44
યૂસફનું ચાંદીનો પ્યાલું
1 યૂસફે તેના ઘરના કારભારીને આજ્ઞા આપી કે, “આ માણસોની ગૂણોમાં અનાજ ભરી દો. તેઓ ઊંચકી શકે તેટલું અનાજ ભરો અને દરેકની ગૂણોમાં અનાજની ઉપર તેઓએ ચૂકવેલા નાણાં પાછા મૂકીને ગૂણો બંધ કરો.
2 મારો પ્યાલો જે ચાંદીનો છે તે તથા અનાજના નાણાં સૌથી નાના ભાઈની ગૂણમાં ઉપર મૂકો.” યૂસફે કારભારીને જેવું કહ્યું હતું તેમ તેણે કર્યું.
3 સવાર થતાં જ તે માણસો તેમનાં ગધેડાં સાથે રવાના થયા.
4 તેઓ શહેરની બહાર પહોંચ્યા એટલામાં તો યૂસફે પોતાના કારભારીને કહ્યું, “ઊઠ, તે માણસોનો પીછો કર. જયારે તું તેઓની પાસે પહોંચે ત્યારે તેઓને કહેજે, ‘તમે ભલાઈનો બદલો દુષ્ટતાથી શા માટે વાળ્યો છે?
5 મારા માલિકનો પાણી પીવાનો ચાંદીનો પ્યાલો તમે કેમ ચોરી લીધો છે? એ પ્યાલાનો ઉપયોગ તો તે શુકન જોવા માટે પણ કરે છે. આ તમે જે કર્યું છે તે તો દુષ્કૃત્ય છે.’ ”
6 કારભારીએ તેમની પાસે પહોંચીને તેઓને આ શબ્દો કહ્યા.
7 તેઓએ તેને કહ્યું, “શા માટે મારો માલિક આ શબ્દો અમને કહે છે? આવું કંઈ પણ તારા સેવકો કદાપિ ન કરો!
8 અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ?
9 હવે તપાસી લે. અમારામાંથી જેની ગૂણોમાંથી પ્યાલો મળે તે માર્યો જાય. બાકીના અમે પણ મારા માલિકના ગુલામ થઈ જઈશું.”
10 કારભારીએ કહ્યું, “હવે તમારા કહ્યા પ્રમાણે થશે. જેની પાસેથી તે પ્યાલો મળશે તે ગુલામ થશે અને બીજા બધા નિર્દોષ ઠરશો.”
11 પછી દરેકે પોતાની ગૂણો ઝડપથી ઉતારીને જમીન પર મૂકી અને તેને ખોલી.
12 કારભારીએ શોધ કરી. તેણે મોટાથી માંડીને નાના સુધીના સર્વની ગૂણો તપાસી. ત્યારે પ્યાલો બિન્યામીનની ગૂણમાંથી પકડાયો.
13 તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં અને રડ્યા. તેઓ ગૂણો પાછી ગધેડાં પર મૂકીને પાછા શહેરમાં આવ્યા.
14 યહૂદા તથા તેના ભાઈઓ યૂસફના ઘરે આવ્યા. તે હજુ પણ ત્યાં જ હતો. તેઓએ તેની આગળ જમીન સુધી પડીને નમન કર્યું.
15 યૂસફે તેઓને કહ્યું, “તમે આ શું કર્યું છે? શું તમે જાણતા નથી કે હું શુકન જોઉં છું?”
16 યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.”
17 યૂસફે કહ્યું, “એવું નહિ. બધા નહિ પણ માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ મારા ગુલામ તરીકે અહીં રહે. બાકીના તમે બધા શાંતિથી તમારા પિતાની પાસે પાછા જાઓ.”
યહૂદા બિન્યામીન માટે વિનંતી કરે છે
18 પછી યહૂદાએ તેની પાસે આવીને કહ્યું, “ઓ મારા માલિક, કૃપા કરીને તારા આ દાસને તારા કાનમાં એક વાત કહેવા દે જો કે તું ફારુન સમાન છે તો પણ તારા આ સેવક પર ક્રોધિત ન થઈશ.
19 જયારે મારા ઘણીએ અમોને પૂછ્યું હતું કે, “શું તમારે પિતા અથવા ભાઈ છે?
20 અમે અમારા ઘણીને કહ્યું હતું કે, ‘અમારે વૃદ્ધ પિતા છે અને પિતાને મોટી ઉંમરે મળેલ પુત્ર એટલે અમારો નાનો ભાઈ છે. તેનો ભાઈ મૃત્યુ પામ્યો છે અને તેની માતાને તે એકલો જ પુત્ર બાકી રહ્યો છે તેથી તેના પિતા તેના પર ખૂબ પ્રેમ કરે છે.”
21 પછી તેં તારા ચાકરોને કહ્યું, ‘તેને અહીં મારી પાસે લાવો કે હું તેને જોઈ શકું.’
22 અને અમે અમારા ઘણીને કહ્યું, ‘તે છોકરો તેના પિતાથી અલગ થઈ શકે તેમ નથી. કેમ કે જો તે પોતાના પિતાને છોડીને આવે તો તેના પિતાનું મૃત્યુ થવાનો સંભવ છે.”
23 અને તેં અમને કહ્યું, ‘જ્યાં સુધી તમારો નાનો ભાઈ તમારી સાથે નહિ આવે ત્યાં સુધી હું તમારી સાથે રૂબરૂ વાત નહિ કરું.’
24 પછી જયારે અમે અમારા પિતાની પાસે ગયા, ત્યારે અમે તેને અમારા ઘણીએ કહેલા શબ્દો સંભળાવ્યા.
25 પછી અમારા પિતાએ કહ્યું, ‘ફરીથી જાઓ; અને કેટલુંક અનાજ ખરીદી લાવો.’
26 પણ અમે કહ્યું, ‘અમારાથી નહિ જવાય. જો અમારો નાનો ભાઈ અમારી સાથે આવે, તો જ અમે જઈએ, કેમ કે અમારા નાના ભાઈને અમારી સાથે લઈ ગયા વગર અમે તે માણસની મુલાકાત કરી શકીશું નહિ.”
27 એટલે અમારા પિતાએ અમને કહ્યું, ‘તમે જાણો છો કે મારી પત્નીએ બે દીકરાઓને જન્મ આપ્યો હતો.
28 તેઓમાંનો એક મારાથી દૂર થઈ ગયો છે અને મેં કહ્યું, “ચોક્કસ તેના ટુકડાં થઈ ગયા છે. મેં તેને અત્યાર સુધી જોયો નથી.”
29 પછી પિતાએ કહ્યું કે તમે આને પણ મારી પાસેથી લઈ જશો અને એને કોઈ નુકસાન થશે, તો આ ઉંમરે મારે મરવાનું થશે.”
30 તેથી હવે, જયારે હું મારા પિતાની પાસે પાછો જઈશ ત્યારે જે દીકરામાં તેનો જીવ છે, તે અમારી સાથે ન હોય,
31 અને તેના જાણવામાં આવે કે તેનો દીકરો અમારી સાથે પાછો આવ્યો નથી તો તે આ વાતથી મૃત્યુ પામશે અને અમારે અમારા પિતાને દુઃખ સહિત દફનાવવાનાં થશે.
32 કેમ કે હું યહૂદા મારા પિતાની પાસે બિન્યામીનનો જામીન થયો હતો અને મેં કહ્યું હતું, ‘જો હું તેને તારી પાસે પાછો ન લાવું, તો હું સર્વકાળ તારો અપરાધી થઈશ.”
33 હવે કૃપા કરીને આ દીકરા બિન્યામીનના બદલે તારા સેવકને એટલે મને મારા ઘણીના ગુલામ તરીકે રાખ અને બિન્યામીનને તેના ભાઈઓની સાથે પાછો ઘરે જવા દે.
34 કેમ કે જો તે મારી સાથે ન હોય, તો હું મારા પિતાની પાસે કેવી રીતે જાઉં? મારા પિતા પર જે આપત્તિ આવે તે મારાથી જોઈ શકાશે નહિ.”