10
તોલા
1 અબીમેલેખના મરણ પછી, ઇઝરાયલને ઉગારવા સારુ ઇસ્સાખારના કુળના, દોદોના દીકરા પૂઆહનો દીકરો તોલા ઊઠ્યો, તે એફ્રાઇમના પહાડી મુલકમાંના શામીરમાં રહેતો હતો.
2 તેણે ત્રેવીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો. પછી તે મરણ પામ્યો અને શામીર નગરમાં દફનાવાયો.
યાઈર
3 તોલાના મરણ પછી ગિલ્યાદી યાઈર આગળ આવ્યો. તેણે બાવીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.
4 તેને ત્રીસ દીકરા હતા. તેઓ દરેક પાસે એક ગધેડા હતા અને તેના પર સવારી કરતા હતા, તેઓ પાસે ત્રીસ શહેરો હતાં, કે જે આજ દિવસ સુધી હાવ્વોથ યાઈર કહેવાય છે, જે ગિલ્યાદ દેશમાં છે.
5 યાઈર મરણ પામ્યો અને કામોન નગરમાં દફનાવાયો.
યિફતા
6 ઇઝરાયલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું તેઓએ બઆલ, દેવી આશ્તારોથ, અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્મોનીઓના દેવો તથા પલિસ્તીઓના દેવોની પૂજા કરી. તેઓએ ઈશ્વરનો ત્યાગ કર્યો અને લાંબા સમય સુધી તેમની ઉપાસના કરી નહિ.
7 તેથી ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગ્યો. તેમણે પલિસ્તીઓ તથા આમ્મોનીઓના હાથે તેઓને હરાવી દીધા.
8 તેઓએ તે વર્ષે ઇઝરાયલના લોકોને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો, યર્દનને પેલે પાર અમોરીઓનો દેશ જે ગિલ્યાદમાં છે ત્યાંના ઇઝરાયલના લોકો પર તેઓએ અઢાર વર્ષ સુધી જુલમ ગુજાર્યો.
9 અને આમ્મોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઇમના ઘરનાંની સામે લડવા સારુ ગયા, જેથી ઇઝરાયલીઓ બહુ દુઃખી થયા.
10 પછી ઇઝરાયલના લોકોએ ઈશ્વરને પોકાર કરીને કહ્યું, “અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે, કેમ કે અમે અમારા ઈશ્વરને તજીને બઆલ મૂર્તિઓની પૂજા કરી છે.”
11 ઈશ્વરે ઇઝરાયલના લોકોને પૂછ્યું, “શું મેં તમને મિસરીઓથી, અમોરીઓથી, આમ્મોનીઓથી તથા પલિસ્તીઓથી,
12 અને સિદોનીઓથી પણ બચાવ્યા ન હતા? અમાલેકીઓએ તથા માઓનીઓએ તમારા પર જુલમ કર્યો અને તમે મારી આગળ પોકાર કર્યો અને મેં તમને તેઓના હાથમાંથી છોડાવ્યાં હતા.
13 તેમ છતાં તમે મારો ત્યાગ કરીને બીજા દેવોની પૂજા કરી, જેથી હું હવે પછી તમને છોડાવીશ નહિ.
14 જાઓ અને તમે જે દેવોની પૂજા કરી તેઓને પોકારો. જ્યારે તમે મુશ્કેલીમાં હો ત્યારે તેઓ તમને બચાવશે.
15 ઇઝરાયલના લોકોએ ઈશ્વરને કહ્યું, “અમે પાપ કર્યું છે. તમને જે સારું લાગે તે તમે અમને કરો. પણ કૃપા કરીને, હાલ અમને બચાવો.”
16 તેઓ જે વિદેશીઓના દેવોને માન આપતા હતા તેઓથી પાછા ફર્યા અને તેઓના દેવોનો ત્યાગ કરીને તેઓએ ઈશ્વરની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુઃખને લીધે ઈશ્વરનો આત્મા ખિન્ન થયો.
17 પછી આમ્મોનીઓએ એકસાથે એકઠા થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલીઓએ એકસાથે એકઠા થઈને મિસ્પામાં છાવણી કરી.
18 ગિલ્યાદના લોકોના આગેવાનોએ એકબીજાને પૂછ્યું, “આમ્મોનીઓની સામે યુદ્ધ શરૂ કરે એવો કયો માણસ છે? તે જ ગિલ્યાદમાં રહેનારાં સર્વનો આગેવાન થશે.”