3
બેવફા પ્રજા
તેઓ કહે છે, “જો પુરુષ પોતાની પત્નીને કાઢી મૂકે અને તે તેની પાસેથી જઈને બીજા પુરુષને પરણે,
તો શું તે તેની પાસે પાછો જાય? જો એમ બને તો એ દેશ અતિ ભ્રષ્ટ નહિ ગણાય?’ ”
પણ તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને છતાં તું મારી પાસે પાછી આવવા માગે છે? એવું યહોવાહ કહે છે.
તું ખાલી ટેકરીઓ તરફ આંખો ઊંચી કરીને જો, તારી સાથે વ્યભિચાર ક્યાં નથી થયો?
રણમાં જેમ આરબ પ્રતિક્ષા કરે છે. તેમ તું તેઓને સારુ રસ્તાની ધારે બેઠી છે,
અને તેં તારા વ્યભિચારથી અને દુષ્ટતાથી ભૂમિને ભ્રષ્ટ કરી છે.
આથી વરસાદને અટકાવવામાં આવ્યો છે અને પાછલો વરસાદ પણ વરસ્યો નથી;
પણ તને ગણિકાનું મગજ હતું. તેં તો શરમ છેક મૂકી દીધી છે.
શું તું મને પોકારીને નહિ કહે કે “હે પિતા! તમે તો મારા યુવાવસ્થાના મિત્ર છો.
શું તમે સદાય કોપ રાખશો? શું અંત સુધી તે ચાલુ રાખશો?’
જો, તું એમ બોલે છે પણ છતાં તેં ભૂંડું જ કર્યું છે. અને તારી મરજી મુજબ તું ચાલી છે.’ ”
ઇઝરાયલ અને યહૂદિયાને પસ્તાવાની હાકલ
યોશિયા રાજાના સમયમાં યહોવાહે મને પૂછ્યું કે, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પ્રજાએ જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે વ્યભિચાર કર્યો છે. મેં કહ્યું કે, ‘તેણે આ સર્વ કામ કર્યા પછી મેં ધાર્યું હતું કે, તે મારી તરફ ફરશે પણ તે ફરી નહિ, તેણે જે કર્યું છે તે તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયાએ નિહાળ્યું છે.
મેં એ પણ જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને હાંકી કાઢી હતી. મેં તેને છૂટાછેડા પ્રમાણ પત્ર આપ્યા હતા. તેમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા ડરી નહિ, તેણે પણ વ્યભિચાર કર્યો. અને તેનાં પુષ્કળ ખોટાં કાર્યોથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેઓએ પથ્થર અને ઝાડની મૂર્તિઓ બનાવી. 10 આમ છતાં, તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા સાચા હૃદયથી નહિ પણ માત્ર ઢોંગ કરીને મારી તરફ ફરી છે. એમ યહોવાહ કહે છે.
11 વળી યહોવાહે મને કહ્યું કે, “વિશ્વાસઘાતી યહૂદિયાની તુલનામાં મારો ત્યાગ કરનાર ઇઝરાયલ ઓછી દોષપાત્ર છે! 12 તેથી જાઓ અને ઉત્તર દિશામાં આ શબ્દો જાહેર કરીને કહે કે, હે મારો ત્યાગ કરનાર ઇઝરાયલ પાછા આવો યહોવાહ એમ કહે છે કે, હવે હું તારી વિમુખ ક્રોધે ભરાઈને દ્રષ્ટિ નહિ કરું. કેમ કે યહોવાહ કહે છે હું દયાળુ છું હું સર્વકાળ માટે કોપ રાખીશ નહિ.
13 માત્ર તું તારો દોષ કબૂલ કર અને કહે કે મેં મારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે;
અને પ્રત્યેક ઘટાદાર વૃક્ષ નીચે હું પરદેશીઓની પાસે ગઈ છું!
કેમ કે તમે મારું સાંભળ્યું નથી એવું યહોવાહ કહે છે.
14 વળી યહોવાહ કહે છે કે હે, મારો ત્યાગ કરનાર દીકરાઓ પાછા આવો, કેમ કે હું તમારો માલિક છું. અને દરેક નગરમાંથી એકેક જણને અને દરેક કુટુંબમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોન પર પાછા લાવીશ. 15 મારા મનગમતાં પાળકો હું તમને આપીશ; અને તેઓ ડહાપણ તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.
16 વળી યહોવાહ કહે છે કે, ત્યારે દેશમાં તમારી સંખ્યા વધશે અને તમે આબાદ થશો. ત્યારે તે સમયે ‘યહોવાહના કરારકોશ’ વિષે તેઓ ફરી બોલશે નહિ. અને તે તેઓના મનમાં આવશે નહિ, તેનું સ્મરણ તેઓ કરશે નહિ, તથા તે જોવા જશે નહિ. અને ફરી એવું કંઈ કરશે નહિ.’ ”
17 તે વખતે યરુશાલેમને તેઓ યહોવાહનું રાજ્યાસન કહેશે, સર્વ પ્રજાઓ ત્યાં એટલે યરુશાલેમમાં યહોવાહના નામની ખાતર એકઠી થશે. અને તેઓ પોતાની ભૂંડી ઇચ્છાઓને કદી આધીન થશે નહિ.
18 તે વખતે યહૂદિયાના લોકો ઇઝરાયલના લોકો સાથે ભેગા મળીને ચાલશે. અને ઉત્તર દેશમાંથી* નીકળીને જે ભૂમિ મેં તમારા પિતૃઓને પોતાના વારસા તરીકે આપી હતી તેમાં પાછા આવશે.
પ્રભુના લોકોની મૂર્તિપૂજા
19 પણ મેં કહ્યું કે, હું તને મારા દીકરા જેવો કેમ ગણું અને તને એક રળિયામણી ભૂમિ કેમ આપું,
એટલે સર્વ પ્રજાઓમાં સર્વોતમ વારસો હું તને કેમ આપું? મેં એમ માન્યું હતું કે, તું મને “મારા પિતા” કહીને બોલાવશે.’
અને મારાથી કદી વિમુખ નહિ થાય.
20 જેમ સ્ત્રી વિશ્વાસઘાત કરીને પોતાના પતિને તરછોડે છે
તેમ, ઓ ઇઝરાયલના વંશજો, તમે મારો વિશ્વાસઘાત કર્યો છે. એવું યહોવાહ કહે છે.
21 ખાલી પર્વતો પર સાદ સાંભળવામાં આવ્યો છે. એટલે ઇઝરાયલી લોકોનું રુદન તથા તેઓની વિનંતીઓ સાંભળવામાં આવી છે.
કેમ કે તેઓ અવળે માર્ગે ચાલ્યા છે અને તેમના ઈશ્વર યહોવાહને વીસરી ગયા છે.
22 હે મારો ત્યાગ કરનાર લોકો, તમે પાછા આવો હું તમારું દુષ્કર્મો દૂર કરીશ.
જુઓ! અમે તમારી પાસે આવીશું, કેમ કે તમે ઈશ્વર અમારા યહોવાહ છો!
23 અમે જાણીએ છીએ કે ટેકરીઓ પર અને પર્વતો પર જૂઠાં ઉદ્ધારની આશા રાખીએ છીએ તે ખરેખર વ્યર્થ જ છે,
કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર અમારા ઈશ્વર યહોવાહમાં જ છે.
24 અમારી તરુણાવસ્થાથી અમારા બાપદાદાઓના શ્રમનું ફળ,
તેઓનાં ટોળાંઓ, અન્ય જાનવરો, તેઓના દીકરાઓ અને દીકરીઓ તેઓ સર્વને તે લજ્જાસ્પદ મૂર્તિઓ ખાઈ ગઈ છે.
25 અમે લજ્જિત થયા છીએ. અમારું અપમાન અમને ઢાંકે, અમે અમારા ઈશ્વર યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે.
અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી તે આજ સુધી, અમારા ઈશ્વર યહોવાહનું કહ્યું માન્યું નથી.
* 3:18 3:18 ઉત્તરની ભૂમિમાં આશ્શૂર અને બાબિલ બંનેનો સમાવેશ થાય છે. આ તે જગ્યાઓ હતી જેમાં ઇઝરાયલ અને યહૂદાને દેશનિકાલ પછી લઈ જવામાં આવ્યા હતા.