19
સદોમનું નાશ
સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેણે કહ્યું, “મારા પ્રભુ, કૃપા કરો, હું તમને વિનંતી કરું છું કે તમારા દાસને ઘરે આવો, રાતવાસો કરો અને મારા મહેમાન થાઓ. પછી વહેલા ઊઠીને તમારા માર્ગે જજો.” અને તેઓએ કહ્યું, “ના, અમે તો આખી રાત નગરના ચોકમાં વિતાવીશુ.” પણ તેણે તેઓને ઘણો આગ્રહ કર્યો તેથી તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં પ્રવેશ કર્યો. તેણે ભોજન અને બેખમીરી રોટલી તૈયાર કરી અને તેઓ જમ્યા.
પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું. તેઓએ લોતને બોલાવ્યો અને તેને કહ્યું, “જે માણસો આજ રાત્રે તારી પાસે આવ્યા તેઓ ક્યાં છે? તેઓને અમારી પાસે બહાર લાવ, કે અમે તેઓ પર બળાત્કાર કરીએ.”
તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું. તેણે કહ્યું, “મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ. મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો.”
તેઓએ કહ્યું, “પાછો હટ!” તેઓએ એ પણ કહ્યું, “આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું.” તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં.
10 પણ અંદર રહેલા પુરુષોએ પોતાના હાથ લંબાવીને તેઓની પાસેથી લોતને ઘરમાં ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું. 11 અને ઘરના બારણા પાસે જે હતા, તે સર્વને અંધ બનાવી દીધા. તેઓ ઘરનું બારણું શોધતાં શોધતાં થાકી ગયા.
લોત અને તેના કુટુંબ સદોમ છોડ્યું
12 પછી તેઓએ લોતને કહ્યું, “અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે. 13 અમે આ જગ્યાનો નાશ કરવાના છીએ, કારણ કે આ લોકોનાં ખરાબ કૃત્યો તેઓની વિરુદ્ધ ઈશ્વરની આગળ પુષ્કળ પ્રમાણમાં થયાં છે. તેથી તેઓનો નાશ કરવાને ઈશ્વરે અમને મોકલ્યા છે.”
14 લોત બહાર આવ્યો, એટલે તેની દીકરીઓ સાથે લગ્ન કરવાનું વચન આપનારા તેના જમાઈઓને કહ્યું, “જલ્દી, આ જગ્યાથી બહાર જતા રહો, કેમ કે ઈશ્વર આ નગરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને એમ લાગ્યું કે તે મજાક કરે છે. 15 વહેલી સવારે દૂતોએ લોતને તાકીદ કરીને કહ્યું, “ઊઠ, તારી પત્નીને તથા તારી બે દીકરીઓ જે અહીં છે તેઓને લઈને નીકળી જા, જેથી નગરને થનારી સજામાં તું નાશ ન પામે.”
16 પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં. 17 તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, “તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે.”
18 લોતે તેઓને કહ્યું, “ઓ, મારા પ્રભુ, એમ નહિ! 19 તમારો દાસ તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને મારો જીવ બચાવવા માટે તમે મોટી કૃપા બતાવી છે. પરંતુ હું પર્વત પર પણ બચી શકતો નથી, કેમ કે મારા પર આફત આવશે અને હું મરણ પામીશ. 20 હવે જુઓ, નાસી જવાને માટે પેલું નાનું નગર પાસે છે. કૃપા કરીને મને ત્યાં નાસી જવા દો, કે જેથી મારો જીવ બચી જાય.
21 તેમણે તેને કહ્યું, “ઠીક છે, તારી આ વિનંતી હું માન્ય રાખું છું, તેં જે નગરનો ઉલ્લેખ કર્યો છે, તેનો નાશ હું નહિ કરું. 22 ઉતાવળ કર! ત્યાં નાસી જા, કેમ કે તારા ત્યાં પહોંચ્યા સુધી હું કંઈ જ કરી શકતો નથી.” તે માટે તે નગરનું નામ સોઆર* પડ્યું.
સદોમ અને ગમોરાનો વિનાશ
23 લોત સોઆર પહોંચ્યો ત્યારે પૃથ્વી પર સૂર્ય ઊગ્યો હતો. 24 પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં. 25 તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.
26 પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ.
27 ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને જે સ્થળે તે ઈશ્વરની આગળ ઊભો રહ્યો હતો ત્યાં તે આવ્યો. 28 તેણે સદોમ તથા ગમોરાની તરફ અને આખા નીચાણના પ્રદેશ તરફ નજર કરી. તેણે જોયું, તો જુઓ, ભઠ્ઠીના ધુમાડાની પેઠે તે દેશનો ધુમાડો ઊંચે ફેલાતો જતો હતો.
29 આમ જ્યારે ઈશ્વરે તે મેદાનોના નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદ કર્યો. જ્યાં લોત રહેતો હતો, તે નગરોનો નાશ તેમણે કર્યો, ત્યારે એવા નાશમાંથી તેમણે લોતને બહાર લાવીને બચાવી લીધો.
મોઆબીઓ અને આમોનીઓનું મૂળ
30 પણ લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સાથે પહાડમાં જઈને રહ્યો, કેમ કે સોઆરમાં રહેતાં તે બીતો હતો. તેથી તેણે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં વસવાટ કર્યો.
31 મોટી દીકરીએ નાનીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને દુનિયાની રીત પ્રમાણે આપણી સાથે સંબંધ બાંધવાને અહીં આ જગ્યા પર કોઈ પુરુષ નથી. 32 ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને આપણે તેમની સાથે સૂઈ જઈએ, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ.” 33 તેથી તેઓએ તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી મોટી દીકરી અંદર જઈને પોતાના પિતાની સોડમાં સૂઈ ગઈ; તે ક્યારે સૂઈ ગઈ અને તે ક્યારે ઊઠી, એની ખબર લોતને પડી નહિ.
34 બીજા દિવસે મોટી દીકરીએ નાનીને કહ્યું, “સાંભળ, ગઈ કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂઈ ગઈ હતી. ચાલ આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તું પણ અંદર જઈને તેમની સોડમાં સૂઈ જા, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ.” 35 તેઓએ તે રાત્રે પણ પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી નાની દીકરી ઊઠીને તેની સોડમાં સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી, એની કશી ખબર લોતને પડી નહિ.
36 લોતની બન્ને દીકરીઓ પોતાના પિતા દ્વારા ગર્ભવતી થઈ. 37 મોટી દીકરીએ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ મોઆબ રાખ્યું. તે આજ સુધીના મોઆબીઓનો પૂર્વજ છે. 38 એ જ પ્રમાણે નાનીએ પણ એક દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ તેણે બેન-આમ્મી રાખ્યું. તે આજ સુધીના આમ્મોનીઓનો પૂર્વજ છે.
* 19:22 સોઆર નાનું