ્રેમીઓને-જેઓને તું મળી હતી તેઓને, જે બધાઓને તું પ્રેમ કરતી હતી, જે બધાને તું ધિક્કારતી હતી તેઓને પણ હું ભેગા કરીશ, તેઓને હું ચારેબાજુથી ભેગા કરીશ. તેઓની આગળ તને ઉઘાડી કરીશ, જેથી તેઓ તારું સર્વ ઉઘાડુંપણું જુએ.
38 ખૂની તથા વ્યભિચારી સ્ત્રીને જે પ્રમાણે શિક્ષા થાય છે તેવી શિક્ષા હું તને કરીશ. હું તારા પર મારો ક્રોધ તથા આવેશ ઉતારીશ.
39 હું તને તેઓના હાથમાં આપી દઈશ જેથી તેઓ તારો ઘૂમટ પાડી નાખશે અને તારાં મંદિરો તોડી નાખશે, તેઓ તારાં વસ્ત્ર તારા શરીર પરથી ઉતારી લેશે. તારાં સુંદર ઘરેણાં લઈ લેશે; તેઓ તને નિર્વસ્ત્ર તથા ઉઘાડી મૂકી જશે.
40 તેઓ તારી સામે ટોળું લાવશે અને તને પથ્થરે મારશે અને પોતાની તલવારથી તને કાપી નાખશે.
41 તેઓ તારાં મકાનો બાળી મૂકશે અને ઘણી સ્ત્રીઓના દેખતાં તને સજા કરશે. આમ, હું તારા વ્યભિચારનો અંત લાવીશ અને ત્યાર પછી તું કોઈને કંઈ પણ વેતન આપશે નહિ.
42 ત્યારે હું તારા પરનો મારો રોષ શાંત કરીશ; મારો ગુસ્સો શમી જશે, કેમ કે મને સંતોષ થશે અને ત્યાર પછી હું ગુસ્સો કરીશ નહિ.
43 પણ તેં તારી જુવાનીના દિવસો યાદ ન કરતાં, આ બધી બાબતોથી મને ગુસ્સો ચડાવ્યો છે-જો, હું તને તારાં કૃત્યો માટે સજા કરીશ” એવું પ્રભુ યહોવાહ કહે છે, “તારાં ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત શું તેં આ દુષ્ટ કામ નથી કર્યું?
જેવી મા તેવી દીકરી
44 જો, કહેવતોનો ઉપયોગ કરનાર દરેક તારે માટે આ કહેવત કહેશે, જેવી મા તેવી દીકરી.
45 તું તારી માની દીકરી છે. જેણે પોતાના પતિને તથા પોતાના સંતાનોને ધિક્કાર્યાં હતાં. તું તારી બહેનોની બહેન છે, જેઓએ પોતાના પતિને તથા સંતાનોને ધિક્કાર્યાં હતાં. તારી મા હિત્તી તથા પિતા અમોરી હતા.
46 તારી મોટી બહેન સમરુન હતી, જે પોતાની દીકરીઓ સાથે તારી ઉત્તર બાજુએ રહે છે, તારી દક્ષિણબાજુ રહેનારી તારી નાની બહેન તે સદોમ તથા તેની દીકરીઓ છે.
47 તેઓને પગલે ચાલીને તથા તેઓનાં જેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તું તૃપ્ત થઈ નથી; તે નાની બાબત હોય તેમ સમજીને તું તારા સર્વ માર્ગોમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ છે.
48 પ્રભુ યહોવાહ કહે છે કે, મારા જીવના સમ” સદોમ તથા તેની દીકરીઓએ, તારી તથા તારી દીકરીઓના જેટલું દુષ્ટ કાર્ય કર્યું નથી.
49 જો, તારી બહેન સદોમનાં પાપ આ પ્રમાણે હતાં: અભિમાન, આળસ તથા અન્નની પુષ્કળતા તથા જાહોજલાલીને લીધે તે તથા તેની દીકરીઓ અભિમાની થઈ ગઈ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.
50 તે અભિમાની હતી અને મારી આગળ ધિક્કારપાત્ર કૃત્યો કરતી હતી, તેથી મને યોગ્ય લાગ્યું તે પ્રમાણે મેં તેઓને દૂર કરી.
51 સમરુને તો તારાથી પ્રમાણમાં અડધા પાપ પણ કર્યા નથી; પણ તેં તેઓએ કર્યાં તેના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે, જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેના કરતાં તેં તારી બહેનોને સારી બતાવી છે.
52 તેં બતાવ્યું છે કે તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે, તેથી તું લજ્જિત થા; કેમ કે તેં તારા પાપના લીધે તેઓના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે. તારી બહેનો તારા કરતાં ઉત્તમ છે. તું, લજ્જિત થા, આ પ્રમાણે તેં બતાવ્યું છે કે તારા કરતાં તારી બહેનો ઉત્તમ છે.
સદોમ અને સમરૂન પુન:સ્થાપિત કરાશે
53 હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.
54 આને કારણે તું લજ્જિત થશે, તેં જે જે કર્યું છે, જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે. તે સર્વને લીધે તું અપમાનિત થશે.
55 તારી બહેનો સદોમ તથા તેની દીકરીઓ પોતાની અગાઉની સ્થિતિમાં પાછી આવશે, સમરુન તથા તેની દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછી આવશે. તેમ જ તું તથા તારી દીકરીઓ પણ અગાઉની સ્થિતિમાં પાછાં આવશો.
56 તારા ઘમંડના દિવસોમાં તેં તારી બહેન સદોમ નું નામ તારા મુખેથી લીધું ન હતું,
57 પણ હવે અરામની દીકરીઓ અને પલિસ્તીઓની દીકરીઓ જેઓ ચારેબાજુ તને ધિક્કારે છે, તેઓએ તારું અપમાન કર્યું ત્યારે તારી દુષ્ટતા પ્રગટ થઈ છે.
58 તું તારાં શરમજનક કાર્યો તથા તારાં ધિક્કારપાત્ર કાર્યોની ફળ ભોગવે છે એવું પ્રભુ યહોવાહ કહે છે.
સદાકાળ ટકે તેવો કરાર
59 પ્રભુ યહોવાહ કહે છે, “તેં કરાર તોડીને સમનો તિરસ્કાર કર્યો છે, માટે હું તને શિક્ષા કરીશ.
60 પણ હું તારી જુવાનીમાં તારી સાથે કરેલો કરાર યાદ રાખીને, હું તારી સાથે સદાકાળનો કરાર સ્થાપીશ.
61 જ્યારે તું તારા માર્ગો યાદ કરશે અને શરમાશે, ત્યારે તું તારી મોટી બહેન તથા તારી નાની બહેનનો સ્વીકાર કરશે.
62 હું તારી સાથે મારો કરાર સ્થાપીશ ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું.
63 જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમના લીધે પોતાનું મુખ પણ ફરીથી નહિ ખોલે. “એવું પ્રભુ યહોવાહ કહે છે.”