27
ઇસહાક યાકૂબને આશીર્વાદ આપે છે
જયારે ઇસહાક વૃદ્ધ થયો અને તેની આંખોનું તેજ એટલું બધું ઘટ્યું કે તે નિહાળી શકતો ન હતો. ત્યારે તેણે પોતાના મોટા દીકરા એસાવને બોલાવીને કહ્યું, “મારા દીકરા.” તેણે તેને કહ્યું, “બોલો પિતાજી.” તેણે કહ્યું, “અહીં જો, હું વૃદ્ધ થયો છું. મારા મરણનો દિવસ હું જાણતો નથી.
તે માટે તારાં હથિયાર, એટલે તારા બાણનો ભાથો અને તારું ધનુષ્ય લઈને જંગલમાં જા. મારા માટે શિકાર કર. મને પસંદ છે તેવું સ્વાદિષ્ટ ભોજન મારે માટે તૈયાર કર અને મારી પાસે લાવ કે, તે હું ખાઉં અને હું મરણ પામું તે પહેલાં તને આશીર્વાદ આપું.”
હવે જયારે ઇસહાક તેના દીકરા એસાવની સાથે વાત કરતો હતો ત્યારે રિબકાએ તે સાંભળ્યું હતું. એસાવ શિકાર કરી લાવવા માટે જંગલમાં ગયો. ત્યારે રિબકાએ તેના નાના દીકરા યાકૂબને કહ્યું, “જો, તારા ભાઈ એસાવની સાથે તારા પિતાને મેં વાત કરતા સાંભળ્યા છે. તેમણે કહ્યું, ‘તું શિકાર લાવીને મારે સારુ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર, કે હું તે ખાઉં અને હું મરણ પામું તે અગાઉ ઈશ્વરની હજૂરમાં તને આશીર્વાદ આપું”
માટે, મારા દીકરા, હું તને જે આજ્ઞા કરું તે પ્રમાણે મારું કહેવું માન. તું આપણાં ટોળાંમાંથી ઘેટાંબકરાંનાં બે સારાં લવારાં મારી પાસે લઈ આવ. તેનું હું તારા પિતાને ભાવતું સ્વાદિષ્ટ ભોજન તેમને માટે બનાવી આપીશ. 10 તે તું તારા પિતા આગળ લઈ જજે, કે જેથી તે ખાઈને તેમના મરણ અગાઉ તને આશીર્વાદ આપે.”
11 યાકૂબે તેની માતા રિબકાને કહ્યું, “મારો ભાઈ એસાવ રુંવાટીવાળો માણસ છે અને હું સુંવાળો છું. 12 કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?
13 તેની માતાએ તેને કહ્યું, “મારા દીકરા, તે શાપ મારા પર આવો. માત્ર મારું કહેવું માન અને જઈને લવારાં લઈ આવ.” 14 તેથી યાકૂબ ગયો અને લવારાં લઈને તેની માતાની પાસે આવ્યો; તેની માતાએ તેના પિતાને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું.
15 રિબકાએ તેના જયેષ્ઠ દીકરા એસાવનાં સારાં વસ્ત્ર જે તેની પાસે ઘરમાં હતાં તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યાં. 16 તેણે તેના બન્ને હાથ પર તથા તેના ગળાના સુંવાળા ભાગ પર લવારાનાં ચર્મ વીંટાળી દીધાં. 17 વળી તેણે તૈયાર કરેલું સ્વાદિષ્ટ ભોજન રોટલી તથા શાક તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યાં.
18 યાકૂબે તેના પિતા પાસે જઈને કહ્યું, “મારા પિતા.” તેણે કહ્યું, “મારા દીકરા, હું આ રહ્યો, તું કોણ છે?” 19 યાકૂબે તેના પિતાને કહ્યું, “હું એસાવ તમારો જયેષ્ઠ દીકરો છું; તમારું કહ્યા પ્રમાણે મેં કર્યું છે. હવે, બેઠા થઈને મારો શિકાર ખાઓ અને મને આશીર્વાદ આપો.”
20 ઇસહાકે તેના દીકરાને કહ્યું, “મારા દીકરા, તને આટલો જલ્દી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “કેમ કે ઈશ્વર તારા પ્રભુ, તેને મારી પાસે લાવ્યા.” 21 ઇસહાકે યાકૂબને કહ્યું, “મારા દીકરા, મારી નજીક આવ જેથી હું તને સ્પર્શ કરું અને જાણું કે તું જ મારો સાચો દીકરો એસાવ છે કે નહિ?
22 યાકૂબ તેના પિતા ઇસહાકની પાસે આવ્યો; ઇસહાકે તેને સ્પર્શીને કહ્યું, “આ અવાજ તો યાકૂબનો અવાજ છે પણ હાથ તો એસાવના છે.” 23 તેના હાથ તેના ભાઈ એસાવના જેવા રુંવાટીવાળા હતા માટે ઇસહાક તેને ઓળખી શક્યો નહિ, તેથી તેણે તેને આશીર્વાદ આપવાનું નક્કી કર્યું.
24 તેણે કહ્યું, “શું તું નિશ્ચે મારો દીકરો એસાવ જ છે?” અને તેણે કહ્યું, “હા, હું એ જ છું.” 25 ઇસહાકે કહ્યું, “એ ભોજન મારી પાસે લાવ એટલે હું તારો શિકાર ખાઉં અને તને આશીર્વાદ આપું.” યાકૂબ તેની પાસે ભોજન લાવ્યો. ઇસહાકે ખાધું અને યાકૂબ તેના માટે જે દ્રાક્ષાસવ લાવ્યો હતો તે પણ તેણે પીધો.
26 પછી તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “મારા દીકરા, હવે પાસે આવ અને મને ચુંબન કર. 27 યાકૂબે તેની પાસે આવીને તેને ચુંબન કર્યું. તેણે તેનાં વસ્ત્રોની સુગંધ લીધી અને તેને આશીર્વાદ આપીને કહ્યું,
“જો, ઈશ્વરથી આશીર્વાદ પામેલા ખેતરની સુગંધ જેવી મારા દીકરાની સુગંધ છે.
28 માટે ઈશ્વર તને આકાશનું ઝાકળ.
પૃથ્વીની રસાળ જગ્યા, પુષ્કળ ધાન્ય તથા નવો દ્રાક્ષારસ આપો.
29 લોકો તારી સેવા કરે
અને દેશજાતિઓ તારી આગળ નમે.
તું તારા ભાઈઓનો માલિક થા
અને તારી માતાના દીકરા તારી આગળ નમો.
જે દરેક તને શાપ આપે, તે શાપિત થાય.
જે તને આશીર્વાદ આપે, તે આશીર્વાદ પામે.”
એસાવ ઇસહાકને આશીર્વાદ માટે વિનવે છે
30 ઇસહાક યાકૂબને આશીર્વાદ આપી રહ્યો પછી યાકૂબ પોતાના પિતા ઇસહાકની આગળથી છાનોમાનો બહાર ગયો અને એ જ સમયે તેનો ભાઈ એસાવ શિકાર કરીને પાછો આવ્યો. 31 પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને તેના પિતાની પાસે લાવ્યો અને તેના પિતાને કહ્યું, “મારા પિતા ઊઠીને તારા દીકરાનો શિકાર ખાઓ, કે જેથી તમે મને આશીર્વાદ આપો.”
32 તેના પિતા ઇસહાકે તેને કહ્યું, “તું કોણ છે?” તેણે કહ્યું, “હું તારો જ્યેષ્ઠ દીકરો એસાવ છું.” 33 ઇસહાક બહુ ધ્રૂજી ઊઠ્યો અને બોલ્યો, “ત્યારે જે શિકાર મારીને મારી પાસે લાવ્યો હતો તે કોણ હતો? તારા આવ્યા અગાઉ તે સર્વમાંથી મેં ખાધું અને મેં તેને આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદિત થશે પણ ખરો.”
34 જયારે એસાવે પોતાના પિતાની વાત સાંભળી, ત્યારે તે મોટી તથા બહુ કારમી બૂમ પાડીને રડ્યો અને પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને હા મને પણ, આશીર્વાદ આપ.” 35 ઇસહાકે કહ્યું, “તારા ભાઈએ કપટ કર્યું છે. તેણે આવીને તારો આશીર્વાદ લઈ લીધો છે.”
36 એસાવે તેને કહ્યું, “શું તેનું નામ યાકૂબ* ઠીક નથી પાડ્યું? તેણે મને બે વાર છેતર્યો છે. તેણે મારું જ્યેષ્ઠપણું લઈ લીધું. અને જો, હવે તેણે મારો આશીર્વાદ પણ લઈ લીધો છે.” અને તેણે પૂછ્યું, “શું તેં મારા માટે આશીર્વાદ રાખ્યો નથી?” 37 ઇસહાકે ઉત્તર આપીને એસાવને કહ્યું, “જો, મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના સર્વ ભાઈઓ તેના દાસો થવાને માટે મેં તેને આપ્યાં છે. અને મેં તેને પોષણને માટે ધાન્ય તથા દ્રાક્ષારસ આપ્યાં છે. મારા દીકરા, હું તારે સારુ શું કરું?”
38 એસાવે પોતાના પિતાને કહ્યું, “મારા પિતા, મને આપવા માટે શું તારી પાસે એકપણ આશીર્વાદ બાકી રહ્યો નથી? મારા પિતા, મને, હા મને પણ આશીર્વાદ આપ.” અને એસાવ પોક મૂકીને રડ્યો.
39 તેના પિતા ઇસહાકે તેને ઉત્તર આપતા કહ્યું, “જો, જ્યાં તું રહે છે તે પૃથ્વીના ભરપૂરીપણાથી તથા ઉપરના આકાશના ઝાકળથી તારે દૂર રહેવાનું થશે. 40 તું તારી તલવારથી જીવશે. તારે તારા ભાઈની સેવા કરવી પડશે. પણ જયારે તું તેની સામે થશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂંસરી ફગાવી દઈ શકશે.”
યાકૂબ નાસી જાય છે
41 યાકૂબને તેના પિતાએ આશીર્વાદ આપ્યો હતો તેને લીધે એસાવે યાકૂબનો દ્વેષ કર્યો. એસાવે પોતાના મનમાં કહ્યું, “મારા પિતાને માટે શોકના દિવસો પાસે છે; એ પૂરા થયા પછી હું મારા ભાઈ યાકૂબને મારી નાખીશ.” 42 રિબકાને તેના જ્યેષ્ઠ દીકરા એસાવની એ વાત જણાવવામાં આવી. તેથી તેણે પોતાના નાના દીકરા યાકૂબને બોલાવડાવ્યો અને તેને કહ્યું, “જો, તારો ભાઈ એસાવ તને મારી નાખે એવું જોખમ તારે માથે છે. તેના મનમાં એવા વિચારો ચાલે છે.
43 માટે હવે, મારા દીકરા, મારી વાત માન અને ઊઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા. 44 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે નહિ ત્યાં સુધી થોડા દિવસ તેની પાસે રહેજે. 45 તારા ભાઈનો ક્રોધ તારા પરથી ઊતરે અને તેને તેં જે કર્યું છે તે ભૂલી જાય, ત્યારે હું તને ત્યાંથી બોલાવીશ. શા માટે હું તમને બન્નેને એક જ દિવસે ગુમાવું?”
46 રિબકાએ ઇસહાકને કહ્યું, “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. હેથની દીકરીઓ જેવી જ પત્ની જો યાકૂબ આ દેશની દીકરીઓમાંથી લાવે, તો મારે જીવવું શા કામનું?”
* 27:36 યાકૂબ એડીને પકડી રાખનાર, છેતરનાર