39
ગોગનો પરાજય
1 “હે મનુષ્યપુત્ર, ગોગની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને કહે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, હે મેશેખ તથા તુબાલના સરદાર ગોગ, જો, હું તારી વિરુદ્ધ છું.
2 હું તને પાછો ફેરવીને દોરી લઈ જઈશ; હું તને ઉત્તરના દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર લાવીશ.
3 હું તારા ડાબા હાથમાંનું ધનુષ્ય તોડી પાડીશ અને તારા જમણા હાથમાંનાં તારાં બાણ પાડી નાખીશ.
4 તું, તારું આખું સૈન્ય તથા તારી સાથેના બધા સૈનિકો ઇઝરાયલના પર્વતો પર માર્યા જશે. હું તને શિકારી પક્ષીઓ તથા જંગલી પશુઓને ખોરાક તરીકે આપીશ.
5 તું ખુલ્લી જમીન પર મૃત્યુ પામેલો પડશે, કેમ કે હું તે બોલ્યો છું.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
6 જ્યારે હું માગોગ પર તથા સમુદ્રકિનારે સુરક્ષિત વસેલા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
7 હું મારા ઇઝરાયલી લોકોમાં મારું નામ પવિત્ર છે તે જણાવીશ, હું હવે કદી મારું નામ અપવિત્ર થવા દઈશ નહિ; ત્યારે પ્રજાઓ જાણશે કે હું યહોવાહ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.
8 જુઓ, જે દિવસ વિષે હું બોલ્યો છું તે આવે છે, તે અમલમાં આવશે.’ આમ પ્રભુ યહોવાહ બોલ્યા છે.
9 ઇઝરાયલનાં નગરોના રહેવાસીઓ બહાર આવીને, યુદ્ધશસ્ત્રો, નાની ઢાલો, મોટી ઢાલો, ધનુષ્યો, તીરો, હાથભાલા તથા ધનુષ્યોને અગ્નિથી સળગાવી દેશે અને તેઓ તેને સાત વરસ સુધી બાળશે.
10 તેઓ વનમાંથી લાકડાં ભેગાં કરશે નહિ અને જંગલમાંથી કાપી લાવશે નહિ, તેઓ હથિયારો બાળશે; તેઓને લૂંટનારાઓને તેઓ લૂટશે અને પાયમાલ કરનારાઓને પાયમાલ કરશે. આમ પ્રભુ યહોવાહ કહે છે.
ગોગનાં મૃત લશ્કરોનું કબ્રસ્તાન
11 તે દિવસે ઇઝરાયલમાં કબરને માટે ગોગને સમુદ્રને પૂર્વે કિનારે થઈને જનારાઓની ખીણ હું આપીશ; તે ત્યાં થઈને જનારાઓનો રસ્તો રોકશે. તેઓ ત્યાં ગોગ તથા તેના સમગ્ર સમુદાયને દફનાવશે. તેઓ હામોન ગોગની ખીણના નામથી ઓળખાશે.
12 વળી દરેકને દફનાવતાં તથા દેશને શુદ્ધ કરતાં ઇઝરાયલીઓને સાત મહિના લાગશે.
13 કેમ કે દેશના સર્વ લોકો તેઓને દફનાવશે; પ્રભુ યહોવાહ કહે છે કે, જ્યારે હું મહિમાવાન થઈશ.’ ત્યારે તે દિવસ તેઓના માટે યાદગાર દિવસ થશે.
14 ‘તેઓ અમુક માણસોને જુદા કરશે, ત્યાં થઈને જનારાઓના જ મૃતદેહો પૃથ્વીની સપાટી પર રહી ગયા હોય તેઓને દફનાવીને દેશને સર્વત્ર શુદ્ધ કરે. તેઓ આ કાર્ય સાત મહિના પછી કરે.
15 દેશમાં સર્વત્ર ફરનારા માણસો જો કોઈ મનુષ્યનું હાડકું જુએ તો તેમણે હાડકા પર ચિહ્ન કરવું, પછી કબર ખોદનારાઓ આવીને તેને હામોન ગોગની ખીણમાં દફનાવી દે.
16 ત્યાં જે નગર છે તે હામોનાહ કહેવાશે. આમ તેઓ દેશને શુદ્ધ કરશે.
17 હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, “તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.
18 તમે યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના સરદારોનું લોહી પીઓ; મેંઢાંઓનું, હલવાનોનું, બકરાઓનું તથા બળદોનું લોહી પણ પીઓ. તેઓ બાશાનનાં પુષ્ટ પશુઓ છે.
19 જે બલિદાન મેં તમારે સારું કર્યું છે, તેની ચરબી તમે તૃપ્ત થાઓ ત્યાં સુધી ખાઓ; જ્યાં સુધી નશો ચઢે ત્યાં સુધી તમે લોહી પીઓ.
20 તમે મારા જમણમાં ઘોડાઓ, રથો, શૂરવીર તથા દરેક યોદ્ધાઓથી તૃપ્ત થશો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
ઇઝરાયલનો પુનરોદ્ધાર
21 ‘હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.
22 તે દિવસથી ઇઝરાયલી લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું.
23 બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલી લોકો જેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓ તેઓના અન્યાયને લીધે બંદીવાસમાં જશે, તેથી હું મારું મુખ તેઓનાથી અવળું ફેરવીશ અને તેઓને તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ જેથી તેઓ બધા તલવારથી માર્યા જાય.
24 તેઓની અશુદ્ધતા તથા પાપોને પ્રમાણે મેં તેઓની સાથે કર્યું અને તેઓનાથી મેં મારું મુખ અવળું ફેરવ્યું.’ ”
25 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: હું યાકૂબની હાલત ફેરવી નાખીશ, ઇઝરાયલી લોકો પર કરુણા કરીશ, હું મારા પવિત્ર નામ વિષે આવેશી થઈશ.
26 તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.
27 જ્યારે હું તેઓને પ્રજાઓ મધ્યેથી પાછા લાવીશ અને તેઓને તેઓના શત્રુઓના દેશમાંથી ભેગા કરીશ, ત્યારે હું સર્વ પ્રજાઓ સમક્ષ પવિત્ર મનાઈશ.
28 ત્યારે મારા લોકો જાણશે કે હું યહોવાહ તેઓનો ઈશ્વર છું, કેમ કે, મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા હતા અને હું તેઓને પોતાના દેશમાં ભેગા કરીને પાછો લાવ્યો. હું કોઈને પડતા મૂકીશ નહિ.
29 હું ઇઝરાયલી લોકો પર મારો આત્મા રેડીશ. તે પછી ફરી કદી તેઓનાથી મારું મુખ અવળું ફેરવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”